BREAKING NEWS

ગુજરાતમાં 2થી 5 જુલાઈ ભારે વરસાદની આગાહી: યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું

  • June 30, 2026 11:17 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતી પંચાંગ મુજબ અધિક જેઠ માસને ગણતરીમાં ન લેવામાં આવે તો ચોમાસાનો મુખ્ય ગણાતો અષાઢ મહિનો અડધો પૂરો થવા આવ્યો છે, છતાં રાજ્યના મોટા ભાગમાં હજુ મેઘરાજાએ મન મૂકીને મહેર વરસાવી નથી. વાવણીની રાહ જોતા ખેડૂતો અને અષાઢી બીજના પર્વની તૈયારીમાં લાગેલા લોકોની નજર હવે આકાશ તરફ જ છે. હવામાન વિભાગે જોકે આગામી એક-બે દિવસમાં ગુજરાતના બાકીના વિસ્તારોમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું આગળ વધવા માટે પરિસ્થિતિ અનુકૂળ હોવાનું જણાવ્યું છે, જ્યારે 2 જુલાઈથી વરસાદની ગતિવિધિમાં નોંધપાત્ર વધારો થવાની આગાહી કરી છે.


ગઈકાલે સવારે પૂરા થયેલા 24 કલાક દરમિયાન રાજ્યના કુલ 277 તાલુકામાંથી માત્ર 33 તાલુકામાં જ પ્રિમોન્સૂન વરસાદ નોંધાયો હતો. તેમાં પણ સૌરાષ્ટ્ર-કચ્છના માત્ર પાંચ તાલુકામાં ઝાપટાથી પોણો ઇંચ સુધીનો વરસાદ નોંધાતા ખેડૂતોમાં નિરાશા જોવા મળી રહી છે. અનેક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ હજુ પડ્યો ન હોવાથી ખેડૂતો ચિંતિત બન્યા છે.


હવામાન વિભાગના જણાવ્યા મુજબ 29 જૂનની સ્થિતિએ દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની ઉત્તરીય મર્યાદા સુરત સહિતના વિસ્તારોમાંથી પસાર થઈ રહી છે. આગામી એકથી બે દિવસ દરમિયાન ઉત્તર અરબી સમુદ્ર, ગુજરાતના બાકીના વિસ્તારો તેમજ મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, બિહાર, ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડના કેટલાક ભાગોમાં ચોમાસું આગળ વધવા માટે પરિસ્થિતિ અનુકૂળ બની રહી છે. ઉત્તર મધ્યપ્રદેશથી પૂર્વ મધ્ય અરબી સમુદ્ર સુધી દરિયાની સપાટીથી 3.1થી 4.5 કિલોમીટરની ઊંચાઈએ ટ્રફ સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર મરાઠવાડા ઉપરથી પસાર થઈ રહ્યો છે. ઉપરાંત 2 જુલાઈથી ઉત્તર-પશ્ચિમ ભારતમાં નવો પશ્ચિમી વિક્ષેપ સક્રિય થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.


હવામાન વિભાગની પાંચ દિવસની આગાહી મુજબ 30 જૂન અને 1 જુલાઈએ ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. જ્યારે 2 જુલાઈથી વરસાદનું પ્રમાણ વધશે અને સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદની શક્યતા રહેશે.


3 જુલાઈથી દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી તેમજ દમણ-દાદરા નગર હવેલી માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ ઉપરાંત સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે. 4 અને 5 જુલાઈએ પણ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ તથા સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.


30 જૂનથી 3 જુલાઈ દરમિયાન રાજ્યના અનેક જિલ્લાઓમાં મેઘગર્જના, વીજળીના કડાકા અને કલાકના 40થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના હોવાથી હવામાન વિભાગે યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર કરી સાવચેતી રાખવા સૂચના આપી છે.

રાજકોટમાં સોમવારે મહત્તમ તાપમાન 39.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આજે સવારે લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી રહ્યું હતું, જે સવારે 8.30 વાગ્યે વધીને 31 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. હવામાં ભેજનું પ્રમાણ 69 ટકા અને પવનની સરેરાશ ગતિ પ્રતિ કલાક 14 કિલોમીટર નોંધાઈ હતી.

હવે ખેડૂતો અને સામાન્ય લોકોની નજર આગામી બે-ત્રણ દિવસ પર ટકેલી છે. હવામાન વિભાગની આગાહી સાચી ઠરે તો અષાઢી બીજ પહેલાં જ રાજ્યમાં ચોમાસું જમાવટ કરીને કૃષિ પ્રવૃત્તિઓને વેગ મળે તેવી આશા વ્યક્ત થઈ રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application