BREAKING NEWS

ખેડૂતોના હિતમાં ગુજરાત સરકારની મહત્વની જાહેરાત: હાઈટેન્શન લાઈન, વીજ થાંભલાનું જંત્રીને બદલે હવે બજારભાવથી બમણું વળતર અપાશે

  • July 03, 2026 06:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્ય સરકારે ખેડૂતોની લાંબા સમયથી ચાલી રહેલી વીજ ટ્રાન્સમિશન ટાવર અને હાઈટેન્શન લાઈનના વળતરની માંગણીને ધ્યાનમાં રાખીને એક ખૂબ જ મહત્વપૂર્ણ અને ખેડૂતલક્ષી નિર્ણય લીધો છે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ પત્રકાર પરિષદમાં આ અંગેની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, વિવિધ ખેડૂત સંગઠનો અને અસરગ્રસ્ત ખેડૂતો તરફથી સતત મળી રહેલી રજૂઆતો પ્રત્યે સરકાર સંપૂર્ણ સંવેદનશીલ રહી છે. આ જટિલ સમસ્યાના કાયમી ઉકેલ માટે છેલ્લા લગભગ ૧૨ દિવસથી મેરેથોન બેઠકોનો દોર ચાલ્યો હતો, જેમાં કેટલીક બેઠકો તો મધ્યરાત્રિના ૧૨ વાગ્યા સુધી પણ લંબાઈ હતી. આ નિર્ણયની આર્થિક અને વહીવટી અસરો અંગે પણ વિસ્તૃત ચર્ચા કર્યા બાદ આખરે ખેડૂતોના વ્યાપક હિતમાં આ ઐતિહાસિક નીતિ નક્કી કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, ખેતરોમાં વીજ કંપનીઓ દ્વારા નાખવામાં આવતા થાંભલાને લઈ મોરબીના જેતપર ગામે ઘણા સમયથી ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે. જેની સામે સરકાર ઝુકી આ નિર્ણય લીધો હોવાની ચર્ચા થઈ રહી છે.


અત્યાર સુધી ખેતરમાં નંખાતા વીજ ટાવરના બેઝ (પાયા) વિસ્તારના વાસ્તવિક માપ પ્રમાણે જ વળતર અપાતું હતું. હવેથી ખેડૂતોના ફાયદા માટે ટાવરના બેઝ વિસ્તારની દરેક બાજુએ વધારાના એક મીટરની ગણતરી કરીને વધુ વળતર ચૂકવવામાં આવશે. ઉદાહરણ તરીકે; ૭૬૫ કે.વી. લાઇનમાં અગાઉ ૬૨૫ ચોરસ મીટર લેખે વળતર અપાતું હતું, જેમાં હવેથી દરેક બાજુએ વધારાના એક મીટરની ગણતરી કરી તે મુજબ વધારીને ૭૨૯ ચોરસ મીટર લેખે ચૂકવવામાં આવશે.

અગાઉ જમીનમાલિકોને વળતર અંગે, ફાઉન્ડેશન તબક્કે ૪૦%, ઇરેક્શન વખતે ૪૦% તથા વાયર લગાડ્યા બાદ ૨૦% રકમ મુજબની ચુકવણી થતી હતી, તેના બદલે જમીનમાલિકોને એક સાથે અને અગાઉથી વળતર ચૂકવવાનું નિર્ધારિત થયેલ છે.

