રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાના ફૂડ વિભાગ દ્વારા શહેરીજનોના આરોગ્ય સાથે ચેડાં કરતા અને ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ તેમજ ગંદકી રાખતા તત્વો સામે એક મોટું મેગા સર્વેલન્સ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ઉનાળાની સિઝનને ધ્યાનમાં રાખીને મનપાની ટીમોએ શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ઘનિષ્ઠ તપાસનો દોર શરૂ કર્યો છે, જેના પગલે અખાદ્ય સામગ્રી વેચતા વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
૯૩ પેઢીઓની તપાસ: ૨૪૬ કિલો વાસી જથ્થાનો નાશ અને રૂ. ૩૧,૩૦૦ની પેનલ્ટી
મનપાના ફૂડ વિભાગ દ્વારા શહેરના કુવાડવા રોડ, પેડક રોડ, સંત કબીર રોડ, ડી-માર્ટ વાળો ૫૦ ફૂટ રોડ, જૂનો મોરબી રોડ, રામકૃષ્ણ આશ્રમ રોડ, મહિલા કોલેજ રોડ, નાના માવા મેઇન રોડ તેમજ કિસાનપરા ચોક જેવા મુખ્ય માર્ગો પર સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત મોરબી રોડ જકાતનાકા પાસેના હોકર્સ ઝોન, કુંડલિયા કોલેજ સામેના હોકર્સ ઝોન અને એજી ચોક હોકર્સ ઝોન ખાતે પણ ખાણી-પીણીની રેકડીઓ વગેરેની તપાસ કરવામાં આવી હતી.
આ મેગા ડ્રાઇવ દરમિયાન ફૂડ વિભાગની ટીમે કુલ ૯૩ પેઢીઓ, રેસ્ટોરન્ટ્સ અને હોકર્સ ઝોનની આકસ્મિક તપાસ કરી હતી. તપાસ દરમિયાન સ્થળ પરથી આશરે ૨૪૬ કિલોગ્રામ જેટલો અખાદ્ય, વાસી અને માનવ આરોગ્ય માટે હાનિકારક ખોરાકનો જથ્થો મળી આવતા તેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. આ સાથે જ સ્ટોરેજ તેમજ હાઈજેનિક કન્ડિશન (આરોગ્યપ્રદ સ્થિતિ) જાળવવામાં નિષ્ફળ રહેલી કુલ ૨૮ પેઢીઓને કડક નોટિસ ફટકારવામાં આવી છે અને બેદરકારી બદલ વેપારીઓ પાસેથી કુલ રૂ. ૩૧,૩૦૦ની પેનલ્ટી (દંડ) વસૂલ કરવામાં આવી છે.
'બાલાજી થાળ' માંથી ધનેડાવાળો લોટ અને વાસી માવો મળ્યો
આ ચેકિંગ ઝુંબેશ દરમિયાન ૧૫૦ ફૂટ રિંગ રોડ પર રૈયા ચોકડી પાસે, વેસ્ટ ગેટમાં નાગરિક બેન્કની સામે પ્રથમ માળે આવેલી જાણીતી હોટેલ 'બાલાજી થાળ' (બાલાજી એન્ટરપ્રાઇઝ)માં ફૂડ વિભાગે દરોડા પાડ્યા હતા. અહીં તપાસ કરતા ટીમો ચોંકી ઉઠી હતી, કારણ કે હોટેલના રસોડામાં ફ્રિજની અંદર લાંબા સમયથી સંગ્રહ કરી રાખેલી વાસી લીલી ચટણી અને પુરણપોળીનો માવો મળી આવ્યો હતો. એટલું જ નહીં, રસોઈ માટે રાખવામાં આવેલા બાંધેલા લોટ અને મેંદામાં જીવાત (ધનેડા) ઉભરાતા જોવા મળ્યા હતા. વનવિભાગ અને ફૂડ ટીમે સ્થળ પરથી વાસી મીઠો મસાલો, ચટણી અને મરચું પાવડર સહિત અંદાજિત ૧૫૦ કિલોગ્રામ અખાદ્ય જથ્થો જપ્ત કરી તેનો તાત્કાલિક નાશ કર્યો હતો અને પેઢી પાસેથી રૂ. ૧૦,૦૦૦નો વહીવટી ચાર્જ વસૂલ કર્યો હતો.
