થર્ટી ફર્સ્ટ પુર્વે જામનગર પોલીસ દ્વારા અલગ અલગ સ્થળોએ વિદેશી દારૂ અંગે દરોડા પાડવામાં આવ્યા છે, બે સ્થળેથી વિશાળ જથ્થો મળી આવ્યો છે, જેનો ૧૬.૧૭ લાખનો મુદામાલ કબ્જે લેવાયો છે, જામનગરના નાગેશ્ર્વર વિસ્તારમાં એલસીબીની ટુકડીએ બાતમીના આધારે દરોડો પાડીને એક શખ્સને ઇંગ્લીશ દારૂની ૬૦૦ બોટલ તથા બિયરના ૨૮૮ ટીન, રીક્ષા મળી કુલ ૮.૬૩ લાખના મુદામાલ કબ્જે કર્યો હતો, ઉપરાંત ઓશવાળ કોલોની વિસ્તારમા દારૂના કટીંગ વખતે પોલીસ પ્રગટી હતી, ૩૭૨ બોટલ સાથે એકને દબોચી લીધો હતો જયારે બે શખ્સ રફુચકકર થઇ ગયા હતા, તેમજ શાક માર્કેટ રોડ પરથી એક શખ્સને ચાર ચપલા સાથે અને બાલંભડી ગામના શખ્સને શરાબની એક બોટલ સાથે દબોચી લીધો હતો.
જામનગર જીલ્લા પોલીસવડા ડો. રવિ મોહન સૈનીની સુચના અનુસાર શહેર, જીલ્લામાં પ્રોહી-જુગારના કેશ શોધી કાઢવા, અસરકારક કાર્યવાહી કરવા સુચના આપતા આ દિશામાં એલસીબી પીઆઇ લગારીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ મોરી અને પીએસઆઇ કાંટેલીયા તથા સ્ટાફ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.
દરમ્યાન એલસીબી સ્ટાફના ભયપાલસિંહ, સુમિતભાઇ, અજયભાઇ અલને કિશોરભાઇને મળેલ બાતમી આધારે શહેરના નાગેશ્ર્વર વિસ્તાર, દરગાહ પાસે રહેતા મુર્તુઝા ઉર્ફે લાડુ ઓસમાણ રાઠોડ નામના શખ્સના મકાનના ફળીયા અને રીક્ષામાં ઇંગ્લીશ દારૂનો જથ્થો રાખવામાં આવ્યો છે એવી બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો. જયાં ઇંગ્લીશ દારૂની ૬૦૦ બોટલ કિ. ૭.૨૪.૮૦૦ તથા બિયરના ૨૮૮ ટીન અને બજાજ રીક્ષા મળી કુલ ૮.૬૩.૧૬૦નો મુદામાલ કબ્જે કર્યો હતો જયારે આરોપી હાજર મળી આવ્યો ન હતો. આ અંગે એલસીબીના એએસઆઇ ભરતભાઇ ડાંગર દ્વારા સીટી-બી ડીવીઝનમાં મુર્તુઝા ઉર્ફે લાડુ રાઠોડ તથા તપાસમાં જે ખુલે તેની સામે પ્રોહી મુજબ ફરીયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
બીજા દરોડામાં જામનગરના સીટી-એ પીઆઇ એન.એ. ચાવડાની સુચનાથી સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે એએસઆઇ રવિરાજસિંહ, કોન્સ. વિક્રમસિંહ, દિવ્યરાજસિંહને ચોકકસ બાતમી મળેલ કે, ઓશવાળ કોલોની શેરી નં. ૨માં ખુલ્લા પ્લોટમાં અમુક ઇસમો વિદેશી દારૂના જથ્થાનું કટીંગ કરી રહયા છે અને દારૂની હેરાફેરી ચાલુ છે, તેવી હકીકતના આધારે રેઇડ પાડવામાં આવી હતી.દરોડા દરમ્યાન દિ.પ્લોટ-૫૮, વિશ્રામવાડી પાછળ રહેતા રાજેશ ઉર્ફે રાજા ખીસકે જેઠાલાલ મંગેના કબ્જામાંથી વિદેશી દારૂની ૩૭૨ બોટલ કિ. ૬.૬૯.૬૦૦ તથા વેગનઆર કાર, એક મોબાઇલ મળી ૭.૫૪.૬૦૦નો મુદામાલ કબ્જે કરી રાજેશ ઉર્ફે રાજાને પકડી લીધો હતો.
જયારે બનાવ સ્થળેથી જામનગરનો મનિષ ઉર્ફે મનીયો પલ્લી દામા તથા દિ.પ્લોટ ૬૪માં રહેતો પ્રવિણ ઉર્ફે પવી ગજરા નાશી છુટયા હતા, ત્રણેય સામે પ્રોહી મુજબ ધોરણસરની ફરીયાદ દાખલ કરવામાં આવી હતી અને બે નાશી છુટેલા શખ્સોને શોધવા તજવીજ હાથ ધરવામાં આવી છે.
જયારે જામનગરના ભોઇની વાડી પાસે રહેતા વેપાર કરતા અલ્કેશ હરકીશન મહેતા નામના શખ્સને ઇંગ્લીશ દારૂના ચાર ચપટા સાથે સુભાષ શાક માર્કેટ પાસેથ દબોચી લીધો હતો, જયારે કાલાવડના બાલંભડી ગામમાં રહેતા શૈલેષ ઉર્ફે જયસુખ મોહન મકવાણાને ઇંગ્લીશ દારૂની એક બોટલ સાથે કાલાવડ ટાઉન વિસ્તારમાંથી સ્થાનીક પોલીસે પકડી લીધો હતો.