સુરતના પુણા વિસ્તારમાં એક એવી ઘટના બની જેણે કૌટુંબિક સંબંધોની ગરિમા અને માનવતા પર અનેક સવાલો ઉભા કર્યા છે. પરવત પાટિયા પાસે આવેલા અનમોલ એપાર્ટમેન્ટના એક નાનકડા મકાનમાં 70 વર્ષીય વૃદ્ધા લીલાબેન ચંદુભાઈ ચૌધરીની લોહીલુહાણ હાલતમાં લાશ મળી આવતા સમગ્ર પંથકમાં સનસનાટી મચી ગઈ હતી. જે દોહિત્રને નાનીએ મા બનીને ઉછેર્યો હતો તે જ બેશરમ દોહિત્ર હર્ષ નિલેશભાઈ પટેલે માત્ર કામ કરવાની શિખામણ મળતા ઉશ્કેરાઈને પોતાની સગી નાનીનું છરીથી ગળુ કાપી હત્યા કરી નાખી હતી.
ઘટનાની વિગત એવી છે કે, ગત રાત્રિએ જ્યારે આ ખૂની ખેલ ખેલાયો ત્યારે ઘરમાં માત્ર હર્ષ અને તેના નાની લીલાબેન જ હતા. હર્ષની બહેન બહાર ગઈ હતી અને તેની પત્ની પિયરમાં હતી. મોડી રાત્રે લોહીથી લથપથ હાલતમાં નાનીની લાશ જોઈ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. પુણા પોલીસના પીઆઈ વિક્રમ દેસાઈ અને તેમની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યાં હાજર 25 વર્ષીય હર્ષ પટેલે પોલીસને ગુમરાહ કરવા માટે મગરમચ્છના આંસુ સારતા એક વાર્તા ઘડી કાઢી હતી. તેણે જણાવ્યું કે નાનીએ કંટાળીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો અને તેને બચાવવા જતાં ઝપાઝપીમાં તેમને વાગી ગયું. જોકે, પોલીસને હર્ષની વર્તણૂક અને ઘટનાસ્થળની સ્થિતિ પરથી શંકા ગઈ હતી. એફએસએલ અને ડોગ સ્ક્વોડની મદદ લેવામાં આવી, જેમાં સ્પષ્ટ થયું કે આ આત્મહત્યા નહીં પણ ક્રૂર હત્યા છે. પોલીસે જ્યારે હર્ષની મનોવૈજ્ઞાનિક ઢબે પૂછપરછ કરી ત્યારે તે ભાંગી પડ્યો અને પોતાનો ગુનો કબૂલ કર્યો હતો.
હર્ષ છેલ્લા ઘણા સમયથી બેકાર હતો, તે મોડી રાત સુધી જાગતો અને દિવસે મોડે સુધી સુઈ રહેતો હતો. લીલાબેન શિસ્તના આગ્રહી હોવાથી તેઓ વારંવાર હર્ષને ટોકતા હતા કે, તું હવે મોટો થયો છે, ક્યાં સુધી આમ બેસી રહીશ? કંઈક કામધંધો કર, તારી પત્ની અને બહેનનું વિચાર. આ શિખામણ હર્ષને કડવી લાગતી હતી. ઘટનાના દિવસે પણ જ્યારે નાનીએ તેને કામ બાબતે ટકોર કરી, ત્યારે હર્ષે સંયમ ગુમાવ્યો અને રસોડામાંથી છરી લાવી વૃદ્ધાના ગળાના ભાગે ઉપરા-છાપરી ઘા ઝીંકી દીધા હતા. અશક્ત વૃદ્ધા પ્રતિકાર કરે તે પહેલા જ હર્ષે તેમની હત્યા કરી નાખી હતી.
આ કેસમાં સૌથી કરુણ બાબત એ છે કે મૃતક લીલાબેને હર્ષ અને તેની બહેનને પાછલા દસ વર્ષથી સંતાનની જેમ સાચવ્યા હતા. હર્ષની માતાએ બીજા લગ્ન કર્યા હોવાથી તે અલગ રહેતી હતી, ત્યારે આ નાનીએ જ તેને છત આપી અને જમાડ્યો હતો. જે હાથે તેને કોળિયા ખવડાવ્યા હતા, તે જ હાથમાં કામ કરવાની શિખામણ બદલ મોત મળ્યું હતું. પાડોશીઓના મતે લીલાબેન કડક સ્વભાવના હોવા છતાં દોહિત્રના ઉજ્જવળ ભવિષ્યની જ ચિંતા કરતા હતા. હાલ પુણા પોલીસે નરાધમ હર્ષ પટેલની ધરપકડ કરી છે અને તેની સામે હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે ક્રોધ અને અસંયમ કેવી રીતે હસતા-રમતા પરિવારનો નાશ કરી શકે છે.