ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ રાજકોટ ખાતે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા પૂર્વ મેયર સ્વ.જનકભાઈ કોટકના નિવાસસ્થાને પરિવારજનોની મુલાકાત લીધી હતી. આ મુશ્કેલ અને દુઃખની ઘડીમાં તેમણે શોકગ્રસ્ત પરિવારના સભ્યોને મળીને સાંત્વના પાઠવી હતી.
વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, સ્વ.જનકભાઈ કોટક પક્ષના એક નિષ્ઠાવાન અને પાયાના નેતા હતા, જેઓ જનસંઘના સમયથી લઈને આજ સુધીની ભાજપની ભવ્ય યાત્રાના સાક્ષી રહ્યા હતા. પક્ષના સંગઠનને મજબૂત કરવામાં અને વિચારધારાને લોકો સુધી પહોંચાડવામાં તેમનું યોગદાન અમૂલ્ય રહ્યું છે. રાષ્ટ્ર અને પક્ષ પ્રત્યેનું તેમનું આજીવન સમર્પણ અને યોગદાન ભારતીય જનતા પાર્ટી ક્યારેય નહીં ભૂલે.
જનકભાઇ કોટકના નિવાસ સ્થાનની મુલાકાત દરમિયાન પ્રદેશ ભાજપના મહામંત્રીઓ અનિરુધ્ધભાઇ દવે અને પ્રશાંતભાઈ કોરાટ પણ સાથે ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે પણ જનકભાઇ કોટકને શ્રધ્ધાંજલી પાઠવી હતી.
ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા આજે પ્રબુધ્ધ નાગરિક સંમેલન માટે રાજકોટ આવતા સર્કિટ હાઉસ ખાતે શહેર ભાજપ પ્રમુખ ડો.માધવ દવે અને મેયર ડો.નેહલ શુક્લએ તેમનું સ્વાગત કર્યું હતું. વિશ્વકર્માએ સર્કિટ હાઉસ ખાતે સાંસદો અને ધારાસભ્યો સાથે મિટિંગ યોજી હતી.