BREAKING NEWS

ભારતનું અવકાશમાં ફિઝિકલ ડેટા સેન્ટર બનાવવાનું પ્લાનિંગ: ડેટા પ્રોસેસિંગ- સંગ્રહ અંતરિક્ષમાં જ કરશે

  • January 05, 2026 11:01 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભારતનું અંતરિક્ષ કાર્યક્રમ હવે માત્ર રોકેટ અને ઉપગ્રહોની કક્ષાઓ સુધી સીમિત નથી રહ્યું. હવે ઇસરો અંતરિક્ષમાં જ ડેટા પ્રોસેસિંગ કરવાની નવી દિશા વિશે વિચાર કરી રહ્યું છે.

કેન્દ્ર સરકારના અંતરિક્ષ વિભાગ અનુસાર, ઇસરો અંતરિક્ષમાં ફિઝિકલ ડેટા સેન્ટર સ્થાપિત કરવાની શક્યતા પર અભ્યાસ કરી રહ્યું છે. આ ડેટા સેન્ટર ઉપગ્રહોમાંથી મળતા ડેટાનું પ્રોસેસિંગ અને સંગ્રહ અંતરિક્ષમાં જ કરશે. હાલ આ વિચાર પ્રારંભિક તબક્કામાં છે, પરંતુ તે ભારતના અંતરિક્ષ સિસ્ટમના ભવિષ્ય માટે મહત્વપૂર્ણ ફેરફાર સૂચવે છે.


હાલમાં ઉપગ્રહો મુખ્યત્વે ડેટા એકત્રિત કરે છે, જેમ કે તસવીરો, સિગ્નલ્સ અને માપન. આ ડેટા પૃથ્વી પર આવેલા ગ્રાઉન્ડ સ્ટેશનો પર મોકલવામાં આવે છે, જ્યાં તેનું પ્રોસેસિંગ અને વિશ્લેષણ થાય છે. પરંતુ આ પદ્ધતિમાં લીમીટેશન છે. ડાઉનલિંક માટે સમય મર્યાદિત હોય છે, બેન્ડવિડ્થ ઓછી હોય છે અને તાત્કાલિક ઉપયોગ માટે ડેટા મોડામળી શકે છે.


ઇસરો હવે વિચાર કરી રહ્યું છે કે જો ડેટાનું પ્રોસેસિંગ ઉપગ્રહમાં જ થાય, તો માત્ર જરૂરી માહિતી જ પૃથ્વી પર મોકલવી પડે. કેન્દ્રિય મંત્રી જીતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે ઓન-બોર્ડ પ્રોસેસિંગથી સંચાર ઉપગ્રહોને વધુ લવચીક બનાવી શકાય છે અને તેમને અંતરિક્ષમાં જ ફરીથી ગોઠવી શકાય છે.


ડીઓએસના કહેવા મુજબ, અંતરિક્ષમાં એજ કમ્પ્યુટિંગ માટેનું પ્રૂફ-ઓફ-કોન્સેપ્ટ શક્ય છે અને તેની કલ્પના કરવામાં આવી રહી છે. જોકે, સંપૂર્ણ ડેટા સેન્ટર બનાવવા માટે હજી સમય લાગશે. ઇસરોના ચેરમેન વી. નારાયણને કહ્યું છે કે હાલમાં માત્ર પ્રારંભિક અભ્યાસ થયો છે.


આ ક્ષેત્રમાં અનેક પડકારો છે. અંતરિક્ષમાં વીજળી માટે સોલાર પેનલ્સ પર આધાર રાખવો પડે છે. વેક્યૂમમાં ગરમી બહાર કાઢવી મુશ્કેલ છે. કમ્પ્યુટર ચિપ્સને રેડિયેશન, તાપમાનમાં ફેરફાર અને માઇક્રોમીટિયોરોઇડ્સથી બચાવવાની જરૂર પડે છે. એકવાર ઉપકરણો અંતરિક્ષમાં ગયા પછી તેમની મરામત કરવી પણ બહુ મુશ્કેલ બની જાય છે.


સરકારનું કહેવું છે કે આ ટેક્નોલોજીથી આપત્તિ વ્યવસ્થાપનમાં મોટો ફાયદો થઈ શકે છે. પૂર, ચક્રવાત અથવા ભૂકંપ જેવી સ્થિતિમાં ઉપગ્રહ ચિત્રો ઝડપથી પ્રોસેસ થઈ શકે, જેથી તાત્કાલિક નિર્ણય લેવામાં મદદ મળે. રાષ્ટ્રીય સુરક્ષા અને ધરતી નિરીક્ષણ માટે પણ સંવેદનશીલ ડેટા ઓછો મોકલવો પડે અને ઝડપી માહિતી મળી શકે.


વિશ્વભરમાં પણ અંતરિક્ષમાં ડેટા પ્રોસેસિંગમાં રસ વધી રહ્યો છે. ઉપગ્રહોની સંખ્યા અને ડેટાનું પ્રમાણ વધતું જઈ રહ્યું છે, તેથી પૃથ્વી પર બધું પ્રોસેસ કરવાનું મોડેલ ધીમે ધીમે અપર્યાપ્ત બની રહ્યું છે. અંતરિક્ષમાં જ ડેટા પ્રોસેસિંગ કરવાથી આ સમસ્યાનો ઉકેલ મળી શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application