BREAKING NEWS

ખેતઉપજના ડખામાં પુત્રની હત્યા અંગે પિતાને આજીવન કેદ, દંડ

  • January 19, 2026 03:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જસદણના કનેસરા ગામે ખેતઉપજ બાબતે ડખા પ્રશ્ને રાત્રે વાડીએ પાણી પાઈને સુતેલા રત્નકલાકાર પુત્ર ઉપર લાકડીઓ ઝીંકી મોતને ઘાટ ઉતારવાના અઢી વર્ષ પહેલાના કેસમાં રાજકોટ સેશન્સ અદાલતે પિતા બટુક ચનાભાઈ કુકડીયાને આજીવન કેદ ઉપરાંત રૂ. ૨૫ હજારનો દંડ ફરમાવ્યો છે.

આ કેસની હકીકત મુજબ, જસદણ નજીક આવેલા કનેસરા ગામે રહેતા બટુકભાઇ ચનાભાઇ કુકડીયા અને તેના પુત્ર મહેશ કુકડીયા વચ્ચે ખેતીના ઉપજના પ્રશ્ને બંને વચ્ચે થયેલી માથાકૂટમાં ઉશ્કેરાયેલા બટુક ચના કુકડીયાએ લાકડી વડે મારમારી મોતને ઘાટ ઉતાર્યા અંગેની મૃત્તકના માતા રેખાબેને ભાડલા પોલીસ મથકમાં તા.10/ 03/ 2023ના રોજ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી બટુક કુકડીયાની ધરપકડ કરી તપાસ પૂર્ણ થતા જેલ હવાલે કર્યા હતા. બાદ તપાનીશ દ્વારા અદાલતમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવતા રાજકોટની અદાલતમાં કેસની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં બંને પક્ષોની રજૂઆત બાદ જિલ્લા સરકારી વકીલ દ્વારા કરવામાં આવેલી લેખિત દલીલમાં મૃતક અને આરોપી બંનેનું લોહીનું એ ગ્રુપ છે, જે લાકડી પર છે. જ્યારે ફરિયાદી રેખાબેને પોતાના પુત્રની હત્યા પોતાના જ પતિએ કરી હોવાનું જણાવેલ છે. આરોપી બટુક રખડું જીવન જીવતો હોય અને પુત્ર પાસે પૈસાની માંગણી કરી કુટુંબને હેરાન કરતો હતો અને પુત્ર સાથે ઝઘડા પણ કરતો હતો. આ પ્રકારનો પત્ની જ આક્ષેપ કરતા હોય જે ખોટો માનવાનું કોઇ કારણ નથી. આથી સજા કરવા દલીલ કરી હતી. જે દલીલ ધ્યાને લઇ અધિક સેશન્સ જજ આઇ.બી. પઠાણે આરોપી બટુક ચના કુકડીયાને પુત્રની હત્યામાં આજીવન સજા અને રૂ. 25 હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application