BREAKING NEWS

ગુજરાતમાં અવિરત વરસાદથી મેઘતાંડવ: 38,000થી વધુ લોકોનું સ્થળાંતર, 15 મજૂરોનું એરલિફ્ટથી રેસ્ક્યૂ

  • July 24, 2026 05:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં સતત વરસી રહેલા અવિરત મુશળધાર વરસાદને કારણે જળબંબાકારની ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને નવસારી અને વલસાડ જિલ્લાઓમાં અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ જતાં સામાન્ય જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. આ આકાશી આફત વચ્ચે રાજ્યભરમાંથી અત્યાર સુધીમાં ૩૮,૦૦૦થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. જ્યારે સેના, વાયુસેના, કોસ્ટ ગાર્ડ, એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો દ્વારા પૂરજોશમાં રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.


ગણદેવીમાં ઝીંગા ફાર્મમાં ફસાયેલા ૧૫ મજૂરોને કોસ્ટ ગાર્ડે એરલિફ્ટ કર્યા

નવસારી જિલ્લામાં અનરાધાર વરસાદને પગલે નદીઓ ઉભરાતાં અનેક વિસ્તારો જળમગ્ન બન્યા છે. ગણદેવી તાલુકાના મેંધર ભાટ ગામે આવેલા એક ઝીંગાના તળાવ (ફાર્મ) ખાતે છેલ્લા ૧૮ કલાકથી ૧૫ જેટલા મજૂરો ચારેય તરફ પૂરના પાણીથી ઘેરાઈને ફસાયા હતા. આ મજૂરોએ સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ કરીને તંત્ર પાસે મદદની ગુહાર લગાવી હતી. ઘટનાની ગંભીરતા સમજીને ભારતીય કોસ્ટ ગાર્ડની ટીમ તાત્કાલિક હેલિકોપ્ટર સાથે મદદે પહોંચી હતી અને તમામ ૧૫ લોકોને સફળતાપૂર્વક એરલિફ્ટ કરીને સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા.​​​​​​​


રાજ્યમાં ૩૮,૦૦૦થી વધુનું સ્થળાંતર અને ૫,૫૦૦થી વધુનું રેસ્ક્યૂ

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC), ગાંધીનગરના સત્તાવાર અહેવાલ મુજબ, ચોમાસાની આ ઋતુમાં વહીવટી તંત્ર દ્વારા અત્યાર સુધીમાં ૩૮,૬૫૩ નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે, જ્યારે પૂરના પાણીમાં ફસાયેલા ૫,૫૪૭ લોકોનું સફળતાપૂર્વક રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. કટોકટીની સ્થિતિને પહોંચી વળવા રાજ્યના વિવિધ જિલ્લાઓમાં NDRF અને SDRFની ૪૯ ટીમો તૈનાત કરાઈ છે. આ ઉપરાંત અમદાવાદ, નવસારી અને વલસાડમાં ભારતીય સેના (આર્મી)ની ૨-૨ ટીમો પણ ડિપ્લોય કરવામાં આવી છે.


મધ્ય ગુજરાતના પંચમહાલ જિલ્લાના શહેરા પંથકમાં પણ મોડી રાત્રિથી જ ધોધમાર વરસાદ શરૂ થયો હતો, જ્યાં આશરે ૬ ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદના કારણે હાલોલ-શામળાજી હાઈવે પર વિપુલ પ્રમાણમાં પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો હતો. સ્થિતિ વધુ વણસે નહીં તે માટે તંત્ર દ્વારા તાત્કાલિક જેસીબી (JCB) ની મદદથી હાઈવેના ડિવાઈડર તોડીને પાણીનો ઝડપી નિકાલ કરવામાં આવ્યો હતો. વાહનચાલકોએ આ રોડ પર દર વર્ષે ભરાતા પાણીનો કાયમી ઉકેલ લાવવા માગ કરી છે.


વડોદરામાં એરફોર્સ અને કોસ્ટ ગાર્ડ દ્વારા એરિયલ સર્વે તથા રેસ્ક્યૂ

રાજ્યમાં બચાવ કામગીરી માટે તમામ સૈન્ય પાંખો મેદાને ઉતરી છે. વડોદરા ખાતે વાયુસેના (Air Force) ની ટીમ દ્વારા પૂરગ્રસ્તોનું રેસ્ક્યૂ કરવામાં આવી રહ્યું છે. બીજી તરફ, ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા નવસારી, વલસાડ અને તાપી જિલ્લાના વિસ્તારોમાં એરિયલ સર્વે હાથ ધરાયો છે. ઉપરાંત બીલીમોરા અને ગણદેવીમાં પૂરના પાણીમાં અટવાયેલા નાગરિકોને ઉગારવાની કામગીરી ચાલુ છે. બીજી તરફ, અમરેલીના લીલીયાના મફત પ્લોટ વિસ્તારમાં ઘરોમાં ગોઠણસમા પાણી ભરાતાં સ્થાનિકોની ઘરવખરીને મોટું નુકસાન પહોંચ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application