BREAKING NEWS

અમદાવાદની વિનોદ મેન્યુફેક્ચરિંગ પર IT ત્રાટક્યું, ગ્રુપના 35થી વધુ સ્થળો પર દરોડા, કરોડોનું કાળું નાણું બહાર આવે તેવી શક્યતા

  • December 09, 2025 11:19 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાતનો આવકવેરા વિભાગ ડિસેમ્બર શરૂ થતા જ એલર્ટ મોડ પર આવી ગયો છે. આવકવેરાના અધિકારીઓની ટીમ દ્વારા આયોજનબદ્ધ રીતે નિર્ધારિત મોટા માથાઓને ત્યાં ગમે ત્યારે ઓપરેશન હાથ ધરાવાની સંભાવના વચ્ચે આજે અમદાવાદ ટેક્સટાઇલ માર્કેટમાં ડેનીમ જીન્સ બનાવતી વિનોદ મેન્યુફેક્ચરિંગ ગ્રુપ લિ.માં ઇન્કમટેક્સ વિભાગનું મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. કંપનીના ડિરેક્ટરો વિનોદ મિતલ, ધવલ મિતલ, સુરેશ મિતલ, ગગન મિતલ તથા હર્ષિલ વાડોદરિયાના 35 થી વધુ વિવિધ પ્રીમાઈસીસ પર વહેલી સવારથી અમદાવાદ ઇન્કમટેક્સ વિભાગના નેતૃત્વમાં અમદાવાદ સહિત રાજકોટ, સુરત, વડોદરા સહિતના ઇન્વેસ્ટિગેશન વિંગના રાજ્યભરના 250 થી વધુ અધિકારીઓની ટીમ દ્વારા સઘન તપાસ કરવામાં આવી રહી છે. જેને પગલે આસપાસના ટેક્સટાઇલ વર્તુળોમાં ફફડાટ ફેલાયો છે.


વિનોદ ડેનિમ લિમિટેડ કંપની એક લિસ્ટેડ કંપની 

આ અંગે અમદાવાદ આવકવેરા વિભાગના સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી પ્રમાણે વિનોદ ડેનિમ લિમિટેડ કંપની એક લિસ્ટેડ કંપની છે. તેમજ અમદાવાદમાં સરખેજ ગાંધીનગર હાઇવે પર મોંડેલિયમ હાઈટ્સમાં કંપનીની ઓફિસ આવેલી છે. તથા મુખ્ય ફેક્ટરી પીપલજ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં કંપનીની આવેલી છે. આ સિવાય સમગ્ર અમદાવાદમાં આ કંપનીની કુલ ચાર ફેક્ટરીઓ આવેલી છે. કંપનીના બનાવેલા ડેનિમની 25 થી વધુ દેશોમાં નિકાસ કરવામાં આવી રહી છે. ત્યારે કંપની દ્વારા કંપનીના ડિરેક્ટરો તેમજ ભાગીદારો સહિત કંપનીના 35 થી વધુ પ્રીમાઈસીસમાં વહેલી સવારથી ટીમ બનાવીને અધિકારીઓનો કાફલો પહોંચી ગયો છે.જ્યાંથી બહોળા પ્રમાણમાં સાહિત્ય જપ્ત કરી કંપની દ્વારા થયેલા રોકડ વ્યવહારો ઉપરાંત બિલ સહિતની ચકાસણી કરવામાં આવી રહી છે. 


કરોડોનું કાળું નાણું બહાર આવે તેવી શક્યતા

આ તપાસ હજુ બે ત્રણ દિવસ ચાલશે તેમજ કંપની દ્વારા બિનહિસાબી વ્યવહારો દ્વારા કરોડોનું કાળો નાણું બહાર આવે તેવી શક્યતા સૂત્રો દર્શાવી રહ્યા છે. 


કંપની પહેલેથી જ અમદાવાદના ઇન્કમટેક્સ વિભાગના રડારમાં હતી

વિનોદ મેન્યુફેક્ચરિંગ કંપનીના રોકડ વ્યવહારોને લઈને હિસાબમાં ગોલમાલ થતી હોવાની તેમજ ઇન્કમટેક્સ ભરવામાં ગેરરીતિ થતી હોવાની અધિકારીઓને આશંકા હતી. જેથી આ કંપની પહેલેથી જ અમદાવાદના ઇન્કમટેક્સ વિભાગના રડારમાં હતી. અમદાવાદ ઇન્કમટેક્સ વિભાગ દ્વારા વિનોદ લિમિટેડ કંપનીમાં મેગા સર્ચ ઓપરેશન હાથ ધરી અને દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવાનો નિર્ણય આવકવેરા વિભાગે લીધો હતો. ત્યારે આજે વહેલી સવારથી રાજ્ય પરના અધિકારીઓને જોડી અને સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે. બિન હિસાબી રોકડ અને સાહિત્ય સહિતની અધિકારીઓ દ્વારા ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી રહી છે. જેના કારણે ત્રણથી ચાર દિવસ બાદ ઓપરેશન પૂર્ણ થતા સુધીમાં કરોડોનું કાળો નાણું બહાર આવે તેવી શક્યતા સૂત્રો દર્શાવી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application