ગુજરાત રાજ્યમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)ના અમલીકરણને પગલે ટેક્સ કલેક્શન અને કરદાતાઓની સંખ્યામાં ઐતિહાસિક પ્રગતિ જોવા મળી રહી છે. જુન મહિનામાં જીએસટીની આવકમાં 28 ટકાનો વધારો નોંધાયો છે.
માત્ર નવ વર્ષના ટૂંકા ગાળામાં રાજ્યના ટેક્સબેઝમાં ૧૮૧ ટકાથી વધુનો રેકોર્ડબ્રેક વધારો નોંધાયો છે. જ્યારે દેશમાં જીએસટી કાયદો લાગુ કરાયો ત્યારે ગુજરાતમાં કરદાતાઓની સંખ્યા ૫.૦૮ લાખ હતી, જે આજે વધીને ૧૪.૩૧ લાખ પર પહોંચી ગઈ છે. કરવેરા પ્રણાલીના ડિજિટલાઈઝેશન અને વેપારીઓ માટે સરળ બનેલા કોમ્પ્લાયન્સને કારણે રાજ્યની જીએસટી આવકમાં સતત અભૂતપૂર્વ વૃદ્ધિ થઈ રહી છે.
ગુજરાતના વેપારીઓ અને રાજ્ય વેરા વિભાગની સક્રિયતાને કારણે ગુજરાત સતત પાંચ વર્ષથી નિયત સમયમર્યાદામાં જીએસટી પત્રક (રિટર્ન) ભરવામાં રાષ્ટ્રીય કક્ષાએ પ્રથમ ક્રમે રહ્યું છે. નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ના આંકડાઓ અનુસાર, રાજ્યમાં ૯૯.૬ ટકા જેટલા રેકોર્ડબ્રેક જીએસટી પત્રકો ભરાયા છે, જે રાજ્યની મજબૂત આર્થિક શિસ્ત દર્શાવે છે. જીએસટી હેઠળ રાજ્યની આવક છેલ્લા પાંચ વર્ષમાં સરેરાશ ૨૦ ટકાથી વધુના ઊંચા દરથી વધી રહી છે. નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ માં રાજ્યની જીએસટી આવક રૂ. ૩૦,૬૨૮ કરોડ હતી, જે નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં અસાધારણ ઉછાળા સાથે રૂ. ૮૩,૦૬૬ કરોડ પર પહોંચી ગઈ છે.
ચાલુ નાણાકીય વર્ષના જૂન-૨૦૨૬ મહિનામાં રાજ્યની જીએસટી આવકમાં ૨૮ ટકાનો જંગી વધારો જોવા મળ્યો છે. જૂન મહિનામાં માત્ર જીએસટી હેઠળ જ રાજ્યને રૂ. ૭,૮૦૦ કરોડની આવક થઈ છે, જે ગત વર્ષના સમાન ગાળાની આવક કરતાં ૨૮ ટકા વધુ છે. આ ઉપરાંત, જૂન-૨૦૨૬ માં વેટ હેઠળ રૂ. ૩,૦૭૩ કરોડ, વિદ્યુત શુલ્ક પેટે રૂ. ૯૭૯ કરોડ અને વ્યવસાય વેરા (પ્રોફેશનલ ટેક્સ)માંથી રૂ. ૨૧ કરોડની આવક થઈ છે. આમ, જૂન મહિનામાં રાજ્ય કર વિભાગને જીએસટી, વેટ, વિદ્યુત શુલ્ક અને વ્યવસાય વેરા થકી કુલ રૂ. ૧૧,૮૭૩ કરોડની માતબર આવક થઈ છે.
રાજ્ય વેરા વિભાગ દ્વારા જીએસટી અમલીકરણના દિનની ઉજવણીના ભાગરૂપે એક પ્રશંસનીય સામાજિક પહેલ કરવામાં આવી હતી. અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના સહયોગથી એક ભવ્ય રક્તદાન શિબિરનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ સેવાયજ્ઞમાં રાજ્ય વેરા વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ અને કરદાતાઓ સહિત કુલ ૧૦૫ જેટલા રક્તદાતાઓએ ઉત્સાહભેર ભાગ લઈ રક્તદાન કર્યું હતું, જે જીએસટીના ઉત્સવને સામાજિક ઉત્તરદાયિત્વ સાથે જોડવાનો સરાહનીય પ્રયાસ હતો.