BREAKING NEWS

ગોંડલમાં રાજકુમાર જાટ મોત કેસમાં મૃતકના પરિવારે હાઈકોર્ટ પાસે સીબીઆઈ તપાસની માંગ કરી

  • June 30, 2026 01:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગોંડલમાં રાજસ્થાની જાટ યુવક રાજકુમારના રહસ્યમય મોતના ચકચારી કેસમાં ગુજરાત હાઈકોર્ટમાં મહત્વની સુનાવણી હાથ ધરવામાં આવી છે. સુનાવણી દરમિયાન પીડિત પરિવાર વતી કોર્ટમાં ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. પરિવારનો આરોપ છે કે સ્થાનિક પોલીસ મુખ્ય આરોપીઓના ભારે પ્રભાવ હેઠળ કામ કરી રહી છે અને પૂર્વ આયોજિત હત્યાના આ સમગ્ર બનાવને માત્ર એક સામાન્ય અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. કેસની ગંભીરતા ધ્યાને રાખીને અરજદાર પક્ષે હાઈકોર્ટ સમક્ષ આ મામલાની સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઇ) પાસે તપાસ કરાવવાની માંગ કરી છે. આ સાથે અગાઉ ગણેશ ગોંડલના કરાયેલા નાર્કો ટેસ્ટની વિશ્વસનીયતા સામે પણ ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા છે.

કેસની સુનાવણી દરમિયાન ગુજરાત હાઈકોર્ટે કાયદો અને વ્યવસ્થા તેમજ તપાસની દિશા અંગે સરકાર પક્ષ સામે આકરા સવાલો કર્યા હતા. હાઈકોર્ટે સીધો સવાલ પૂછ્યો હતો કે, આ ગુનાના મુખ્ય આરોપી અને અકસ્માત સર્જનારી લક્ઝરી બસના ચાલક વચ્ચે કોઈ આંતરિક કનેક્શન કે સાંઠગાંઠ છે ખરી? અદાલતના આ ધારદાર સવાલના જવાબમાં સરકાર પક્ષ તરફથી નકારમાં ઉત્તર આપવામાં આવ્યો હતો અને જણાવાયું હતું કે બસ ચાલક અને આરોપીઓ વચ્ચે પ્રાથમિક દ્રષ્ટિએ કોઈ કનેક્શન મળી આવ્યું નથી.

અરજદારપક્ષ તરફથી ફરી એકવાર ગંભીર આક્ષેપો કરતાં અદાલતનું ધ્યાન દોરાયું હતું કે, ગત તા. 2-3-2025ના રોજ આરોપીના ઘરમાં મૃતકને માર મરાયો હતો, તેના પિતાને પણ લાફા માર્યા હતા. તે રાતથી રાજકુમાર ગાયબ થયો હતો. બીજા દિવસે તેના ગુમ થયાની ફરિયાદ આપવામાં આવી હતી. તે સીસીટીવીમાં નગ્ન અને ત્યારબાદ બીજા કપડામાં દેખાય છે. વ્યક્તિ પોતાના ઘરથી દૂર એક જ રાતમાં બાવન કિલોમીટર કેવી રીતે ચાલી શકે? તેને પહેલા પહેરેલા કપડાં મળ્યા નથી. તેને નગ્ન ચાલવા મજબૂર કોણે કર્યો? તે નગ્ન ચાલતો હતો ત્યારે કેટલીક ગાડીઓ તેનો પીછો કરતી હતી. અમને લાગે છે કે તેને મારીને લક્ઝરી સામે નાખી દેવાયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application