ભારતને વૈશ્વિક બાયો-ફાર્મા મેન્યુફેક્ચરિંગ હબ બનાવવા માટે આગામી પાંચ વર્ષમાં દસ હજાર કરોડ રૂપિયાના ‘બાયોફાર્મા શક્તિ’ પ્રસ્તાવ, ત્રણ નવી ફાર્મા સંસ્થાઓ અને સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશનને મજબૂત કરવાની જાહેરાત કરવામાં આવી હતી. બજેટમાં પરિવહન મંત્રાલય 598,520 કરોડ ફાળવી પ્રથમ ક્રમે, સંરક્ષણ મંત્રાલય 594,585 કરોડ મેળવતા બીજા ક્રમે, ગ્રામીણ વિકાસ 273,108 કરોડ સાથે ત્રીજા ક્રમે, ગૃહ મંત્રાલય 255,234 કરોડ સાથે ચોથા ક્રમે, કૃષિ મંત્રાલય 162,671 કરોડ સાથે પાંચમા ક્રમે, શિક્ષણ 139,289 કરોડ સાથે છઠ્ઠા ક્રમે, ઉર્જા 109,029 કરોડ સાથે સાતમા ક્રમે, આરોગ્ય 104,599 કરોડ સાથે આઠમા ક્રમે છે.
નાણામંત્રી નિર્મલા સીતારમણ સંસદમાં બજેટ રજૂ કરતા કહ્યું કે, સ્થાનિક ઉત્પાદન ક્ષમતાનું નિર્માણ થયું છે અને ઉર્જા સુરક્ષા મજબૂત થઈ છે. સરકારે લોકશાહી કરતાં સામાન્ય લોકોને પ્રાથમિકતા આપી છે. સરકારે વાણી-વર્તનની જગ્યાએ સુધારાઓને પસંદ કર્યા છે. મોદી સરકારે નિર્ણાયક પગલાંનો માર્ગ અપનાવ્યો છે. ભારતની વિકાસ યાત્રા સતત આર્થિક વૃદ્ધિ અને નિયંત્રિત ફુગાવા દ્વારા ચિહ્નિત છે.
કેન્દ્રીય બજેટમાં સરકારે જણાવ્યું હતુંકે 15 ઓગસ્ટ પછી 350થી વધુ સુધારા લાગુ કરવામાં આવ્યા છે અને 'રિફોર્મ એક્સપ્રેસ' વિકાસ, રોજગાર અને ઉત્પાદનને ગતિ આપવા માટે આગળ વધી રહી છે. બજેટમાં છ ક્ષેત્રોમાં હસ્તક્ષેપનો પ્રસ્તાવ છે, જેમાં ચેમ્પિયન એમએસએમઇનું નિર્માણ, વિરાસત ઔદ્યોગિક વિસ્તારોનું પુનરુત્થાન, શહેરોમાં આર્થિક ક્ષેત્રોનો વિકાસ, ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત પ્રોત્સાહન અને સાત વ્યૂહાત્મક ક્ષેત્રોમાં ઉત્પાદનના વિસ્તરણનો સમાવેશ થાય છે.