'માર્કેટ રેટ કમિટી' (MRC)ની રચના કરવામાં આવશે

સરકારના નવા નિર્ણયની વિસ્તૃત વિગતો આપતા મંત્રી જીતુ વાઘાણીએ સ્પષ્ટ કર્યું કે, અત્યાર સુધી ખેડૂતોની જમીનમાંથી પસાર થતી વીજ લાઈન કે વીજ પોલ (ટાવર) ઊભા કરવા માટે જંત્રીના બમણા દરે વળતર ચૂકવવામાં આવતું હતું, જે વાસ્તવિક કિંમત કરતાં ઘણું ઓછું હતું. પરંતુ હવે જંત્રી પ્રથાને બાજુ પર મૂકીને જમીનના વર્તમાન વાસ્તવિક બજારભાવના બમણા દરે વળતર ચૂકવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જમીનનો બજારભાવ નક્કી કરવા માટે એક વિશેષ 'માર્કેટ રેટ કમિટી' (MRC)ની રચના કરવામાં આવશે. આ કમિટી જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં કામ કરશે, જેમાં ભારત સરકારના ત્રણ રજિસ્ટર્ડ વેલ્યુઅર, અસરગ્રસ્ત ખેડૂતોના પ્રતિનિધિ તેમજ વીજ કંપનીના પ્રતિનિધિનો સમાવેશ કરાશે. તમામ પક્ષો સાથે મળીને વાસ્તવિક બજાર કિંમત નક્કી કરશે, જેથી વિવાદની કોઈ સંભાવના જ ન રહે.


નવા નિયમોનો પૂર્વવર્તી લાભ આપવામાં આવશે

ખેડૂતોને આર્થિક રીતે વધુ સદ્ધર બનાવવા અને મહત્તમ લાભ આપવા માટે સરકારે પાયાના વિસ્તારની ગણતરીમાં વધારાનો એક મીટર વિસ્તાર પણ સામેલ કર્યો છે. આ ઉપરાંત, વળતર ચૂકવવાની પદ્ધતિમાં પણ મોટો ફેરફાર કરાયો છે. અગાઉ વળતરની રકમ ૪૦-૪૦-૨૦ ટકાના રેશિયો મુજબ હપ્તાવાર મળતી હતી, જેના કારણે ખેડૂતોને લાંબી રાહ જોવી પડતી હતી; પરંતુ હવેથી આ વળતરની પૂરેપૂરી રકમ એકસાથે અગાઉથી જ ચૂકવી દેવામાં આવશે. વળતરના નવા ધોરણો મુજબ, ગ્રામ્ય વિસ્તારોમાં બજારભાવના ૩૦ ટકા, નગરપાલિકા વિસ્તારમાં ૪૫ ટકા અને મહગરપાલિકા વિસ્તારમાં ૬૦ ટકા લેખે વળતર ચૂકવવામાં આવશે. સૌથી મહત્વની વાત એ છે કે, જે ખેડૂતોને જૂના નિયમ મુજબ વળતર મળી ચૂક્યું છે પરંતુ હજુ વીજ લાઈનનું કામ પ્રગતિમાં (ચાલુ) છે, તેઓને પણ આ નવા નિયમોનો પૂર્વવર્તી લાભ આપવામાં આવશે.


ખેતીલાયક જમીનના વર્તમાન બજારભાવને જ આધાર ગણવામાં આવશે

રાજ્ય સરકારના આ ક્રાંતિકારી નિર્ણયથી ગુજરાતભરના હજારો અસરગ્રસ્ત ખેડૂતોને સીધો મોટો આર્થિક લાભ થવા જઈ રહ્યો છે અને વર્ષો જૂના વિવાદોનો કાયમી અંત આવશે. મંત્રીએ ઉમેર્યું કે, જો જમીન ખેતીલાયક હશે તો તે વિસ્તારની ખેતીલાયક જમીનના વર્તમાન બજારભાવને જ આધાર ગણવામાં આવશે, જેથી ખેડૂતને પોતાની જમીનનું સાચું મૂલ્ય મળી રહે. કમિટી દ્વારા સર્વસંમતિથી ભાવ નક્કી થવાના કારણે અપીલની શક્યતા નહિવત રહેશે, છતાં જો કોઈ ખેડૂતને વળતર અપૂરતું લાગે તો તેને કોર્ટ અથવા સિવિલ કોર્ટના દ્વાર ખખડાવવાનો કાયદાકીય અધિકાર રહેશે. ભારત સરકારની ગાઈડલાઈન અને અન્ય રાજ્યોની નીતિઓનો ઊંડો અભ્યાસ કર્યા બાદ આ દેશનો સૌથી શ્રેષ્ઠ અને ખેડૂત હિતૈષી નિર્ણય લેવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application