BREAKING NEWS

સોલાર પેનલના પાંચ ગ્રાહકોની 2.47 લાખની સબસીડી ઓળવી જતા ફરિયાદ

  • December 24, 2025 03:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરમાં સરકારની પી એમ સૂર્ય ઘર યોજના અંતર્ગત સોલાર પેનલ ફીટ કરાવનારને 78,000 ની સબસીડી મળતી હોવાની ખાતરી આપી પાંચ જેટલા ગ્રાહકોના મકાનમાં સોલાર પેનલ લગાવી મળવા પાત્ર સબસીડી દુકાનદાર ઓળવી ગયા અંગેની આજીડેમ પોલીસ મથકમાં આરોપી દુકાનદાર સામે ફરિયાદ નોંધાવી છે.


પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટ શહેરના કોઠારિયા રોડ રોલેક્સ રોડ ગોવિંદ સીટી શેરી નંબર 4 માં રહેતા દિનેશભાઈ ભીખાભાઈ વસોયા ઉંમર વર્ષ 48 વાળાએ આજીડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.


ફરિયાદમાં જણાવ્યા મુજબ સાંઈબાબા સર્કલ પાસે શ્રીજી ઈલેક્ટ્રિક નામે દુકાન ધરાવતા મંથન દિનેશભાઈ સતાસિયા સામે ફરિયાદી કરી હતી જેમાં દિનેશભાઈ વસોયાને તેના ઘરે સોલાર પેનલ ફીટ કરાવવાની હોય કોઠારિયા રોડ સાંઈબાબા સર્કલ પાસે શ્રીજી ઈલેક્ટ્રિક દુકાનવાળા મંથન દિનેશભાઈ સતાસિયાની દુકાને જઈ સોલાર પેનલ નાખવા બાબતે વાતચીત કરી હતી.


જેથી દુકાનદાર મંથનભાઈએ તેના ઘરે 3.24 કિલો વોટ સોલાર પેનલ ફિટ કરી આપવાના 1.54 લાખ થશે જેમાં 78 હજારની સબસિડી સરકારની પીએમ સૂર્યઘર યોજના અંતર્ગત મળવા પાત્ર હોય જે પોતે જ મંજૂર કરી આપશે, તેઓ ભરોસો આપતા દિનેશભાઈ વસોયાએ મંથનભાઈના એકાઉન્ટમાં 1.54 લાખ આપી દીધા હતા.


ત્યારબાદ દિનેશભાઈ ના મકાન ઉપર સોલાર પેનલ લગાવી દીધી હતી પરંતુ આશરે ત્રણેક મહિના પછી બધું કામ પૂરું કરેલ અને સોલાર પેનલ સબસિડી 78 હજાર હજુ પણ ખાતામાં જમા ન થતા મંથનભાઈની દુકાને જઈ તપાસ કરતાં તેમની દુકાનને તાળાં માર્યા હતા.


આ ઉપરાંત ફોન પણ બંધ આવતો હોઈ જેથી વધુ તપાસ કરતા જાણવા મળ્યું કે, આ મંથને તેમની જ શેરીમાં રહેતા લીલાવતીબેન તથા આ બાબતે સોલાર પેનલ ફિટ કરાવવા આવેલ લાલજીભાઈ તથા વિશાલભાઈને પૂછતાં તેણે પણ જણાવ્યું કે, લાલજીભાઈના તથા વિશાલભાઈના મામા કાનજીભાઈ સિંધવ સહિત 5 વ્યક્તિના ઘરે સોલાર પેનલ ફીટ કરી સબસિડી પોતે ઓળવી ગયો હતો.


આ અંગે આજે ડેમ પોલીસ મથકમાં દિનેશભાઈ વસોયાની ફરિયાદ પરથી આરોપી મંથન સામે ગુનો નોંધી વધુ તપાસ એ.એસ.આઇ એચવી મારવણીયા ચલાવી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application