BREAKING NEWS

એસટી નિગમ ખોટ જ કરે ને? ગોંડલ ડેપોની રાજકોટ-ઉના બસ ડેઇલી દોઢ કલાક લેઇટ

  • October 04, 2025 10:06 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ ડિવિઝનના ગોંડલ એસટી ડેપોની રાજકોટથી ઉપડતી રાજકોટ -ઉના એસટી બસ જેનો સમય બપોરે ૧૨:૩૦ કલાકનો છે અને કુંકાવાવ, બગસરા અને ધારી થઇને અને ઉના પહોંચાડે છે. છેલ્લા છ મહિનાથી આ બસ નિયમિત રીતે અનિયમિત ઉપડતી હોવાથી મુસાફરોમાં ભારે દેકારો બોલી ગયો છે

ગોંડલ ડેપો મેનેજરને અનેક વાર રજૂઆત કરવા છતાં આ બસ છેલ્લા છ મહિનાથી કાયમ માટે ૧૨:૩૦ ને બદલે બે વાગ્યાની આજુબાજુ ઉપડે છે આ બસમાં ખુબ રિઝર્વેશન હોય છે તેમજ ફુલ ટ્રાફિક વાળી બસ છે છતાં ગોંડલ ડેપોની અણઆવડતને હિસાબે આ રૂટમાં દરરોજ અલગ અલગ પ્રકારની ખખડી ગયેલી અને કિલોમીટર પુરા થઇ ગયા હોય તેવી બસ મુકે છે તેથી આ બસ રાજકોટથી ઉપડી અને છેલ્લે ઉના સ્ટોપ આવે ત્યાં સુધી પહોંચતી પણ નથી રસ્તામાં જ બંધ પડી જાય છે ! અને મુસાફરો ખૂબ હેરાન થાય છે પાંચ કલાકના ગાળામાં આ રૂટમાં આ એક જ બસ છે જેમાં અનેક ગામડાના પેસેન્જર મુસાફરી કરે છે.ગોંડલ ડેપોમાં છેલ્લા છ મહિનામાં અનેક નવી બસો આવેલ પણ આ રૂટમાં એક પણ નવી બસ હજુ સુધી મુકેલ નથી સારી એવી આવક ધરાવતો આ રૂટ ગોંડલ ડેપોનો અણમાનીતો રૂટ હોય તેવું લાગે છે. આ રૂટ ની બસ તાત્કાલિક અસરથી સારી અને નવી મૂકવી અને કાયમી ધોરણે નિયમિત કરવી તેમજ તેમાં કંડકટર તેમજ ડ્રાઇવર ફિક્સ કાયમી હોય તેવા મુકવા તેવી મુસાફરોએ માંગ કરી છે. તાજેતરમાં તા.૧ ઓક્ટોબરને બુધવારના રોજ બપોરે બે વાગે બસ ઉપડતા મુસાફરોએ કંટ્રોલરૂમમાં દેકારો બોલાવ્યો હતો. ત્યારબાદ બીજા દિવસે આ બસ પ્લેટફોર્મ ઉપર મુકાયા બાદ સ્ટાર્ટ જ થઇ ન હતી. ૧૨:૩૦ને બદલે બે વાગ્યે બસ આવેલ અને ત્યારબાદ બસ સ્ટાર્ટ પણ થઇ નહીં ! આવું અવારનવાર બની રહ્યું છે. રાજકોટ ડિવિઝન કંટ્રોલર તેમજ ગોંડલ ડેપો મેનેજર આ બસનું યોગ્ય નિરાકરણ લાવે તેવી પ્રબળ લોકમાંગ ઉઠવા પામી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application