સલાયામાં પાણીનો પોકાર : વિશાળ રેલી

  • May 25, 2023 10:50 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પાણી વિના તંત્ર સામે આકરા પાણીએ ગ્રામજનો: ચીફ ઓફિસરને આવેદન: જેઠ મહિનાના તડાકામાં બેડારાજ

સલાયામાં છેલ્લા ઘણા સમયથી નગરપાલિકા દ્વારા પાણી વિતરણ અનિયમિત થઇ રહ્યું છે, જેના લીધે પ્રજા ખૂબ પરેશાન થઇ રહી છે. હાલ નગરપાલિકા દ્વારા અઠવાડીયે એક વાર વિતરણ કરવાની જાહેરાત કરી હતી. જેમાં પણ એ નિષ્ફળ ગયેલ છે. ઘણા વિસ્તાર એવા છે કે જ્યાં ૧૦ થી ૧૪ દિવસ થયા પાણી વિતરણ થતું નથી. આ પાણી પ્રશ્ર્નથી ત્રસ્ત ગ્રામજનો દ્વારા સલાયા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સાલેમામદ કરીમ ભગાડ  (સાલુપટેલ)ની આગેવાનીમાં આજરોજ વિશાળ જનરેલી યોજી હતી. જેમાં અંદાજે રપ૦૦ થી ૩૦૦૦ જેટલા હિન્દુ-મુસ્લિમ ભાઇ-બહેનો જોડાયા હતા.
આ રેલી પાણી આપો પાણી આપો ના નારા સાથે નગરપાલિકાએ પહોંચી હતી. ત્યાં હાજર ચીફ ઓફિસરને આવેદનપત્ર આપી અને સાલુભાઇ દ્વારા રજૂઆત કરી હતી. ચીફ ઓફિસર દ્વારા વિતરણ વ્યવસ્થા સુધારવા ખાત્રી આપતા આ રેલી પાછી ફરી હતી. હાલ આ ગરમીમાં પાણીની દૈનિક જરુરીયાત ખૂબ વધી ગઇ છે. જેથી આ પ્રશ્ર્ન ગંભીર બનશે.
ચીફ ઓફિસર દ્વારા એવો ખુલાસો આપ્યો હતો કે જીઇબી દ્વારા રીપેરીંગ સમયે લાઇટ બંધ કરાઇ છે. જેથી પાણીનો જથ્થો અવિરત સલાયા પહોંચી શકતો નથી. તેમજ સલાયામાં પાણી પુ‚ં પાડતો સિંહણ ડેમ છે ત્યાંથી અંદાજે ૪૦૦ થી પ૦૦ મીટરની લાઇન છે. એ વર્ષો જુની નાની લાઇન છે. જેથી જેટલી જરુરીયાત છે. એટલો જથ્થો મળતો નથી એટલે વિતરણ વ્યવસ્થા ખોરવાઇ છે. સલાયાના વિસ્તરને સિંહણ ડેમ ખાતેથી પાણી આવે છે. સિંહણ વોટર વર્કસમાં લાઇટના વારંવાર કાપાથી પાણી વિતરણ સમયસર થતું નથી. હાલ સલાયાને ૪.પ૦ એમએલડી પાણીનો જથ્થો જોઇએ છે જેની જગ્યાએ ર.૦૦ એમએલડી જેટલો જથ્થો અમો મેળવી શકીએ છીએ, જેનું કારણ લાઇટનો કાપ તેમજ જુની પાઇપલાઇન છે. હાલ સલાયા પાસે કુલ બે ઇએસઆર છે. તેમજ એક નવો ઇએસઆર (ટાંકો નિર્માણ હેઠળ) છે. તેમજ પૂરતા પ્રમાણમાં સંપ પણ છે, પરંતુ લાઇટ અને પાણીની જુની લાઇન કારણે પાણી પૂરતું મળી શકતું નથી. હવે આ બધા પ્રશ્ર્નોનો ભોગ સલાયાની પ્રજા બને છે. માટે સંબંધિત અધિકારીએ આ બાબતે યોગ્ય કાર્યવાહી કરે એવું પ્રજા ઇચ્છી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application