જી.જી. હોસ્પિટલ સામેની દુકાનોના મુદ્દે સત્તાધીશોમાં આંતરીક યુઘ્ધ...?

  • May 11, 2023 01:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોર્ટ કેસ પાછો ખેંચાય તો જ ૫૦ વર્ષની લીઝ અપાય તેવી શકયતા: જીએસએ-કોર્પોરેશનના પદાધિકારીઓની મીટીંગ બાદ પણ હજુ ગુંચવાળો: ૨૦૧૩માં થયેલી લાખો રુપિયાની લેવડ-દેવડની જામનગરમાં ચર્ચા: રાજકીય કાર્યકરોમાં કોનું નામ હશે...? તે અંગે અનેક તર્ક-વિતર્ક શરુ...

જામનગરની જી.જી.હોસ્પિટલ સામેની લગભગ ૫૦ દુકાનોની લીઝ પુરી થયા બાદ હવે મહાપાલિકા ૫૦ વર્ષની ફરીથી લીઝ આપવા તૈયાર છે પરંતુ હજુ સુધી હાઇકોર્ટમાંથી કરાયેલો કેસ પાછો ખેંચાયો નથી, બીજી તરફ આ પ્રકારનું સમાધાન ન થાય તે માટે પણ એક જૂથ પ્રયાસ કરી રહ્યું છે, ૨૦૧૩માં લીઝ પ્રકરણને રફેદફે કરી નાખવા માટે ત્રણથી ચાર રાજકીય અગ્રણીઓને લાખો રુપિયાની પ્રસાદી અપાઇ હોવાની ચર્ચાએ પણ જોર પકડયું છે ત્યારે આ પ્રસાદીમાં કોને-કોને પ્રસાદ મળ્યો ? તે અંગે પણ કોર્પોરેશનના વર્તુળોમાં ચર્ચા શરુ થઇ છે અને આગામી દિવસોમાં કોના નામ બહાર આવે તે અંગે પણ લોકો અત્યારથી જ ચાર-પાંચ નામ બોલી રહ્યા છે, તાજેતરમાં જીએસએ ટ્રસ્ટ અને જામનગર કોર્પોરેશનના પદાધિકારીઓ વચ્ચે થયેલી ખાનગી મિટીંગમાં કેટલીક ચર્ચાઓ થઇ હતી, પરંતુ આ ચર્ચાનો અમલ હાઇકોર્ટમાંથી કેસ પાછો ખેંચાય ત્યારે જ થશે તેમ મનાય છે. આ મુદે સતાધીશોમાં પણ અંદરોઅંદર વિખવાદ શરુ થયો છે તેવું જાણવા મળે છે, એક જુથ પ્રશ્ર્ન પતી જાય તેવા પ્રયાસમાં છે જયારે એક જૂથ આ પ્રશ્ર્ન લટકતો રહે તેવા પ્રયત્ન કરી રહ્યું હોવાની વ્યાપક ચર્ચા સાંભળવા મળી રહી છે.
થોડા દિવસ પહેલા જ ૨૦૧૩માં જી.જી.હોસ્પિટલ સામેની ૫૦ જેટલી દુકાનો અને કેબીનો અંગે વિવાદ શરુ થયો હતો, આ લીઝ વધારવા માટે પ્રક્રિયા શરુ થઇ હતી અને આ પ્રકરણમાં ત્રણથી ચાર રાજકીય અગ્રણીઓને રુા.૫૦ લાખથી વધુ રકમનો પ્રસાદ અપાયો હોવાની વેપારીઓમાં ચર્ચા જાગી હતી. ત્યારબાદ ૧૦ વર્ષ સુધી સમાધાન થયું ન હતું અને કોર્ટમાં કેસ કરાયો હતો.
અત્યારે સ્થિતિ એ છે કે, આ પ્રકરણ જેમ લાંબુ ચાલે તેમ રાજકીય જુથને રસ છે, જો ૨૦૧૩નું પ્રકરણ ખુલે તો મોટા માથાઓના નામ પણ બહાર આવે, આ જુથ તો નામો જાહેર થાય તેમ ઇચ્છે છે, પરંતુ વચલા રસ્તા મુજબ મેયર બિનાબેન કોઠારી, ચેરમેન મનીષ કટારીયા અને આર.કે.શાહ તેમજ અન્ય ટ્રસ્ટીઓ વચ્ચે થયેલી તાજેતરની મહત્વની મીટીંગમાં સાંજે સારી એવી ચર્ચા થઇ હતી તેમાં કોર્ટમાંથી કેસ પાછા ખેંચાય જાય ત્યારબાદ જ આ પ્રકરણમાં આગળ વધી શકાશે તેવું નકકી થયું હતું.
જામનગર મહાનગરપાલિકાના પદાધિકારીઓ ૫૦ વર્ષની લીઝ રીન્યુ કરવા તૈયાર છે, એમાં શરત એવી રાખવામાં આવી છે કે, જે ભાડુ નકકી થાય તેમાં ૭૫ ટકા રકમ જીએસએ ટ્રસ્ટ અને ૨૫ ટકા રકમ જામનગર મહાપાલિકાને મળે, જો કે આ ચર્ચા મીટીંગમાં થઇ છે, કેસ પાછા ખેંચાય પછી લીઝની પ્રક્રિયા આગળ વધશે, અગાઉ જનરલ બોર્ડમાં પણ હોસ્પિટલ સામેની દુકાનો અંગે ભારે ચર્ચા-વિચારણા થઇ હતી પરંતુ આ મામલો ૧૦ વર્ષથી થાળે પડયો નથી અને હવે ઓચીંતો આ મામલો હાથ ઉપર લેવાયો છે તેમાં પણ કયું સમીકરણ કામ કરે છે તે વિચારવાની જરુર છે, વેપારીઓ પણ કહે છે કે, પહેલા અમોને ૧૦૦ વર્ષ માટે લીઝ આપી હતી અને તે માટે અમે ભેગા થઇને લાખો રુપિયાની રકમ ચુકવી છે એનું શું ? જો કે આ રકમ ચુકવણીના પડઘા ફરીથી પડયા છે અને આ સમગ્ર કૌભાંડમાં કોના-કોના નામ બહાર આવશે તે તો વેપારીઓ જ કહી શકશે, ટુંકમાં આ લીઝ પ્રકરણ વધુ રહસ્યમયી બનતું જાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application