ઓનલાઇન ગેમિંગ અને બેટિંગના નામે ચાલતી છેતરપિંડી વિરુદ્ધ કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ એક મોટી કાર્યવાહી હાથ ધરી છે. સાયપ્રસ સ્થિત પ્રખ્યાત ઓનલાઇન બેટિંગ પ્લેટફોર્મ 'પરિમેચ' વિરુદ્ધ એજન્સીએ ગુજરાત, મહારાષ્ટ્ર, દિલ્હી, રાજસ્થાન, દમણ અને ઉત્તર પ્રદેશ સહિત દેશના અલગ-અલગ રાજ્યોમાં ૧૭ સ્થળોએ એકસામટા દરોડા પાડ્યા છે. પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ, ૨૦૦૨ હેઠળ હાથ ધરવામાં આવેલા આ પ્રારંભિક ઓપરેશનમાં જ એજન્સીને ૧.૨ કરોડ રૂપિયાની રોકડ, ૩.૮ કરોડ રૂપિયાની બેંક બેલેન્સ અને આશરે ૧.૫૬ કરોડની અન્ય મિલકતો સહિત અસંખ્ય વાંધાજનક દસ્તાવેજો અને ડિજિટલ ડિવાઇસ મળી આવ્યા છે.
ઇડી દ્વારા આ કડક કાર્યવાહી મુંબઈ સાયબર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆરના આધારે શરૂ કરવામાં આવી છે. પરિમેચ પ્લેટફોર્મ દ્વારા સામાન્ય લોકોને રાતોરાત વધુ નફો કમાવવાની લાલચ આપીને મોટા પાયે છેતરપિંડી કરવામાં આવી રહી હોવાનો આરોપ છે. તપાસ દરમિયાન ચોંકાવનારી વિગત સામે આવી છે કે, આ પ્લેટફોર્મે માત્ર એક જ વર્ષના ગાળામાં ૩,૦૦૦ કરોડ રૂપિયાથી વધુનો જંગી બિઝનેસ (ટર્નઓવર) કર્યો હતો. આ ગેરકાયદેસર કમાણીના નાણાંને સગેવગે કરવા અને ફેરવવા માટે પ્લેટફોર્મ સાથે જોડાયેલા શખ્સોએ દેશભરમાં એક ખૂબ જ મોટું અને જટિલ નેટવર્ક ઊભું કર્યું હતું.
એજન્સીના રિપોર્ટ અનુસાર, યુઝર્સ પાસેથી પૈસા જમા કરાવવા માટે સોફ્ટવેર, ફિનટેક અને ટેક્નોલોજી કંપનીઓના નામે બનાવટી કરન્ટ એકાઉન્ટ્સ (ચાલુ ખાતા) ખોલાવવામાં આવ્યા હતા. આ મ્યુલ એકાઉન્ટ્સ અને પેમેન્ટ ઇન્ટરમિડિયરી ચેનલો મારફતે ડિપોઝિટ એકત્રિત કરી, તેને બિઝનેસ ટ્રાન્ઝેક્શન કે વેન્ડર પેમેન્ટ તરીકે દર્શાવીને ટ્રાન્સફર કરવામાં આવતી હતી. આ સિસ્ટમ એટલી શાતિર હતી કે રોકાણકારોને થતી ચૂકવણી સીધી પ્લેટફોર્મના સત્તાવાર ખાતામાંથી નહોતી થતી, પરંતુ અન્ય યુઝર્સે જમા કરાવેલી રકમના ટુકડા કરીને ચૂકવાતી હતી, જેથી પૈસાનો અસલી સ્ત્રોત પકડી ન શકાય.
આ મની ટ્રેલ (પૈસાની અવરજવર) ને વધુ અસ્પષ્ટ બનાવવા માટે સ્થાનિક સ્તરે બેંકિંગ કોરસ્પોન્ડન્ટ નેટવર્ક, મોબાઇલ મની ટ્રાન્સફર એજન્ટો, ગ્રાહક સેવા કેન્દ્રો, કેશ મેનેજ સર્વિસ, તેમજ કરિયાણાની દુકાનો અને નાના રિટેલ આઉટલેટ્સનો પણ વ્યાપક ઉપયોગ કરવામાં આવ્યો હતો. ગ્રાહકોના નાણાં પહેલા આ રિટેલર્સ સુધી પહોંચતા અને ત્યાંથી અલગ-અલગ ખાતાઓમાં મોકલી, કેશ એડજસ્ટમેન્ટ અને આરટીજીએસ ટ્રાન્સફર દ્વારા મુખ્ય સ્ત્રોત છુપાવી દેવાતો હતો. ત્યારબાદ, આ કરોડો રૂપિયાની કાળી કમાણીને હવાલા નેટવર્કનો ઉપયોગ કરીને ગેરકાયદેસર રીતે વિદેશ મોકલી દેવામાં આવતી હતી.
પોતાના આ કાળા કારોબારને કાયદેસર અને વિશ્વસનીય બતાવવા માટે પરિમેચે 'પરિમેચ સ્પોર્ટ્સ' અને 'પરિમેચ ન્યૂઝ' જેવા સરોગેટ નામોથી ભારતમાં ટીવી અને સોશિયલ મીડિયા પર મોટા પાયે પ્રચાર કર્યો હતો. આ પ્લેટફોર્મે ભારતના ૧૫થી વધુ રાજ્યોમાં સ્થાનિક ક્રિકેટ લીગ, હોકી અને ફૂટબોલ ટૂર્નામેન્ટોને સ્પોન્સર પણ કરી હતી. એટલું જ નહીં, સામાન્ય ગ્રાહકો સુધી પહોંચવા માટે ક્વિક-કોમર્સ (ગ્રોસરી ડિલિવરી) એપ્સ સાથે જોડાણ કરી ઘરઘર સુધી પ્રચાર સામગ્રી પણ મોકલી હતી. ઇડી દ્વારા અત્યાર સુધીમાં આ આખા કેસમાં કુલ ૧૧૨ કરોડ રૂપિયાની મિલકતો ફ્રીઝ કરી દેવામાં આવી છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે જોડાયેલા આ મની લોન્ડરિંગના તાર શોધવા વધુ તપાસ તેજ કરવામાં આવી છે.