BREAKING NEWS

સૌરાષ્ટ્રમાં સબ સ્ટેશનેથી રિએકટરની ચોરી કરતી ગેંગ ઝડપાઇ

  • January 17, 2026 11:41 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
રાજકોટ ગ્રામ્ય-જૂનાગઢ અને અમરેલી સહિત સૌરાષ્ટ્રભરમાં જેટકોના સબ સ્ટેશનમાંથી રિએક્ટરની ચોરી કરનાર ટોળકીને ઝડપી લેવામાં રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમને સફળતા મળી છે. પોલીસ સગીર સહિત ટોળકીના છ શખસોને ઝડપી લઇ તેમની પાસેથી ઇકો કાર મોબાઈલ અને ચોરી કરવાના સાધનો તથા રોકડ સહિત રૂ. 3.14 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ ટોળકી રાત્રીના ઇકો લઇ સબ સ્ટેશનમાંથી રિએકટરની ચોરી કરતી હતી. પુછતાછમાં ચાર ગુનાની કબુલાત આપી હતી જ્યારે ટોળકીમાં સામે અન્ય ચાર શખસોના નામ પણ ખુલતા તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

જાણવા મળતી વિગતો મુજબ, ગઈ તા. 9/1/2026 ના પાટણવાવ પાસે આવેલા જેટકો જીઇબી 66 કેવી સબ સ્ટેશનના જુનિયર ઈજનેર ગૌરાંગભાઈ ભાટીયા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે, તા. 5/1/2026 ના રાત્રે અહીં પાટણવાવ જેટકો પાસેથી 11 કેવી કેપેસીટર બેંકના ત્રણ રિએક્ટર કિંમત રૂપિયા 1.17,00,000 ની કોઈ શખસો ચોરી કરી ગયા છે.

રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ અને રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર દ્વારા મિલકત સંબંધી ગુનાઓનો ભેદ તાત્કાલિક ઉકેલવા માટે સૂચના આપવામાં આવી હોય જેને લઇ રાજકોટ ગ્રામ્ય એલસીબી પીઆઇ વી.વી. ઓડેદરાની રાહબરી હેઠળ પીએસઆઇ એચ.સી.ગોહિલ, આર.વી. ભીમાણી તથા ટીમ તપાસમાં હતી. દરમિયાન એએસઆઈ શક્તિસિંહ જાડેજા, હેડ કોન્સ્ટેબલ અરવિંદસિંહ જાડેજા, કૌશિકભાઈ જોશી અને કોન્સ્ટેબલ ભાવેશભાઇ મકવાણાને મળેલી બાતમીના આધારે પોલીસે મોટીમારડ ગામ ચીખલીયા રોડ પરથી આ ચોરીમાં સામેલ સગીર સહિત છ શખસોને ઝડપી લીધા હતા.

ઝડપાયેલા શખસોમાં કાટીયો ઉર્ફે કટી અશોક નરશીભાઈ વિરમગામીયા (ઉ.વ. 35 રહે વીસીપરા, મોરબી મૂળ કંકાવટી ધાંગધ્રા), આકાશ સુરેશભાઈ વીકાણી (ઉ.વ. 24 રહે. માધાપર ચોકડી, રાજકોટ, મૂળ મોરબી), ઘનશ્યામ રાજુભાઈ હળવદિયા (ઉ.વ.26 રહે. લીલાપર રોડ મોરબી, મૂળ વઢવાણ), શંભુ કરશનભાઈ ખાવડીયા (ઉ.વ. 38 રહે.વાદીપરા, ધાંગધ્રા), વિજય ઉર્ફે કાળીયો વિનોદભાઈ સોલંકી (ઉ.વ.28 રહે વીસીપરા મેઇન રોડ, મોરબી) તથા એક સગીરનો સમાવેશ થાય છે.

પોલીસે આરોપી પાસેથી ઇકો કાર મોબાઈલ ફોન સ્ટીલના પાના લોખંડનું કટર લાકડાનો ધોકો અને રોકડ રકમ સહિત રૂ. 3.14 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ ટોળકીની પૂછતાછ કરતા તેમણે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ચાર ગુનાની કબુલાત આપી હતી. પોલીસે જણાવ્યું હતું કે, આ ટોળકી રાત્રીના ઇકો ગાડી લઇ જેટકો જીઈબી સબ સ્ટેશનમાં પાવર બેંકના પડેલ રિએક્ટરના આઇસોટેડ કેબલ કટર દ્વારા કાપી જમ્પર ખોલી રિએક્ટરની ચોરી કરવાની મોડસ ઓપરેન્ડી ધરાવે છે. આરોપીઓની પૂછતાછ તેના અન્ય ચાર સાથીદારના નામ ખુલ્યા છે. જે દીપક કેશુભાઈ ડેરવાણીયા (રહે. મોરબી), શાયર ધનસુખભાઈ મકવાણા (રહે. રાજકોટ), અરુણ વજુભાઈ વિરમગામિયા (રહે. અમદાવાદ) અને કરણ ઓધાભાઈ ભુતીયા (રહે. મોરબી) હોવાનું માલુમ પડતા તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.


આરોપીએ આપેલી ગુનાની કબુલાત

આ ટોળકીએ ગત તા. 5/1 ના ઇકો ગાડી લઈ રાત્રીના દોઢ વાગ્યા આસપાસ પાટણવાવ જીઇબી સબ સ્ટેશનમાંથી ત્રણ રિએક્ટરની ચોરી કરી હતી. દોઢ માસ પૂર્વે ગોંડલના રીબડા ગામ પાસે જીઇબી ટાવરમાંથી કોપર વાયરની ચોરી કરી હતી. તા. 12/1/2026 ના જુનાગઢ તરફ ચોકી ગામ પાસે રાતના એકાદ વાગ્યે જીઇબી સબ સ્ટેશનમાંથી રિએકટરની ચોરી કરી હતી. તા.11/1 સારંભડા ગામે સબ સ્ટેશનમાંથી રિએકટરની ચોરી કર્યાની કબુલાત આપી હતી.


ટોકળીએ ઝડપી લેનાર ટીમ

રિએક્ટરની ચોરી કરનાર ગેંગને ઝડપી લેવાની આ કામગીરીમાં એલસીબી પીઆઇ વી.વી.ઓડેદરા, પીએસઆઇ એચ.સી. ગોહિલ, આર.વી. ભીમાણીની રાહબરી હેઠળ એએસઆઇ બાલકૃષ્ણભાઈ ત્રિવેદી, શક્તિસિંહ જાડેજા, અનિલભાઈ ગુજરાતી, ઇન્દ્રવિજયસિંહ જાડેજા, જયવીરસિંહ રાણા, રવિભાઈ બારોટ, બ્રિજરાજસિંહ જાડેજા, રોહિતભાઈ બકોત્રા, હેડ કોન્સ્ટેબલ અરવિંદસિંહ જાડેજા, ઘનશ્યામસિંહ જાડેજા, રસિકભાઈ જમોડ, કૌશિકભાઈ જોશી, હરેશભાઈ પરમાર, ભગીરથસિંહ જાડેજા, મનોજભાઈ બાયલ, નિલેશભાઈ ડાંગર અને કોન્સ્ટેબલ મહિપાલસિંહ, પ્રકાશભાઈ, ભાવેશભાઈ, મિરલભાઈ, વિજયભાઈ તથા અબ્દુલ શેખ સાથે રહ્યા હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application