વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ જોર્ડન, ઇથોપિયા અને ઓમાનની મુલાકાતે છે. ત્યારે શાકાહારી ગાલા ડિનર બાદ મોદી અને ઇથોપિયાના પીએમ બહાર નીકળી રહ્યા હતા ત્યારે બહાર મોટી સંખ્યમાં લોકો તેમને જોવા માટે ઉમટી પડ્યા હતા. આ લોકો મોદી મોદી...ના નારા લગાવ્યા હતા. પરંતુ આ ભીડમાં એક ખાસ વ્યક્તિએ ઈથોપિયાના પીએમનું ધ્યાન ખેંચ્યું હતું અને તે હતા મૂળ રાજકોટના હર્ષ કોઠારી. ઈથોપિયાના પીએમએ ભીડમાંથી હર્ષ કોઠારીને બોલાવી પીએમ મોદી સાથે ભેટો કરાવ્યો હતો. જેનો વીડિયો પણ હાલ સામે આવ્યો છે.
રાત્રે, આદિસ અબાબા કન્વેન્શન સેન્ટર ખાતે ગાલા ડિનર યોજાયું હતું
મળતી માહિતી મુજબ, ઇથોપિયામાં તેમનું રોકાણ 16થી 17 ડિસેમ્બર 2025 સુધી હતું. ઇથોપિયામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ખૂબ જ ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ઇથોપિયાના પ્રધાનમંત્રી ડો. અબી અહેમદ એરપોર્ટ પર તેમનું સ્વાગત કરવા માટે પોતે ગયા હતા અને સાયન્સ મ્યુઝિયમ અને ફ્રેન્ડશીપ પાર્કના પ્રવાસ પછી તેમને તેમની હોટલમાં લઈ ગયા હતા. રાત્રે, આદિસ અબાબા કન્વેન્શન સેન્ટર ખાતે એક ખાસ ભારતીય શાકાહારી ગાલા ડિનરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ગાલા ડિનરમાં ઇથોપિયાના મુખ્ય કેબિનેટ મંત્રીઓ અને એનએસએ ચીફ અજિત ડોભાલ સહિત વરિષ્ઠ ભારતીય અધિકારીઓએ હાજરી આપી હતી.
ડો. અબી અહેમદે અચાનક કોઈ ઓળખીતા વ્યક્તિ સામે હાથ હલાવ્યો
રાત્રિ ભોજન પછી જ્યારે બંને નેતાઓ બહાર નીકળી રહ્યા હતા ત્યારે ઇથોપિયાના વડાપ્રધાન ડો. અબી અહેમદે અચાનક કોઈ ઓળખીતા વ્યક્તિ સામે હાથ હલાવ્યો, આથી તેઓ ત્યાં જ ઉભા રહી ભીડમાંથી આ માણસને બોલાવ્યો અને ખાસ કરીને આ યુવાનનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે પરિચય કરાવ્યો હતો. આ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ હર્ષભાઈ કોઠારી હતા. જેનો પરિવાર આપણા જ શહેર રાજકોટનો છે. પીએમ અબીએ હર્ષભાઈનો પરિચય નરેન્દ્ર મોદી સાથે કરાવ્યો અને કહ્યું કે કોઠારી પણ એક ગુજરાતી છે. આપણા શહેર અને ગુજરાતને વિદેશમાં આટલી સારી રીતે ઓળખ અને પ્રતિનિધિત્વ મળતું જોઈને ખરેખર સૌ કોઈ આનંદની લાગણી અનુભવી રહ્યા છે.
કોણ છે હર્ષ કોઠારી?
હર્ષ કોઠારી ઇથોપિયામાં રહેતા ચોથી પેઢીના ભારતીય છે, જેમના પરદાદા ૧૯૧૫માં ઇથોપિયા સ્થળાંતર કરી ગયા હતા. હર્ષ તેમના પારિવારિક વ્યવસાય મોહન પીએલસીના સીઈઓ છે, જે ઇથોપિયામાં સારી રીતે ઓળખાય છે અને પ્રતિષ્ઠિત છે. હર્ષનો રાજકોટ સાથે ગાઢ સંબંધ છે. હર્ષભાઈ નિયમિતપણે તેના પરિવાર સાથે સમય વિતાવવા માટે રાજકોટની મુલાકાત લે છે.