બંગાળ વિધાનસભા ચૂંટણીમાં કારમી હારના લગભગ એક મહિના પછી તૃણમૂલ કોંગ્રેસનો અંદરનો ખટરાગ ચરમસીમાએ પહોંચ્યો છે. સોનારપુરમાં પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ અને સાંસદ અભિષેક બેનર્જી પર હુમલાના એક દિવસ પછી, ગઈકાલે કલ્યાણ બેનર્જી પર હુમલો થયો હતો. આથી સાંજે તૃણમૂલ સુપ્રીમો મમતા બેનર્જીએ કોલકાતામાં તેમના કાલીઘાટ નિવાસસ્થાને બોલાવેલી પાર્ટી ધારાસભ્યોની બેઠકમાં 80 ધારાસભ્યોમાંથી માત્ર 20 ધારાસભ્યો હાજર રહ્યા હતા. ધારાસભ્યોની હાજરી ખૂબ ઓછી હોવાથી મમતા બેનર્જીએ બેઠક મુલતવી રાખવી પડી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ધારણા કરતાં ઘણી ઓછી સંખ્યામાં ધારાસભ્યો આવવાને કારણે મમતા બેનર્જી પોતે બેઠકમાં હાજર રહ્યા ન હતા. બાદમાં, વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા શોવનદેવ ચટ્ટોપાધ્યાય દ્વારા હાજર ધારાસભ્યોને બેઠક મુલતવી રાખવાની જાણ કરવામાં આવી હતી.
આ પછી, બધા ધારાસભ્યો પાછા ફર્યા હતા. બહાર આવ્યા પછી, પાર્ટીના ધારાસભ્ય અને પ્રવક્તા કુણાલ ઘોષે બેઠક મુલતવી રાખવાનું એક અલગ કારણ આપ્યું. તેમણે કહ્યું કે શનિવારે સોનારપુરમાં પાર્ટીના મહાસચિવ અભિષેક બેનર્જી અને રવિવારે હુગલી જિલ્લામાં વરિષ્ઠ સાંસદ કલ્યાણ બેનર્જી પર થયેલા હુમલા બાદ, તૃણમૂલના નેતાઓ અને કાર્યકરો વિવિધ વિસ્તારોમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા.
ઘણી જગ્યાએ, પાર્ટીના કાર્યકરોને પોલીસે અટકાયતમાં લીધા હતા અને કલાકો સુધી પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા હતા. તેથી, ઘણા જનપ્રતિનિધિઓએ તેમના સંબંધિત વિસ્તારોમાં હાજર રહેવાની જરૂરિયાત વ્યક્ત કરી હતી. તેમણે દાવો કર્યો હતો કે આ જ કારણસર ઘણા ધારાસભ્યોએ ફોન કરીને પાર્ટી નેતૃત્વને થોડા દિવસો માટે બેઠક મુલતવી રાખવા વિનંતી કરી હતી.
ઘોષે જણાવ્યું હતું કે પાર્ટીના કાર્યકરોની સલામતી અને સ્થાનિક પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને, પાર્ટી નેતૃત્વએ હાલ પૂરતું બેઠક મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે. આ બેઠક ક્યારે યોજાશે તે હજુ સ્પષ્ટ નથી. ઘોષે જણાવ્યું હતું કે બેઠક માટે નવી તારીખ ચર્ચા પછી અને ધારાસભ્યોની સુવિધા મુજબ નક્કી કરવામાં આવશે, અને દરેકને જાણ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે વિધાનસભામાં વિરોધ પક્ષના નેતાની પસંદગી સંબંધિત સહી વિવાદની સીઆઇડી તપાસના ભાગરૂપે ઘણા ધારાસભ્યોને નોટિસ જારી કરવામાં આવી છે. વધુમાં, પાર્ટી નેતૃત્વ ચૂંટણી પછી વિવિધ વિસ્તારોમાં તૃણમૂલ કાર્યકરો પર હુમલાની ઘટનાઓ અંગે ચિંતિત છે. રવિવારની બેઠક આ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે બોલાવવામાં આવી હતી.
અભિષેક બેનર્જી અને કલ્યાણ બેનર્જી પર હુમલાની ઘટનાઓ અને લોકોના રોષ વચ્ચે, મમતા બેનર્જીની બેઠકમાં ફક્ત 19 ધારાસભ્યોની હાજરીએ પાર્ટી સંગઠનની વર્તમાન સ્થિતિ અંગે નવા પ્રશ્નો ઉભા કર્યા છે. અગાઉ, 19 મેના રોજ મમતાના કાલીઘાટ નિવાસસ્થાને યોજાયેલી તૃણમૂલ વિધાનસભા પક્ષની બેઠકમાં 15 ધારાસભ્યો ગેરહાજર હતા.
આ પહેલાં, ચોથી મેના રોજ ચૂંટણી પરિણામો જાહેર થયાના બે દિવસ પછી યોજાયેલી બેઠકમાં ઘણા ધારાસભ્યો ગેરહાજર રહ્યા હતા. બંગાળમાં સત્તા ગુમાવ્યા પછી મમતા બેનર્જીની બેઠકોમાં ધારાસભ્યોની સતત ગેરહાજરીથી પાર્ટીના ટોચના નેતૃત્વ સામે ઉભરી રહેલા ઊંડા અસંતોષનો પર્દાફાશ થયો છે. તાજેતરમાં, પાર્ટીના કેટલાક વરિષ્ઠ નેતાઓ અને ધારાસભ્યોએ રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનર્જીની કાર્યશૈલી પર સવાલ ઉઠાવ્યા છે.