સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં ગરમીનો પ્રકોપ હજુ યથાવત રહ્યો છે. રાજકોટમાં બુધવારે મહત્તમ તાપમાન 40.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાતા શહેર રાજ્યમાં બીજા ક્રમે સૌથી વધુ ગરમ રહ્યું હતું. હવામાન વિભાગે આગામી 24 કલાક માટે હીટવેવની ચેતવણી જાહેર કરી હોવાથી લોકોમાં સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.
રાજકોટમાં આજે વહેલી સવારે લઘુતમ તાપમાન 27 ડિગ્રી નોંધાયું હતું. સવારે 8:30 વાગ્યે તાપમાન 31 ડિગ્રી, હવામાં ભેજનું પ્રમાણ 68 ટકા અને પવનની સરેરાશ ગતિ 10 કિલોમીટર પ્રતિ કલાક નોંધાઈ હતી. સવારથી જ ગરમી અને ઉકળાટનો અનુભવ થતાં બપોરના સમયે જનજીવન પર અસર જોવા મળી હતી.
રાજ્યમાં સૌથી વધુ મહત્તમ તાપમાન ભુજ ખાતે 41 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ત્યારબાદ રાજકોટમાં 40.7 ડિગ્રી, અમરેલીમાં 38.9 ડિગ્રી, કંડલામાં 37.7 ડિગ્રી, નલિયામાં 37.4 ડિગ્રી, અમદાવાદમાં 37 ડિગ્રી, ડીસામાં 36.8 ડિગ્રી તેમજ વડોદરા અને ભાવનગરમાં 36.4 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં આગામી 24 કલાક દરમિયાન ગરમીનું પ્રમાણ ઊંચું રહેવાની શક્યતા છે. બપોરના સમયે સીધા તડકાથી બચવા, પૂરતું પાણી પીવા અને વૃદ્ધો, બાળકો તેમજ બહાર કામ કરતા લોકો માટે વિશેષ સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.
બીજી તરફ નૈઋત્યનું ચોમાસું દક્ષિણ ભારતના વધુ વિસ્તારોમાં આગળ વધ્યું છે અને તેની પ્રગતિ માટે પરિસ્થિતિ અનુકૂળ હોવાનું હવામાન નિષ્ણાતો માની રહ્યા છે. આગામી થોડા દિવસોમાં ચોમાસું અરબી સમુદ્ર અને પશ્ચિમ કિનારાના વધુ વિસ્તારો તરફ આગળ વધે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતમાં ચોમાસાના આગમન અંગે આગામી દિવસોમાં વધુ સ્પષ્ટતા થવાની શક્યતા છે.
હાલમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગરમી અને ઉકળાટનું મિશ્ર વાતાવરણ યથાવત રહેવાની આગાહી વચ્ચે હીટવેવની ચેતવણીને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ અને સ્થાનિક તંત્ર પણ સતર્ક બન્યા છે.