ધોરાજી તાલુકા પોલીસે વેલારીયાના શખસને બે ચોરાઉ બાઇક સાથે દબોચ્યો
ધોરાજી તાલુકા પોલીસે વેલારીયાના શખસને બે ચોરાઉ બાઇક સાથે દબોચ્યો
July 15, 2026 10:57 AM
ધોરાજી તાલુકા પોલીસ મથકના સ્ટાફે ધોરાજી તાલુકાના વેલારીયા ગામે રહેતા શખસને ઝડપી તેની પાસેથી બે ચોરાઉ બાઇક કબજે કર્યા હતા. આ શખસની પૂછતાછ કરતા ધોરાજી તાલુકા અને ગોંડલ તાલુકા પોલીસમાં નોંધાયેલા બાઈક ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો હતો.જાણવા મળતી વિગતો મુજબ, એએસપી સિમરન ભારદ્વાજ અને ઇન્ચાર્જ ડીવાયએસપી રોહિતસિંહ ડોડીયા દ્વારા મિલકત સંબંધી ગુના ડિટેક્ટ કરી આરોપીઓને પકડી પાડવા સૂચના આપવામાં આવી હોય જેને લઇ ધોરાજી તાલુકા પોલીસ મથકના પીઆઇ ડો. એમ.એમ. ઠાકોરની રાહબરી હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન શંકાસ્પદ બાઈક સાથે એક શખસને ઝડપી લીધો હતો. પોલીસે આ શખસની પુછતાછ કરતા તેણે પોતાનું નામ નજીરહુસેન સુલતામીયા કાદરી (ઉ.વ. 20 રહે. વેલારીયા તા. ધોરાજી) હોવાનું જણાવ્યું હતું. પોલીસે બાઈકના કાગળો માંગતા તે ગલ્લા તલ્લા કરવા લાગ્યો હતો બાદમાં પોલીસ સઘન પુછતાછ કરતા આ બાઈક ચોરાઉ હોવાની કબુલાત આપી હતી. ચોરાઉ બાઇક સાથે ઝડપાયેલા આ શખસની પૂછતાછ કરતા આ બાઈક તેણે ગઈ તારીખ ૧૦/૭/૨૦૨૬ ના સુપેડી ગામે ઉમા પાન સેન્ટર પાસેથી ચોરી કરી અને કબૂલાત આપી હતી જ્યારે અન્ય એક બાઈક તારીખ 10 જુલાઈના ત્રાકુડા ગામ પાસેથી ચોરી કર્યાનું જણાવતા પોલીસે બંને બાઈક કબજે કરી ધોરાજી તાલુકા અને ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો. ઝડપાયેલો આરોપી ગેરેજમાં કામ કરતો હોવાનું માલુમ પડ્યું છે. આ કામગીરીમાં ધોરાજી તાલુકા પોલીસ મથકના પીઆઇ ડો. એમ.એમ. ઠાકોરની રાહબરીમાં હેડ કોન્સ્ટેબલ દિવ્યરાજસિંહ પઢિયાર, જગદીશભાઈ સુવાણ, કેવિનભાઈ બોરખાતરીયા, કોન્સ્ટેબલ સંજયભાઈ મકવાણા અને વાઘાભાઈ મોરી સાથે રહ્યા હતા.