BREAKING NEWS

સુરતના માંડવીમાં કાકરાપાર ડેમમાં એક જ પરિવારના ચાર યુવનોના ડૂબી જતા મોત

  • May 12, 2026 02:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સુરત જિલ્લાના માંડવી તાલુકામાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને કંપારી છૂટી જાય તેવા સમાચાર સામે આવ્યા છે. જાણીતા પ્રવાસન સ્થળ અને દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન કાકરાપાર ડેમમાં ડૂબતા ભાઈને બચાવવા જતાં ચાર યુવાનોના કરુણ મોત નીપજ્યાં છે. આ દુર્ઘટનાને પગલે માંડવીના વાકલ ગામ સહિત સમગ્ર પંથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. એક જ પરિવારના ચાર યુવાનો ગુમાવતા ગામમાં માતમ છવાયો છે.


માંડવી પોલીસ મથકના પીઆઈ જયેશ વળવીના જણાવ્યા અનુસાર, આ સમગ્ર ઘટના ૧૧ મેના રોજ સાંજના સમયે બની હતી. વાકલ ગામનો એક યુવાન તેના પશુઓને પાણી પીવડાવવા અને નવરાવવા માટે કાકરાપાર ડેમના હેઠવાસના ભાગમાં ગયો હતો. નદીના પટમાં પશુઓને નવરાવતી વખતે અચાનક યુવકનો પગ લપસી ગયો હતો અને તે જોતજોતામાં ઊંડા પાણીમાં ગરકાવ થવા લાગ્યો હતો. મોડી સાંજ સુધી યુવાન ઘરે પરત ન ફરતાં, પરિવાર ચિંતામાં મુકાયો હતો અને તેને શોધવા માટે તેના અન્ય ત્રણ ભાઈઓ ડેમ પાસે પહોંચ્યા હતા.


જ્યારે ત્રણેય ભાઈઓ ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે કિનારા પર તેમના ભાઈના કપડાં પડેલા જોયા હતા. ભાઈ પાણીમાં ડૂબી ગયો હોવાની આશંકા જતાં, તેને બચાવવાની તાલાવેલીમાં ત્રણેય ભાઈઓ એકપછી એક પાણીમાં કૂદી પડ્યા હતા. પરંતુ કમનસીબે, પાણીનો પ્રવાહ તેજ હોવાથી અને ઊંડાઈનો ચોક્કસ અંદાજ ન હોવાને કારણે, ચારેય ભાઈઓ-મિત્રો એકબીજાને બચાવવાની મથામણમાં પોતે જ મોતને ભેટ્યા હતા. હસતા-રમતા ચાર યુવાનો કાળનો કોળિયો બની જતાં પરિવારે ક્યારેય ન ભરી શકાય તેવી ખોટ અનુભવી છે.


પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે મૃત્યુ પામનાર યુવાનોમાં બે સગા ભાઈઓ અને બે પિતરાઈ ભાઈઓનો સમાવેશ થાય છે. મૃતકોમાં સાહિલ જિતેન્દ્ર ચૌધરી, કોશિક જિતેન્દ્ર ચૌધરી, ગણેશ નાનસિંગ ચૌધરી અને પ્રવીણ બાલુ ચૌધરીનો સમાવેશ થાય છે.


ઘટનાની જાણ થતાં જ માંડવી પોલીસ અને ફાયર વિભાગનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ગત રાત્રે અંધારું હોવાથી સર્ચ ઓપરેશનમાં અડચણ આવી હતી, પરંતુ આજે વહેલી સવારથી ફરી શોધખોળ હાથ ધરવામાં આવી હતી. માંડવી નગરપાલિકાની ટીમ, એનડીઆરએફ અને સ્થાનિક તરવૈયાઓની કલાકોની જહેમત બાદ ચારેય યુવાનોના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.


માંડવી પોલીસે ચારેય મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યા છે અને અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટના બાદ વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને ફરી એકવાર નમ્ર અપીલ કરવામાં આવી છે કે, કોઈપણ અજાણ્યા જળાશય, નહેર કે ડેમના ઊંડા પાણીમાં ઉતરવાનું સાહસ ન કરવું. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application