BREAKING NEWS

સૌરાષ્ટ્રભરમાં દારૂનુ નેટવર્ક ધરાવતો ફિરોઝ ઉર્ફે ફિરીયા, તેના સાથીદાર હર્ષદ મહાજન આણી ટોળકી સામે ગુજસીટોક

  • July 03, 2026 03:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ સુદ્રઢ બનાવવા અને ગુનેગારવાની કમર તોડી નાખવા શહેર પોલીસ દ્વારા વધુ એક વખતનું ગુજસીટોકનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં તેમજ બહારના રાજ્યોમાં દારૂનું નેટવર્ક ધરાવનાર કુખ્યાત બુટલેગર ફિરોજ ઉર્ફે ફિરીયાની ગેંગના 20 શખસો વિરુદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસની આ કાર્યવાહીથી દારૂના ગુનાઓમાં સંડોવાયેલા મોટા બુટલેગરો સહિતનાઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.


પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા અને અધિક પોલીસ કમિશનર ચૈતન્ય માંડલીક દ્વારા શહેરમાં ફિરોજ ઉર્ફે ફિરીયો ટોળકીના સાગરીતો વિરુદ્ધ મારામારી, ખૂનની કોશિશ, રાયોટ સહિતના ગુનાઓ નોંધાયા હોય જેથી આ ટોળકીને નિયંત્રણમાં લેવા માટે તેની સામે કડક કાર્યવાહી કરવા અને તેના ગુનાઓ અંગેની તપાસ કરવા સૂચના આપવામાં આવી હતી. જેને લઇ ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા અને એસીપી ક્રાઇમ બી.બી.બસીયાના માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાન્ચ પીઆઇ એમ.આર. ગોંડલીયા, એમ.એલ. ડામોર, સી.એચ. જાદવની રાહબરીમાં પીએસઆઇ.સી.બી. જાડેજા તથા ટીમે તપાસ હાથ ધરી ફિરીયાની ટોળકીએ આચરેલા ગુનાઓની માહિતી એકત્ર કરી હતી. જેમાં છેલ્લા ઘણા વર્ષોથી સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ફિરોજ ઉર્ફે ફિરીયોહાસમભાઈ મેણુ (રહે. કોઠારીયા રોડ નીલકંઠ પાર્ક શેરી નંબર ત્રણ) તથા તેનો સાથી હર્ષદ ઉર્ફે મહાજન માણેકલાલ માંડલિયા (રહે. વૃંદાવન પાર્ક સોસાયટી શેરી નંબર એક, ભવાની ચોક દેવપરા) તેના અન્ય સાગરીતો સાથે મળી સતત ગુનાઓ આચરતા હોય અને ગુના આચરવા માટે સંગઠિત ટોળકી રચી હોવાનું સામે આવ્યું હતું.


આ ટોળકી દ્વારા વર્ષ 2017 થી 2026 દરમિયાન રાજકોટ શહેર તથા સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં હત્યાનો પ્રયાસ, રાયોટ તેમજ બહારના રાજ્યમાંથી મોટા પ્રમાણમાં ગેરકાયદે દારૂ આયાત કરી રાજકોટ તથા સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, જુનાગઢ, અમદાવાદ ગ્રામ્ય, વલસાડ, વડોદરા, ખેડા, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર સહિતના જિલ્લાઓમાં ગેરકાયદે વેચાણ કરી યુવાધનને નશાના રવાડે ચડાવવા માટે આ ગેંગ સક્રિય હોય આ ટોળકી દ્વારા 2017 થી 2026 દરમિયાન કુલ 342 ગંભીર પ્રકારના ગુના આચર્યા હોય જેથી તેની સામે ગુજસીટોકનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે.


ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ફિરોજ ઉર્ફે ફિરીયા અને હર્ષદ ઉર્ફે મહાજન આણી ટોળકીના 18 સભ્યો સહિત 20 વિરુદ્ધ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો પોલીસે આ ટોળકીના નવ આરોપીઓને ઝડપી લીધા છે. જ્યારે ફિરીયો અને હર્ષદ મહાજન સહિત પાંચ આરોપીઓ પાસા હેઠળ જેલ હવાલે હોય તેમનો કબજો લેવામાં આવશે અને અન્ય ફરાર છ આરોપીઓને ઝડપી લેવા માટે શોધખોળ યથાવત રાખી છે.


સૂત્રધાર ફિરીયો-મહાજન સહિત પાંચ આરોપીઓ હાલ પાસે હેઠળ જેલહવાલે

નામચીન ફિરોજ ઉર્ફે ફિરીયાની ગેંગ વિરુદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ગેંગના લીડર અને તેના સાગરીતો સામે ગુનો દાખલ કરાયો છે. જે પૈકી પાંચ આરોપીઓ હાલ પાસા હેઠળ અલગ અલગ જેલમાં છે. જેમાં ફિરોજ ઉર્ફે ફિરીયો, ધવલ રસિકલાલ સાવલિયા, ઇમરાન ઉર્ફે બોબડો ઉર્ફે ખલી કાલવા, પ્રશાંત ઉર્ફે પાસો કિશોરભાઈ પરમાર, હર્ષદ ઉર્ફે મહાજન માણેકલાલ માંડલિયા જેલમાં હોય તેનો કબજો લેવામાં આવશે.


ગુજસીટોકમાં ઝડપાયેલા નવ આરોપીઓ


ક્રાઈમ બ્રાન્ચ દ્વારા હાલ આ ટોળકીના નવ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. જેમાં ચંદ્રેશ ઉર્ફે કાળીયો જગદીશભાઈ ચાઉં, ધવલ ઉર્ફે શીવ બકુલભાઈ વડનગરા, યશપાલસિંહ ઘનુભા જાડેજા, મનોજ ઉર્ફે શીવો રમેશભાઈ પોબારૂ, મોહસીન ઉર્ફે ચિનલો દિલાવરભાઈ કુરેશી, જય ઉર્ફે જયસન રસિકભાઈ સાવલિયા, મોહસીન મોહમ્મદભાઈ ભાયા, બકુલ ઉર્ફે જગદીશ દિનેશભાઈ નંદેસણીયા અને રાહુલ બોધાભાઈ વકાતરનો સમાવેશ થાય છે.


તાજેતરમાં ફિરીયાનો દારૂ ઝડપાયા બાદ કુવાડવા પીઆઇ નો ભોગ લેવાયો હતો

રાજકોટ- અમદાવાદ હાઈવે પર કુવાડવા નજીક આર.કે. ઇન્ડસ્ટ્રીયલ પ્લોટમાં એસ.એમ.સી.ની ટીમે દરોડો પાડી રૂપિયા 70 લાખનો દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. તપાસમાં આ દારૂનો જથ્થો કુખ્યાત બુટલેગર ફિરોજ ઉર્ફે ફિરીયાનો હોવાનું માલુમ પડ્યું હતું અને અગાઉ પણ અહીં કટીંગ થઈ ગયાનુ તપાસમાં ખુલ્યું હતું. જે ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા કુવાડવાના તત્કાલીન પીઆઇ વી.આર. વસાવાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application