જામનગરમાં ગોકુલ નગર જકાતનાકા વિસ્તારમાં આવેલી એક પેટ શોપમાં અકસ્માતે આગ લાગી જતાં ભારે દોડધામ
જામનગરમાં ગોકુલ નગર જકાતનાકા વિસ્તારમાં આવેલી એક પેટ શોપમાં અકસ્માતે આગ લાગી જતાં ભારે દોડધામ
January 22, 2026 11:04 AM
દુકાનમાં પિંજરામાં રાખેલા એક ડોગ અને ચાર પક્ષીઓના ગુંગણામણના કારણે મૃત્યુ: ફાયરે આગ બુઝાવી અન્ય પશુ પક્ષીઓને બચાવી લીધા
જામનગરમાં ગોકુલ નગર જકાતનાકા વિસ્તારમાં આવેલી પેટ પેલેસ નામની દુકાનમાં રાત્રિના ૯.૪૫ વાગ્યાના અરસામાં અકસ્માતે શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી, જેને કારણે ભારે દોડધામ થઈ હતી. દુકાનના માલિક હરેશ ગોસ્વામી કે જેઓ દુકાન બંધ કરીને ઘરે ગયા હતા.
ત્યારબાદ દુકાનમાં શોર્ટ સર્કિટ થઈ હોવાના કારણે આગ લાગી ગઈ હોવાથી તરત જ ફાયર બ્રિગેડને જાણ કરી હતી.
ફાયર શાખાની ટુકડી કે જેમાં ફાયર સ્ટેશન ઓફિસર કામિલ મહેતા, રાકેશ ગોકાણી તથા અન્ય ફાયરના જવાનો ઘટના સ્થળે દોડી ગયા હતા, અને સૌ પ્રથમ પાણીનો મારો ચલાવી આગને બુજાવી દીધી હતી. ત્યારબાદ અંદર જઈને નિરીક્ષણ કરતાં કેટલાક પક્ષીઓ અને પ્રાણી વગેરેને પિંજરામાં રાખવામાં આવ્યા હતા, જે પિંજરા વગેરેને તાત્કાલિક બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો હતો.
પરંતુ આગના ધુમાડા અને ગૂંગળામણના કારણે બજરીગર અને લવબર્ડ પ્રજાતિના ચાર પક્ષીઓના સ્થળ પર જ મૃત્યુ નીપજ્યા હતા, જ્યારે એક ડોગનું સ્થળ પર જ મૃત્યુ નીપજ્યું હતું.
પિંજરામાં રહેલા અન્ય સાત ડોગને બચાવી લઈ અન્ય જગ્યાએ ખસેડવામાં આવ્યા છે, અને પશુચચિકિત્સક દ્વારા તેઓને તાત્કાલિક સારવાર કરવામાં આવી રહી છે. સાથો સાથ અંદર રહેલા ૧૨ પક્ષીઓને પણ બચાવી લેવામાં આવ્યા છે, અને તેની પણ સારવાર ચાલી રહી છે.
દુકાનમાં ઇલેક્ટ્રીક વાયરીંગમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે.