ભાયાવદરની 17 વર્ષીય સગીરા પર દુષ્કર્મ આચરી તેન ગર્ભવતી બનાવી દેવાઈ હતી. નરાધમે સગીરાને પ્રેમજાળમાં ફસાવી બદકામ કર્યું હતું. જે બાદ કિશોરીની તબિયત બગડતા સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. જયા તબીબે સગીરા ગર્ભવતી હોવાનું જણાવતા સમગ્ર મામલાનો ભાંડાફોડ થયો હતો. જે મામલે ભાયાવદર પોલીસે દુષ્કર્મ, પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી હતી.
સમગ્ર બનાવ મામલે પોલીસ સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ, અનુસાર ભાયાવદર વિસ્તારમાં રહેતી 17 વર્ષીય સગીરાની તબિયત બગડતા પરિજનોએ તેણીને સારવાર માટે હોસ્પિટલ લઇ ગયા હતાં. જયા તબીબી ટીમે કિશોરીના પેટમાં ચાર માસનો ગર્ભ હોવાનું કહેતા પરિવારજનો ચોંકી ગયા હતાં. બાદમાં પરિવારજનોએ પૂછપરછ કરતા કિશોરીએ સમગ્ર બનાવની હકીકત જણાવી હતી. સગીરાએ પરિજનોને જણાવ્યું હતું કે, તેણીનો ભાયાવદર પંથકમાં રહેતા લક્ષ્મણ રામભાઈ કોડિયાતર સાથે પરિચય થયો હતો. વાતચીત આગળ ધપતા બંને વચ્ચે પ્રેમ સંબંધ પાંગર્યો હતો. જે બાદ લક્ષ્મણ કોડિયાતરે સંગીરાને મળવા બોલાવી શારીરિક સંબંધ બાંધ્યો હતો.
ત્યારબાદ પરિજનોએ પુત્રીને સારવાર અર્થે અમદાવાદ ખાતે ખસેડી હતી. બીજી તરફ સમગ્ર બનાવ અંગે ભાયાવદર પોલીસને જાણ કરાઈ હતી. જેથી ભાયાવદર પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઈ એચ.એમ. ધાધલની ટીમે અમદાવાદ ખાતે જઈ સમગ્ર મામલે દુષ્કર્મ અને પોક્સો એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી આરોપી લક્ષ્મણ રામભાઈ કોડિયાતરની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.