છ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત: રખિયાલ અને ગરીબનગર વિસ્તારમાં ભારે નાસભાગ, ચીસાચીસ અને અફરાતફરીનો માહોલ મચી ગયો હતો
અમદાવાદના રખિયાલ વિસ્તારમાં મોડી રાત્રે ભયાનક અકસ્માતની ઘટના સામે આવી હતી. અજિત મિલ બ્રિજથી ગરીબનગર તરફ આવતા મુખ્ય રોડ પર રાત્રિના સમયે એક બેકાબૂ બનેલી કારે અકસ્માતની વણઝાર સર્જી હતી. ચાલુ કારે ચાલકને અચાનક આંચકી (ખેંચ) આવી જતાં સ્પીડમાં જઈ રહેલી કાર પરનો કાબૂ સંપૂર્ણપણે ગુમાવી દીધો હતો. આ બેકાબૂ કારે રસ્તા પરથી પસાર થતાં પાંચ વાહન તેમજ રોડ કિનારે આવેલી હોટેલની બહાર પડેલા ટેબલ–ખુરશીઓને પણ હવામાં ફંગોળી દીધા હતા. આ ભયાનક દુર્ઘટનામાં એક એકિટવા સવાર યુવતીનું ઘટનાસ્થળે જ કણ મોત નીપયું હતું, યારે અન્ય ૬ જેટલા લોકો ગંભીર રીતે લોહીલુહાણ થતાં હોસ્પિટલ ખસેડા હતા.
પોલીસની પ્રાથમિક તપાસમાંથી મળતી વિગતો અનુસાર, ઓઢવ વિસ્તારમાં આવેલા વિરાટનગર રોડ પરના શ્રદ્ધા બંગલોમાં રહેતા ૪૦ વર્ષીય મયંકકુમાર દીપકભાઈ પટેલ પોતાની સફેદ રંગની ટાટા હેરિયર કાર લઈને પરિવાર સાથે પસાર થઈ રહ્યા હતા. કારમાં તેમની સાથે તેમની પત્ની ડિમ્પલબેન અને દીકરો કર્મ પણ સવાર હતા. મયંકકુમાર અજિત મિલ બ્રિજ ઉતરી રહ્યા હતા, બરાબર એ જ સમયે તેમને અચાનક જ આંચકી આવી ગઈ હતી. તબિયત લથડતાં જ મયંકકુમારે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો અને કાર રોડ પર મોત બનીને દોડવા લાગી હતી.
બ્રિજ ઉતરતાની સાથે જ બેકાબૂ બનેલી આ સડસડાટ દોડતી કારે ગરીબનગર ચાર રસ્તા પાસે સૌપ્રથમ એક ઓટોરિક્ષાને જોરદાર ટક્કર મારી હતી. આટલેથી ન અટકતા કારે રસ્તા પરથી પસાર થઈ રહેલા ત્રણ એકિટવા અને એક મોટરસાયકલને અડફેટે લીધા હતા. કારની સ્પીડ એટલી ઝડપી હતી કે નિર્દેાષ લોકોને હવામાં ફંગોળ્યા બાદ આ કાર રોડની સાઈડમાં આવેલી એક દુકાનના શટરમાં ધડાકાભેર ઘૂસી ગઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે વાહનોના કુરચેકુરચા ઊડી ગયા હતા અને આસપાસના લોકો પણ આ દ્રશ્ય જોઈને સ્તબ્ધ થઈ ગયા હતા.આ ભયાનક અકસ્માત સર્જાતા જ સમગ્ર રખિયાલ અને ગરીબનગર વિસ્તારમાં ભારે નાસભાગ, ચીસાચીસ અને અફરાતફરીનો માહોલ મચી ગયો હતો. અકસ્માતના જોરદાર અવાજને પગલે જોતજોતામાં ઘટનાસ્થળે ૫૦૦થી વધુ સ્થાનિક લોકોના રોષે ભરાયેલા ટોળા એકઠા થઈ ગયા હતા, જેના કારણે પરિસ્થિતિ ભારે તગં બની ગઈ હતી. ઘટનાની ગંભીરતા અને લોકરોષને જોતા જ સ્થાનિક ધારાસભ્ય દિનેશ કુશવાહ તાત્કાલિક અસરથી સ્થળ પર દોડી આવ્યા હતા. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ ન વણસે તે માટે બે એસીપી અને પીઆઈ સહિત મોટી સંખ્યામાં પોલીસનો ચુસ્ત કાફલો ઘટનાસ્થળે તૈનાત કરી દેવાયો હતો. પોલીસે ભારે જહેમત અને કડકાઈ બાદ અકસ્માત સ્થળેથી ટોળાને વિખેરીને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. અકસ્માત સર્જનાર કારચાલક મયંકકુમાર પટેલ પણ હાલ હોસ્પિટલમાં આઈસીયુમાં સારવાર હેઠળ છે અને તેમની તબિયત ખરાબ હોવાને કારણે હાલ તેમનું સત્તાવાર નિવેદન લઈ શકાય તેવી સ્થિતિ નથી. પોલીસે આ મામલે ગુનો નોંધીને વૈજ્ઞાનિક ઢબે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application