પવનચક્કી-ટેલિફોન એક્સચેન્જમાંથી કોપર વાયરની ચોરી કરતી ગેંગ પકડાઈ

  • December 13, 2023 03:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પવનચક્કી અને ટેલીફોન એક્સચેન્જમાંથી કોપર અને કેબલ વાયરની ચોરી કરતી ગેંગને રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે ભાયાવદર પાસેથી ઝડપી લીધી હતી. ઝડપાયેલા પાંચ શખસો પાસેથી પોલીસે કોપર વાયર અને રીક્ષા સહિત રૂ.2.39 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપીઓની પૂછતાછમાં ભાયાવદર સહિત ચાર ચોરીના બનાવનો ભેદ ઉકેલાયો હતો.

જાણવા મળતી વિગતો મુજબ, ભાયાવદર પોલીસ મથકમાં 27,000 ના કેબલ વાયરની ચોરી અંગે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ચોરીની આ ઘટનાને લઇ એલસીબી પીઆઇ વી.વી. ઓડેદરાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ ડી.જી.બડવા, એચ.સી. ગોહિલ દ્વારા અલગ અલગ ટીમો બનાવી ચોરીના આ બનાવનો ભેદ ઉકેલવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. દરમિયાન હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ જાડેજા, ધર્મેશભાઈ બાવળીયા અને કોન્સ્ટેબલ કૌશિકભાઇ જોશી, ભાવેશભાઈ મકવાણા, મહેશભાઈ સારીખડાને મળેલી બાતમીના આધારે કોપર-કેબલ વાયરની ચોરી કરતી ગેંગને ભાયાવદર પાસેથી ઝડપી લઈ આ ચોરીનો ભેદ ઉકેલ નાખ્યો હતો. ઝડપાયેલા આરોપીઓમાં કિસન ગોરધનભાઈ મકવાણા, પરેશ રાજુભાઈ મેથાણીયા, ફૈઝલ ઉર્ફે કાબો દાઉદભાઈ મુકાદમ, મયુર સુરેશભાઈ મકવાણા અને લાખો પુનાભાઈ સોલંકી(રહે બધા. પોરબંદર)નો સમાવેશ થાય છે. પોલીસે આ ટોળકી પાસેથી કેબલ વાયર અને રિક્ષા સહિત રૂ.2.39 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે,પોરબંદર પંથકની આ ટોળકી રીક્ષા લઇ ગ્રામ્ય વિસ્તારોમાં આંટાફેરા કરતા અને કેબલ વાયરની ચોરી કરતા હતા.આરોપીઓની પૂછપરછ દરમિયાન તેમણે ગઈ તા. 10/12 ના રોજ ઢાંક ગામે ટેલીફોન એક્સચેન્જમાંથી કેબલ વાયરની ચોરી 15 દિવસ પૂર્વે ભાયાવદર વિસ્તારમાં જ પવનચક્કીમાંથી કોપર કેબલ વાયરની ચોરી, 10 દિવસ પૂર્વે કલ્યાણપુર પાસે લાંબા ગામ નજીક પવનચક્કીમાંથી કોપર કેબલ વાયરની ચોરી અને દોઢ મહિના પૂર્વે પોરબંદરના કુછડી ગામે પવનચક્કીમાંથી કોપર અને કેબલ વાયરની ચોરી કરી હોવાની કબુલાત આપી હતી. આ ટોળકીય અન્ય કોઈ ચોરીના બનાવને અંજામ આપ્યો છે કે કેમ? તે અંગે પોલીસે તપાસ યથાવત રાખી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application