રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટે મિલ્કતવેરા તથા પાણી વેરાની વસુલાતની કામગીરી તા.૭.૪.૨૦૨૬થી શરૂ કરવામાં આવી હતી. શહેરના કરદાતાઓએ સમયસર વેરાની ભરપાઈ કરીને રાજકોટ મહાનગરપાલિકાની આવકમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. કરદાતાઓના સકારાત્મક સહકારને કારણે ચાલુ નાણાકીય વર્ષમાં વસુલાતને ખૂબ જ ઉત્સાહજનક પ્રતિસાદ પ્રાપ્ત થયો છે.
તા.૩૦.૬.૨૦૨૬ સુધીમાં કુલ ૩,૪૪,૨૫૫ કરદાતાઓ દ્વારા અંદાજે રૂ.૨૪૫.૪૫ કરોડની માતબર વેરા વસુલાત નોંધાઈ છે. આ વસુલાતમાં ડિજિટલ સેવાઓનો વ્યાપક સ્વીકાર પણ નોંધાયો છે. કુલ વસુલાત પૈકી ૨,૬૯,૧૨૦ કરદાતાઓએ ઓનલાઈન માધ્યમથી રૂ. ૧૭૭.૬૦ કરોડની વેરા ભરપાઈ કરી છે. જ્યારે ૭૫,૧૩૫ કરદાતાઓએ ચેક તથા રોકડ મારફતે રૂ. ૭૫.૩૫ કરોડની ભરપાઈ કરી છે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એડવાન્સ વેરો ભરપાઈ કરનાર કરદાતાઓને આપવામાં આવતી ડિસ્કાઉન્ટ યોજનાનો પણ નોંધપાત્ર લાભ મળ્યો છે. તા. ૩૦-૦૬-૨૦૨૬ સુધીમાં કુલ રૂ. ૨૭.૧૨ કરોડ જેટલી ડિસ્કાઉન્ટની રકમ કરદાતાઓને આપવામાં આવી છે. આ યોજના દ્વારા સમયસર વેરો ભરવા માટે નાગરિકોને પ્રોત્સાહન મળ્યું છે તેમજ મહાનગરપાલિકાને પણ વર્ષના પ્રારંભિક તબક્કામાં જ નોંધપાત્ર આવક પ્રાપ્ત થઈ છે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરદાતાઓની સુવિધાને ધ્યાનમાં રાખીને ઓનલાઈન વેરા ભરપાઈ, વિવિધ નાગરિક સુવિધા કેન્દ્રો, બેન્કિંગ વ્યવસ્થા સહિત સરળ અને પારદર્શક વસુલાત વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જેના કારણે શહેરના નાગરિકોએ સરળતાથી વેરાની ભરપાઈ કરી છે.
આ તકે રાજકોટ મહાનગરપાલિકાના મેયર ડૉ.નેહલ શુકલ, ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશભાઈ પીપળીયા, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા ડૉ.હિરેનભાઈ ખીમાણિયા તથા શાસક પક્ષ દંડક સંજયસિંહ રાણાએ શહેરના તમામ કરદાતાઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.