BREAKING NEWS

સૌરાષ્ટ્ર-કચ્છમાં ચોમાસાની રાહ લંબાઈ, ખેડૂતોના જીવ પડીકે બંધાયા

  • June 16, 2026 02:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સૌરાષ્ટ્ર-કચ્છમાં ચોમાસાની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે. પરંપરાગત રીતે ભીમ અગિયારસ અને અષાઢી બીજને વરસાદ માટે શુકનવંતા દિવસો માનવામાં આવે છે, તેમાં આ વર્ષે અધિક જેઠ માસના કારણે ભીમ અગિયારસ બીજા જેઠ માસમાં આવશે, પરંતુ અધિક જેઠમાસની અગિયારસને ધ્યાનમાં લઈએ તેને ત્રણ સપ્તાહ જેટલો સમય વીતી ગયો હોવા છતાં સૌરાષ્ટ્ર-કચ્છમાં નોંધપાત્ર વરસાદ તો દૂર, પ્રિ-મોન્સૂન પ્રવૃત્તિ પણ ખાસ જોવા મળી નથી. પરિણામે વાવણીની તૈયારી કરી બેઠેલા ખેડૂતોમાં ચિંતા અને અસલામતીની લાગણી વધી રહી છે.


હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ-પશ્ચિમ ચોમાસું હાલમાં આંધ્રપ્રદેશ, તેલંગાણા, ઓડિશા, ઝારખંડ, બિહાર તેમજ પશ્ચિમ બંગાળના વધુ વિસ્તારો સુધી આગળ વધ્યું છે. આગામી ચારથી પાંચ દિવસ દરમિયાન મહારાષ્ટ્ર, કર્ણાટક અને મધ્ય અરબી સમુદ્રના કેટલાક ભાગોમાં ચોમાસાની પ્રગતિ માટે પરિસ્થિતિ અનુકૂળ હોવાનું જણાવાયું છે. પરંતુ ગુજરાત, ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છ તરફ ચોમાસાની ગતિ હજુ ધીમી દેખાઈ રહી છે.


હવામાનની હાલની સ્થિતિ મુજબ મોસમી ટ્રફ પંજાબથી બિહાર સુધી વિસ્તરેલી છે, જ્યારે દક્ષિણપૂર્વ પાકિસ્તાન અને દક્ષિણપશ્ચિમ રાજસ્થાન આસપાસ ઉપરના સ્તરે ચક્રવાતી પરિભ્રમણ સક્રિય છે. તેમ છતાં આ સિસ્ટમોનો સીધો લાભ સૌરાષ્ટ્ર-કચ્છને મળતો ન હોવાથી પ્રદેશમાં વરસાદી માહોલ સર્જાતો નથી. 18 જૂનથી ઉત્તર-પશ્ચિમ ભારતમાં નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પશ્ચિમી વિક્ષેપની અસર થવાની શક્યતા દર્શાવવામાં આવી છે, પરંતુ તેની અસર પણ મુખ્યત્વે ઉત્તર ભારત સુધી મર્યાદિત રહે તેવી સંભાવના છે.


રાજ્ય માટે જાહેર કરાયેલી આગામી છ દિવસની આગાહીમાં પણ સૌરાષ્ટ્ર-કચ્છના મોટાભાગના જિલ્લાઓ માટે હવામાન શુષ્ક રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. માત્ર 18 જૂનથી 21 જૂન દરમિયાન અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. જોકે આ વરસાદ સ્થાનિક અને મર્યાદિત વિસ્તાર પૂરતો રહે તેવી શક્યતા હોવાથી સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છ માટે રાહતરૂપ બની શકે તેમ નથી.


રાજકોટમાં સોમવારે મહત્તમ તાપમાન 39.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. મંગળવારે વહેલી સવારે લઘુતમ તાપમાન 26.8 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે સવારે 8.30 વાગ્યે તાપમાન 30.8 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. આકાશમાં સૂકા વાદળોની અવરજવર છતાં ભેજનું પ્રમાણ 73 ટકા નોંધાયું હતું અને સરેરાશ 16 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતો રહ્યો હતો. રાજ્યમાં સૌથી વધુ ગરમી ભાવનગરમાં 40.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાઈ હતી. અમદાવાદમાં 40.4, રાજકોટમાં 39.1, ડીસામાં 38.8, અમરેલીમાં 37.9, કંડલામાં 37.2 અને ભુજમાં 36.4 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાતા અનેક વિસ્તારોમાં ઉકળાટ અને ગરમીનો અનુભવ યથાવત રહ્યો હતો.


હવામાન નિષ્ણાતોના મત મુજબ હાલ અરબી સમુદ્ર તરફથી ભેજયુક્ત પવનોનો પૂરતો પ્રવાહ ગુજરાત તરફ સ્થાપિત થયો નથી. પરિણામે સૌરાષ્ટ્ર-કચ્છમાં વાદળછાયું વાતાવરણ સર્જાય છે, પરંતુ પ્રિમોન્સૂન એક્ટિવિટીનો અભાવ જોવા મળી રહ્યો છે. ખેડૂતો હવે તો જેઠ માસની બીજી અગિયારસ અને ત્યારબાદના દિવસોમાં ચોમાસાની ગતિ તેજ બને તેવી આશા સાથે આકાશ તરફ મીટ માંડીને બેઠા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application