ઈન્ડોનેશિયાના બોર્નિયો ટાપુ પર તાડના તેલના (Palm Oil) બગીચાઓ ઉપરથી પસાર થઈ રહેલું એક હેલિકોપ્ટર ગુરુવારે ઉડાન ભર્યાની માત્ર 5 મિનિટમાં જ રડાર પરથી ગાયબ થઈ ગયું હતું. વ્યાપક સર્ચ ઓપરેશન બાદ શુક્રવારે પહાડી અને ગીચ જંગલ વિસ્તારમાંથી હેલિકોપ્ટરનો કાટમાળ મળી આવ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે હેલિકોપ્ટરના ફુરચા ઉડી ગયા છે.
તકનીકી ખામી છતાં ભરી હતી ઉડાન?
સીએનએન (CNN) ઈન્ડોનેશિયાના અહેવાલ મુજબ, આ દુર્ઘટના પાછળ ગંભીર બેદરકારી હોવાનું જણાય છે. એરબસ H130 મોડલનું આ હેલિકોપ્ટર જ્યારે ઉડાન ભરવાની તૈયારી કરી રહ્યું હતું, ત્યારે જ તેમાં કોઈ તકનીકી ખામી હોવાની ફરિયાદ ઉઠી હતી. તેમ છતાં પાયલોટે તેને હવામાં ઉડાડ્યું હતું. ઉડાન ભર્યાની ગણતરીની મિનિટોમાં જ સંપર્ક તૂટી ગયો અને આ મોટો અકસ્માત સર્જાયો.
મૃતકોમાં વિદેશી નાગરિકનો પણ સમાવેશ
સેકાડાઉ પોલીસના જણાવ્યા અનુસાર, દુર્ઘટનાગ્રસ્ત વિસ્તાર અત્યંત પહાડી અને દુર્ગમ હોવા છતાં બચાવ ટુકડીઓએ તમામ 8 મૃતદેહો બહાર કાઢ્યા છે.
નાગરિકતા: મૃતકોમાં 7 વ્યક્તિઓ ઈન્ડોનેશિયાના છે, જ્યારે એક વ્યક્તિ મલેશિયાનો નાગરિક હોવાનું ઓળખાયું છે.
માલિકી: આ હેલિકોપ્ટર પીટી મેથ્યુ એર નુસંતારા (PT Mathew Air Nusantara) કંપનીનું હોવાનું બહાર આવ્યું છે.
દુર્ગમ વિસ્તારમાં બચાવ કાર્યનો પડકાર
પોલીસ નિરીક્ષક ઝૈનલ અબિદીને જણાવ્યું કે જે વિસ્તારમાં હેલિકોપ્ટર ક્રેશ થયું છે તે ખૂબ જ પહાડી અને ગાઢ જંગલ ધરાવે છે. આ જ કારણ હતું કે હેલિકોપ્ટરને શોધવામાં 24 કલાક જેટલો સમય લાગ્યો હતો. હાલમાં આ હેલિકોપ્ટર કયા હેતુથી અને કયા ગંતવ્ય સ્થાને જઈ રહ્યું હતું તે અંગે તપાસ ચાલી રહી છે. સરકારે આ અકસ્માતની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે, જેથી ખબર પડી શકે કે ખામી હોવા છતાં હેલિકોપ્ટરને ઉડાન ભરવાની મંજૂરી કોણે આપી હતી.