જામનગરમાં હાલ હાટકેશ સોસાયટીમાં રહેતા વિજયભાઈ મગનલાલ ભારદિયા નામના ૬૩ વર્ષના એન.આર.આઈ. બુઝુર્ગ કે જેઓ પોતાના બેંક ખાતામાંથી ૩૪,૦૦૦ ઉપાડીને પેન્ટના પાછળના ખિસ્સામાં રાખ્યા હતા, ત્યારબાદ તેઓ લીમડા લાઇન ના ખૂણા પાસે આવેલી એક નાસ્તાની હોટલ પર બહાર ઉભા રહીને પકોડા ખાઈ રહ્યા હતા. જે દરમિયાન કોઈ તસ્કરે તેમના ખિસ્સામાં હાથ નાખી રૂપિયા ૩૪,૦૦૦ ની રોકડ રકમની ચોરી કરી લઈ ગયા હતા.
આ બનાવ અંગે વિજયભાઈ ભારદિયાએ તુરંત જ જામનગરના સીટી બી. ડિવિઝન પોલીસ મથકે પહોંચી જઈ પોતાની રૂપિયા ૩૪,૦૦૦ ની રકમની કોઈ તસ્કર ચોરી કરી લઈ ગયા નું હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસ દ્વારા તેની ફરિયાદ લઈ લેવામાં આવી હતી.
ત્યારબાદ જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ તુંરતજ દોડતી થઈ હતી, અને હોટલ તથા આસપાસની દુકાનોમાં લગાડેલા સીસીટીવી કેમેરાઓ ચેક કર્યા હતા, જેના આધારે બે તસ્કરોને શોધી કાઢ્યા હતા દરમ્યાનમાં એલસીબીના એએસઆઇ અરજણભાઇ, મયુરદીનભાઇ તથા ઘનશ્યામભાઇને મળેલ બાતમી આધારે જામનગરમાં નીલકમલ સોસાયટી પાછળ આશાપુરા સોસાયટીમાં રહેતા પોપટ ઉર્ફે પરેશ રામભાઈ ભારવાડીયા અને ગણપત નગર બાવરીવાસમાં રહેતા મહિપાલ ઉર્ફે મહિપત મંગલ ઉર્ફે કિરણ કોલીને ઝડપી લીધા હતા અને તેઓ પાસેથી રૂપિયા ૭૫,૦૦૦ ની કિંમતનું એક મોટરસાયકલ તેમજ રોકડ રકમ ૩૪,૦૦૦ અને મોબાઈલ ફોન વગેરે મળી કુલ ૧,૧૪,૦૦૦ ની માલમતા કબજે કરી હતી.
પોલીસની પૂછપરછ દરમિયાન આરોપી મહિપાલ કે જેની સામે જામનગર શહેર અને જૂનાગઢમાં અલગ અલગ પ્રોહીબિશન, ચોરી સહિતના સાત ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. જ્યારે પોપટ ઉર્ફે પરેશ ભારવાડીયા સામે જામનગર શહેરના ત્રણેય પોલીસ ડીવીઝન ઉપરાંત પંચકોશી બી. ડિવિઝન, અને કાલાવડ પોલીસ સ્ટેશન સહિત અલગ અલગ ૧૧ જેટલા ગુનાઓ નોંધાયેલા છે. જે બંને આરોપીઓની પોલીસ દ્વારા વધુ પૂછપરછ ચલાવવામાં આવી રહી છે.