ગુજરાતના નાગરિકોના સ્વાસ્થ્ય સાથે રમત રમતા તત્વો હવે ખેર નહીં રહે. સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના રોઝડ ગામમાં આવેલી 'ભોલેનાથ ડેરી' પર ખોરાક અને ઔષધ નિયમન તંત્ર (Food & Drugs Department) ની ગાંધીનગર ફ્લાઈંગ સ્કોડે ઓચિંતો દરોડો પાડીને નફાખોરીના મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના સીધા માર્ગદર્શન હેઠળ આ આકરી કાર્યવાહી કરવામાં આવી છે.
નકલી માવો અને લાયસન્સ વગરની બરફી
બાતમીના આધારે જ્યારે અધિકારીઓની ટીમ ડેરી પર પહોંચી ત્યારે ત્યાંનું ચિત્ર આઘાતજનક હતું. ડેરીમાંથી અંદાજે ૫.૧૦ લાખ રૂપિયાની કિંમતનો ૨,૫૪૮ કિલોગ્રામ શંકાસ્પદ અને ભેળસેળયુક્ત માવો જપ્ત કરવામાં આવ્યો છે. આ ડેરીમાં કોઈપણ પ્રકારના કાયદેસરના લાયસન્સ વગર જ સ્વીટ બરફીનું મોટા પાયે ગેરકાયદેસર ઉત્પાદન થતું હોવાનું પણ બહાર આવ્યું છે.
અત્યંત ગંદકી જોઈ અધિકારીઓ પણ ચોંક્યા
તપાસ દરમિયાન ડેરીના પ્રોડક્શન યુનિટમાં ચારેય તરફ અસહ્ય ગંદકી જોવા મળી હતી. માખીઓ અને અસ્વચ્છ વાતાવરણ વચ્ચે તૈયાર કરાયેલો ૫૫૦ કિલોગ્રામ અખાદ્ય માવો લોકોના પેટમાં જાય તો મોટી બીમારી ફેલાવી શકે તેમ હોવાથી, એસીબી અને ફૂડ વિભાગે તેનો સ્થળ પર જ તાત્કાલિક નાશ કરી દીધો હતો.
ડેરી સામે લેવાયેલા કડક પગલાં
૧. લાયસન્સ સસ્પેન્ડ: નિયમોના લીરેલીરા ઉડાવવા બદલ ડેરીનું ફૂડ લાયસન્સ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવાયું છે.
૨. સેમ્પલ લેબોરેટરીમાં: ખુલ્લા માવા તથા બરફીના નમૂના લઈને સુરત-ગાંધીનગરની લેબમાં મોકલાયા છે.
૩. ઇમ્પ્રુવમેન્ટ નોટિસ: 'ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ' હેઠળ પેઢીને કડક નોટિસ ફટકારવામાં આવી છે.
આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, "જે તત્વો માત્ર પૈસા કમાવવાની લાલચમાં નિર્દોષ નાગરિકો અને બાળકોના સ્વાસ્થ્યને જોખમમાં મૂકે છે, તેમને સરકાર કોઈ પણ સંજોગોમાં માફ નહીં કરે. લેબનો રિપોર્ટ આવ્યા બાદ આ ડેરીના માલિકો સામે ફોજદારી ગુનો નોંધી જેલ ભેગા કરાશે."
દૂધ અને માવો એ આપણા આહારનો પવિત્ર ભાગ છે. જ્યારે કોઈ વેપારી તેમાં ગંદકી અને કેમિકલ ભેળવે છે, ત્યારે તે માત્ર કાયદાનો ભંગ નથી કરતો, પણ માનવતા વિરુદ્ધનો ગુનો કરે છે. આપણા ઘરમાં આવતી વસ્તુ શુદ્ધ છે કે નહીં તે ચકાસવું એ ગ્રાહક તરીકે આપણી પણ ફરજ છે. આવા નરાધમોને ખુલ્લા પાડવા માટે જનજાગૃતિ અનિવાર્ય છે.