વેપારીઓ ત્રાસ આપતા હોવાથી પગલું ભર્યાનો આક્ષેપ કરતા પોલીસની તપાસ
શહેરના દેવપરામાં બી.એમ.જવેલર્સ નામની દુકાન ધરાવતા સોની વેપારીએ ગત તા.19ના પોતાની દુકાનમાં જ એસિડ પી લેતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેનું ગઈકાલે સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. આપઘાત પાછળનું કારણ સોનાના દાગીના અને પૈસાનો આર્થિક વ્યવહાર કારણભૂત હોવાનું મનાઈ રહ્યું છે. બનાવના પગલે પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.
પ્રાપ્ત વિગત મુજબ કેવડાવાડી શેરી નં-15માં રહેતા અને દેવપરામાં બી.એમ.જવેલર્સ નામની દુકાન ધરાવતા તેજસભાઈ શિરીષભાઈ રાણપરા (સોની)એ ગત તા.19ના રોજ પોતાની દુકાને હતા ત્યારે બપોરે બારેક વાગ્યે એસિડ પી લીધું હતું. દુકાનમાં સોની કામની મજૂરી કરતા કારીગરના ધ્યાને આવતા તાકીદે શેઠના પરિવારને જાણ કરતા બધા દુકાને દોડી આવ્યા હતા અને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. દરમિયાન ગત રાત્રીના દમ તોડી દેતા બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે ભક્તિનગર પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી પૂર્ણ કરી તપાસ હાથ ધરી હતી.
આપઘાત કરનાર તેજશભાઈ બે ભાઈમાં મોટા છે. સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે.
જે તે વખતે તેમના માતાએ આક્ષેપો સાથે જણાવ્યું હતું કે, સોની વેપારી હાર્દિક અને વિનોદભાઈના ત્રાસથી પુત્રએ એસિડ પીધું છે, બંને વ્યક્તિઓ પુત્રને ઘરેણાં બનાવવા માટે આપતા હતા. જેના હિસાબમાં અમુક વસ્તુ આપવાની બાકી હતી જે ધીમે ધીમે પરત કરી દેવાની વાત કરતા બંને સહમત પણ થઇ ગયા હતા. એમ છતાં સાતેક મહિનાથી બાકી હિસાબ માગી ત્રાસ આપતા હતા. જે માલ આપ્યો છે એ માલ વ્યાજમાં ગણ્યો છે અને હજુ મુદ્દલ અને વ્યાજ ચૂકવવાનું બાકી છે જોનહીં આપે તો મારમારવાની ધમકી પણ આપી હતી. પોલીસે આક્ષેપોના પગલે આગળની તપાસ હાથ ધરી ચોક્કસ કારણ જાણવા તપાસ યથાવત રાખી છે.