'મારવેલ માર્કેટિંગ' માંથી લેબલ વગરના ગુલાબજાંબુ ઝડપાયા
જામનગર રોડ પર માધાપર ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં એમ.આર.આર. ની સામે આવેલી "મારવેલ માર્કેટિંગ" નામની પેઢીમાં પણ અધિકારીઓએ તપાસ હાથ ધરી હતી. ત્યાં ડિસ્પ્લે રેક પર વેચાણ માટે રાખવામાં આવેલા કંપની પેક્ડ ગુલાબજાંબુના ડબ્બાઓના લેબલ પર કોઈ પણ પ્રકારની મેન્યુફેક્ચરિંગ ડેટ (બનાવ્યાની તારીખ) કે એક્સપાયરી ડેટ (વપરાશની અંતિમ તારીખ) દર્શાવવામાં આવી નહોતી. નિયમોના આ ગંભીર ઉલ્લંઘન બદલ ફૂડ બિઝનેસ ઓપરેટરે (FBO) આશરે ૧૩ કિલોગ્રામ જથ્થો અખાદ્ય હોવાનું સ્વીકારતા વનવિભાગની હાજરીમાં આ તમામ જથ્થાનો નાશ કરાયો હતો.
આઈસ ગોલાના સિરપ, ઘી અને મઠ્ઠા સહિત કુલ ૧૦ શંકાસ્પદ નમૂના લેવાયા
ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-૨૦૦૬ હેઠળ ફૂડ વિભાગે કડક કાર્યવાહીના ભાગરૂપે લેબોરેટરી પરીક્ષણ માટે અલગ-અલગ ખાદ્યચીજોના કુલ ૧૦ શંકાસ્પદ નમૂનાઓ લીધા છે, જેની વિગત નીચે મુજબ છે:
૧. કાચી કેરી ફ્લેવર આઈસ ગોલાનું સિરપ (લૂઝ): ભૂમિ આઝાદ હિન્દ ગોલા, અંબિકા ટાઉનશિપ, મોદી સ્કૂલ સામે, રાજકોટ.
૨. આઈસ ગોલાનું સિરપ (પાઈનેપલ ફ્લેવર) (લૂઝ): ભૂમિ આઝાદ હિન્દ ગોલા, અંબિકા ટાઉનશિપ, મોદી સ્કૂલ સામે, રાજકોટ.
૩. ચીકુ ફ્લેવર આઈસ ગોલાનું સિરપ (લૂઝ): પટેલ ગોલા, અવિસા-૧, મોદી સ્કૂલ સામે, અંબિકા ટાઉનશિપ, રાજકોટ.
૪. આઈસ ગોલાનું સિરપ (રાજભોગ ફ્લેવર) (લૂઝ): પટેલ ગોલા, અવિસા-૧, મોદી સ્કૂલ સામે, અંબિકા ટાઉનશિપ, રાજકોટ.
૫. વાસ્તુ ઘી (Made from cow's milk): જય બાલાજી ફૂડ પ્રોડક્ટસ, ગાંધીગ્રામ, નાણાવટી સર્કલ પાસે, રાજકોટ.
૬. મરચાં પાવડર (લૂઝ): સ્વામી'ઝ રેસ્ટોરન્ટ & કેટરર્સ, સાધુવાસવાણી રોડ, રાજકોટ.
૭. રાજભોગ મઠ્ઠો (લૂઝ): ગોકુલ ડેરીફાર્મ, કાલાવડ રોડ, ક્રિસ્ટલ મોલની સામે, રાજકોટ.
૮. પનીર તંદૂરી સેન્ડવિચ (પ્રીપેર્ડ લૂઝ): મારુતિ સ્નેક્સ (ટુ સ્લાઈસ), ધ સિટી સેન્ટર, રૈયા રોડ, રાજકોટ.
૯. વેજ ચીઝ સેન્ડવિચ સ્ટફિંગ (પ્રીપેર્ડ લૂઝ): મારુતિ સ્નેક્સ (ટુ સ્લાઈસ), ધ સિટી સેન્ટર, રૈયા રોડ, રાજકોટ.
૧૦. થાબડી (સ્વીટ્સ લૂઝ): શ્રી રાઘવેન્દ્ર સ્વીટ્સ, રવિરાજ કોમ્પ્લેક્સ-૨, નાના માવા રોડ, રાજકોટ.
મનપાના ફૂડ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે લેબોરેટરીના રિપોર્ટ આવ્યા બાદ જો આ નમૂનાઓ સબ-સ્ટાન્ડર્ડ કે મિસબ્રાન્ડેડ જણાશે, તો સંબંધિત વેપારીઓ સામે કાયદેસરની કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે. આગામી દિવસોમાં પણ આ ચેકિંગ ઝુંબેશ વધુ વેગવંતી બનાવવામાં આવશે.