ગોંડલ તાલુકાના ગુંદાળા ગામે ગત ૩૦ જૂનના રોજ ૨૩ વર્ષીય યુવાનના રહસ્યમય મોતની ઘટનામાં ચોંકાવનારો અને કંપારી છૂટી જાય તેવો ખુલાસો થયો છે. જેને પરિવારજનો અગાઉ આપઘાત ગણાવી રહ્યા હતા, તે ખરેખર આપઘાત નહીં જન્મેતા માતા–પિતા દ્રારા કરવામાં આવેલી ઘાતકી હત્યા હોવાનું સામે આવ્યું છે. પુત્રની દા પીવાની કુટેવથી કંટાળીને માતા–પિતાએ જ ક્રૂરતાની તમામ હદો પાર કરી દીધી હતી.આ સમગ્ર મામલામાં સૌથી મોટો ખુલાસો એ થયો છે કે, પુત્રની હત્યા કર્યા બાદ પાપ છુપાવવા માટે મૃતક દીકરાના પિતાએ ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે જલ્દીથી પેનલ પી.એમ. (પોસ્ટમોર્ટમ) થઈ જાય તે માટે અનેક રાજકારણીઓ અને સ્થાનિક આગેવાનો પાસે ભલામણો કરાવી હતી. પરંતુ, કાયદાના લાંબા હાથથી આરોપી માતા–પિતા બચી શકયા નથી.
ઝઘડા દરમિયાન મામલો એટલો બિચકયો કે માતા–પિતા હેવાન બન્યા હતા. માતા મનીષાબેને સગા દીકરા રામભાઈને બળજબરીથી એસિડ પીવડાવી દીધું હતું. એટલું જ નહીં, પિતા બાબુભાઈએ દીકરાને નિર્દયતાથી ઢીકાપાટુનો માર માર્યેા હતો અને ત્યારબાદ ગળેટૂંપો આપીને પોતાના જ દીકરાને મોતને ઘાટ ઉતારી દીધો હતો. માત્ર ચાર મહિના પહેલા જ પરણીને આવેલીમૃતક રામની પત્ની બંશીબેન બાંભવાએ આ ચકચારી ઘટના અંગે પોતાના જ સાસુ અને સસરા વિદ્ધ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.ગુંદાળા ગામની આ ઘટનાથી સમગ્ર રાજકોટ ગ્રામ્ય પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. સગા માતા–પિતા જ યારે દીકરાના કાળ બને ત્યારે સમાજ કઈ દિશામાં જઈ રહ્યો છે તે એક મોટો સવાલ ઊભો થયો છે.
ગોંડલ તાલુકા પોલીસે આ મામલે તુરતં કાર્યવાહી કરીને આરોપી સાસુ–સસરા વિદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૦૩(૧) (હત્યા), ૧૨૪, અને ૫૪ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ હાઈપ્રોફાઈલ કેસની વધુ તપાસ પોલીસ ઇન્સ્પેકટર યુ.આર. ડામોર ચલાવી રહ્યા છે. હાલમાં પોલીસે બંને હત્યારા માતા–પિતાને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે