વર્ષ 2018માં પાટીદાર અનામત આંદોલન સમયે સુરતમાં વરાછા પોલીસ મથકમાં ટ્રાફિક જામ અને જાહેર માર્ગ પર અવરોધ ઊભો કરવાના મુદ્દે નોંધાયેલા બે કેસ પરત ખેંચવાની મંજૂરી કોર્ટે આપી દીધી છે. સુરતના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ જીતેન્દ્રસિંહે સરકારની 'કેસ વિથડ્રો' કરવાની અરજી ગ્રાહ્ય રાખીને તમામ આરોપીઓને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કર્યો છે. આ બે કેસ પરત ખેંચાતા ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ અને પાટીદાર અગ્રણી અલ્પેશ કથીરિયાને મોટી રાહત મળી છે.
મળતી માહિતી અનુસાર, વર્ષ 2018માં આંદોલન દરમિયાન વરાછા પોલીસે ગેરકાયદે મંડળી રચવા, લૂંટ, મારામારી અને જાનથી મારી નાખવાની ધમકી આપવાના આરોપસર જિજ્ઞેશ વઘાસિયા, મૌલિત નસીત, ચંદ્રેશ કાકડિયા અને રૂષિક દેસાઈની અટકાયત કરી હતી. ત્યારબાદ આ કાર્યકરોને જામીન મળતાં તેઓ લાજપોર જેલમાંથી મુક્ત થયા હતા.
જેલમાંથી મુક્ત થયેલા કાર્યકરો નિકળવાના હોઈ, તેમના સ્વાગત માટે 'પાસ'ના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો વાહનો અને બાઇક રેલી સાથે લાજપોર જેલ પહોંચ્યા હતા. ત્યાંથી સુરતના વિવિધ વિસ્તારોમાં રેલી યોજી વરાછા ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફૂલહાર કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ રેલી દરમિયાન જાહેર રોડ પર ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ હતી અને પોલીસની સૂચના છતાં રેલી વિખેરાઈ નહોતી. જે બદલ તત્કાલીન વરાછા પોલીસ ઇન્સ્પેક્ટર વી.એસ. પટેલે 10મી જાન્યુઆરી 2018ના રોજ ફરિયાદ નોંધી હતી.
પોલીસે આ મામલે હાર્દિક પટેલ, અલ્પેશ કથીરિયા, ધાર્મિક માલવિયા, જયદીપ ઉર્ફે ટપુ પોલરા, કૃણાલ સરધારા, પંકજ સિધ્ધપુરા, સંજય માવાણી અને કોંગ્રેસ અગ્રણી અશોક જીરાવાલા સહિત 150થી 200 કાર્યકરો સામે આઇપીસીની કલમ 143, 145, 149, 152, 341 અને 188 હેઠળ ગુનો નોંધ્યો હતો.
આંદોલન સમયના આ બંને કેસ જાહેર હિતમાં પરત ખેંચવા માટે ડીજીપી નયન સુખડવાલાના માર્ગદર્શન હેઠળ આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર દિગંત તેવારે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ-360 તથા ક્રી.પ્રો.કોડની કલમ-321 હેઠળ કોર્ટમાં અરજી કરી હતી.
સરકારપક્ષે જણાવ્યું હતું કે સુરત શહેર પોલીસ કમિશનરે સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર કરવાની પરવાનગી આપી હતી. આ દરમિયાન વાહનચાલકો ને અવરોધ થયો હતો. જેથી ટ્રાફિક અવરોધની કલમ 341 તથા અન્ય કલમો લગાડાાઇ હતી. પરંતુ જે વ્યક્તિઓને અડચણ ઉભી થઈ હતી તેવી કોઈ વ્યક્તિએ નહીં, પરંતુ પીઆઇએ ફરિયાદ કરી હતી. કલમ 341 સમાધાનપાત્ર કલમ છે. આરોપીઓનો ગુનાઇત ઇરાદો જણાતો નથી. જેને કોર્ટે રેકોર્ડ પરના પુરાવા તથા કાનુની જોગવાઇને ધ્યાને લઇને કેસ ચલાવવો જાહેર જનતાના હિતમાં ન હોવાનું જણાવીને બંને કેસો પરત ખેંચવાની માંગ પર મંજૂરીની મહોર મારતો હુકમ કર્યો હતો.