ઉત્તરપ્રદેશમાં હાઈવોલ્ટેજ ડ્રામા: પરિણીત પ્રેમી સાથે રહેવાની જીદ્દમાં માસૂમ બાળક સાથે ટાવર પર ચઢી ગઈ મહિલા!
ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં મંગળવારના રોજ કલાકો સુધી ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. એક મહિલા પોતાના માત્ર 5 વર્ષના માસૂમ દીકરાને લઈને ૧૦૦ ફૂટ ઊંચા મોબાઈલ ટાવર પર ચઢી ગઈ હતી. ધોમધખતા તડકા અને આકરી ગરમી વચ્ચે જીવના જોખમે ટાવર પર બેઠેલી મહિલાને જોવા માટે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.
૬ કલાક સુધી ચાલ્યું દિલધડક રેસ્ક્યૂ ઓપરેશન
આ ઘટના ગોંડાના ડીએમ આવાસ અને કાર્યાલયની નજીક આવેલા એક ઊંચા મોબાઈલ ટાવર પર બની હતી. સવારે અંદાજે ૯ વાગ્યે મહિલા બાળક સાથે ઉપર ચઢી ગઈ હોવાની માહિતી મળતા જ સિટી મેજિસ્ટ્રેટ પંકજ વર્મા અને સીઓ સિટી આનંદ રાય પોલીસ ફોર્સ સાથે ત્યાં પહોંચ્યા હતા. શરૂઆતમાં લાઉડસ્પીકર દ્વારા મહિલાને સમજાવવાનો પ્રયાસ કરાયો, પરંતુ ઊંચાઈ વધુ હોવાથી અવાજ પહોંચી શકતો ન હતો. પરિસ્થિતિ ગંભીર બનતા અયોધ્યાથી એસડીઆરએફ (SDRF) ની ટીમને પણ બચાવ કામગીરી માટે બોલાવવી પડી હતી. કલાકોની જહેમત બાદ, પોલીસ કર્મચારીઓએ સાદા કપડામાં ઉપર જઈને બાળક માટે બિસ્કિટ અને પાણી પહોંચાડ્યા હતા.
શું છે આ હાઈવોલ્ટેજ ડ્રામા પાછળની અસલી કહાની?
પોલીસ અધિકારીઓએ જ્યારે ટાવર પર રહેલી મહિલા સાથે મોબાઈલ ફોન દ્વારા સંપર્ક સાધ્યો, ત્યારે સમગ્ર મામલો સામે આવ્યો હતો.
પતિથી અલગ રહેતી હતી મહિલા
તરબગંજ પોલીસ સ્ટેશન વિસ્તારની રહેવાસી આ મહિલા પોતાના પતિથી અલગ રહે છે.
પરિણીત પુરુષ સાથે અફેર
મહિલાને ગામના જ એક પરિણીત વ્યક્તિ 'રામ ઈકબાલ' સાથે લાંબા સમયથી પ્રેમસંબંધ હતો.
પહેલા નોંધાવી હતી ફરિયાદ
અગાઉ મહિલાએ રામ ઈકબાલ વિરુદ્ધ લગ્નની લાલચ આપી સંબંધ બાંધવા બદલ કેસ પણ દાખલ કરાવ્યો હતો.
સાથે રહેવાની જિદ્દ
હાલમાં રામ ઈકબાલ બહારગામ કામ કરે છે, પરંતુ મહિલા તેની સાથે જ રહેવાની માંગ પર અડગ હતી અને આ જિદ્દ પૂરી કરવા માટે તેણે આ ખતરનાક રસ્તો અપનાવ્યો હતો.
સમજાવટ અને આશ્વાસન બાદ મામલો થાળે પડ્યો
મહિલાને નીચે ઉતારવા માટે વહીવટી તંત્રએ તેના પરિચિતો સાથે પણ વાત કરાવી, પરંતુ તે માનવા તૈયાર ન હતી. આખરે ૬ કલાકની ભારે મશક્કત બાદ, ઉચ્ચ અધિકારીઓ દ્વારા કાયદાકીય અને યોગ્ય આશ્વાસન આપવામાં આવ્યું હતું. સીઓ સિટી આનંદ રાયના જણાવ્યા મુજબ, મહિલા જે વ્યક્તિ સાથે રહેવા માંગતી હતી, તે બંને વચ્ચે આપસી વાતચીત કરાવવામાં આવી હતી. આ વાતચીતથી સંતોષ મળ્યા બાદ જ મહિલા પોતાના બાળક સાથે સુરક્ષિત નીચે ઉતરી આવી હતી, જેનાથી પ્રશાસન અને ત્યાં હાજર લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.