રાજકોટ મહાનગરપાલિકામાં આવતીકાલે બપોરે ૧૨:૩૦ કલાકે ચેરમેન પરેશભાઇ પીપળિયાના અધ્યક્ષ સ્થાને સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગ મળનારી છે, જેના એજન્ડામાં કુલ ચાર દરખાસ્તો સમાવિષ્ટ છે તેમાં ગત મિટિંગમાં પેન્ડિંગ રખાયેલી જંગલેશ્વર મેગા ડિમોલિશનના ખાણી પીણીના ખર્ચના બિલની દરખાસ્ત પુન: સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ થશે અને તે અંગે નિર્ણય થશે.
સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, આવતીકાલે મળનારી સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગના એજન્ડામાં કુલ ચાર દરખાસ્તો સમાવિષ્ટ છે જેમાં( ૧) ધી જીપીએમસી એકટ-૧૯૪૯ની કલમ-૨૮૯ અન્વયે ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીઝ વિભાગની અઠવાડિક કામગીરીના રિપોર્ટ જાણમાં લેવા બાબત (૨) રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં વાહકજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત પોરાનાશક કામગીરી હેઠળ ડ્રોન ટેકનોલોજી દ્વારા પોટેન્શિયલ મોસ્કીટો બ્રિડિંગ સોર્સનો સર્વે તથા લાર્વીસાઇડ ટ્રીટમેન્ટની કામગીરી માટે દ્વિવાર્ષિક કરાર કરવા અંગે કમિશનરનો પત્ર નં.૪૬ તા.૨૦.૬.૨૦૨૬ લક્ષમાં લઇ નિર્ણય લેવા બાબત. (૩) વોર્ડ નં.૧૬માં જંગલેશ્વર વિસ્તારમાં કરવામાં આવેલ મેગા ડિમોલીશન અંતર્ગત ફૂડ સપ્લાય અંગેના બીલનું ચુકવણું કરવા અંગે મ્યુનિસિપલ કમિશનરનો પત્ર નં.૪૭ તા.૨૨.૬.૨૦૨૬ લક્ષમાં લઇ નિર્ણય લેવા બાબત તેમજ (૪) અધ્યક્ષ સ્થાનેથી જે કંઈ બાબત રજુ થાય તે સહિતની ચાર દરખાસ્તો સમાવિષ્ટ છે.