સુરતના નાસીરનગર ડિમોલિશનમાં કોર્પોરેશનના એન્જિનિયરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેમાં સુજલ પ્રજાપતિ, જયંગ રામજીવાલા, મોનિક ગઢીયા, અર્પણ પરમાર અને નરેશ ગલચરનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, પાંચેય સામે હાઇકોર્ટમાં પણ અરજી કરવામાં આવી હતી.
સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં આવેલા નાસીરનગર ખાતે 30 મે, 2026ના રોજ મિલકતોનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું. આ ડિમોલિશનની કામગીરી અંગે ઊભા થયેલા વિવાદ બાદ એક વિશેષ તપાસ સમિતિની નિમણૂક કરવામાં આવી હતી. આ તપાસ સમિતિએ રજૂ કરેલા અહેવાલને આધારે સુરત મહાનગરપાલિકા દ્વારા આ મામલે હવે વિધિવત રીતે ખાતાકીય તપાસ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ સમગ્ર કેસની ખાતાકીય તપાસ સંપૂર્ણપણે તટસ્થ અને નિષ્પક્ષ રીતે થઈ શકે તે બાબતને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી આકરા પગલાં લેવાયા છે. જેમાં કામગીરી સાથે જોડાયેલા કાર્યપાલક ઈજનેર (સિવિલ) સુજલકુમાર ધરમશીભાઈ પ્રજાપતિ અને જયાંગ રજનીકાંત જીવનરામજીવાલા, ડેપ્યુટી ઈજનેર અર્પણ મનસુખલાલ પરમાર, આસિસ્ટન્ટ ઈજનેર મોનિક બાબુભાઈ ગઢીયા તથા જુનિયર ઈજનેર નરેશકુમાર બીનલભાઈ ગલચર સહિત કુલ પાંચ અધિકારીઓને તાત્કાલિક અસરથી ફરજમોકૂફી (સસ્પેન્ડ) હેઠળ મૂકવાના હુકમો જાહેર કરવામાં આવ્યા છે.
સુરતમાં ગત 29 અને 30 મે,2026ના રોજ વેડ દરવાજા પાસે આવેલા વર્ષો જૂના નાસિર નગર વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત સાથે 100 જેટલા મકાનનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું. જો કે આ ડિમોલિશન ગુજરાતના ઇતિહાસનું સૌથી રહસ્યમય ડિમોલિશન ગણાવી શકાય એવું છે. સસ્પેન્સ ફિલ્મને આંટી મારે એવા રહસ્યના તાણાવાણા ગૂંથાયેલા છે. જો કે આ ભૂતિયા ડિમોલિશનનો અસલી 'વિલન' કોણ છે તેનો ચહેરો સામે આવવાનો હજુ બાકી છે.