ઠેબા ચોકડીએ અવાર-નવાર થતાં ટ્રાફિક જામથી ચાલકો પરેશાન

  • June 21, 2023 11:26 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર નજીક ઠેબા ચોકડી પાસે ગઇ મોડી સાંજે ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો જેના કારણે વાહનોના થપ્પા લાગી ગયા હતા અને લાંબી લાઇનોથી કલાકો સુધી ચાલકો પરેશાનીમાં મુકાયા હતા ઠેબા ચોકડીની ચારેય તરફ વાહનોની લાંબી લાંબી કતારો લાગી ગઈ હતી, અને વાહનોના થપ્પા થઈ ગયા હતા. તમામ તરફ ચાર ચાર કિલોમીટર સુધી વાહનોની લાંબી લાઈન લાગી જતા અનેક વાહન ચાલકો અટવાઈ પડ્યા હતા. પોલીસ તંત્ર ટ્રાફિક જામ ને મુક્ત કરવા માટે પહોંચે તે પહેલાં કેટલાક વાહન ચાલકોએ જાતે જ રોડ ઉપર ઉતરીને વાહન ક્લિયર કરવા માટેનો પ્રયત્ન કર્યો હતો. જોકે પોલીસ તંત્રની જહેમત બાદ બે કલાકના અંતે તમામ ટ્રાફિક પૂર્વવત બન્યો હતો.
ઠેબા ચોકડી એ આવું અવારનવાર થઇ રહ્યું છે, શહેરના ડેવલપમેન્ટ માટે વિકાસકાર્યો આવકારદાયક છે, પરંતુ જો સુદ્રઢ આયોજન વગર કરવામાં આવે તો તે લોકો માટે શોર્ટ ટાઇમનો અભિષાપ પણ બની જાય છે, માટે જરુરી છે કે કોઇપણ ઓવરબ્રીજ, અંડરબ્રીજ કે ફલાય ઓવરના કામ થતાં હોય ત્યારે ટ્રાફીક પર વિપરીત અસર ન પડે, લોકોને હાલાકી ન થાય, જનજીવન સરળતાથી ચાલે, એ બધી બાબતો ઘ્યાનમાં રાખીને તમામ વિભાગોએ સંકલન કરી કામ કરવું જોઇએ, જેથી કરીને પ્રજાને હાલાકીનો સામનો કરવો પડે નહીં.
ઠેબા ચોકડીની જ વાત કરીએ તો છેલ્લા બે મહિનાની અંદર અનેક વખત ટ્રાફીકજામી સમસ્યા સર્જાઇ છે, આ બાબતને ઘ્યાનમાં રાખીને ચાલી રહેલી કામગીરીના અનુસંધાને ઠેબા ચોકડી પર ર૪ કલાક ટ્રાફીક પોલીસની નજર જરુરી બની ગઇ છે, જેથી કરીને ટ્રાફીકજામ કરતા તત્વો કાબુમાં રહે અને આડેધડ વાહનો ઘુસાડે નહીં, જેના કારણે ટ્રાફીકજામની સમસ્યા થાય છે.
ખાસ કરીને સમર્પણ તરફથી આવતા અને લાલપુર તરફ વળતા તેમજ ખીજડીયા બાયપાસ ચોકડીથી આવતા અને ઠેબા ચોકડીથી શહેરના રસ્તા તરફ વળતા વાહનો જ્યારે આ વળાંક લ્યે છે ત્યારે સમસ્યા વધારે ગંભીર બને છે અને વાહનોની કતાર એક વખત ઘુસી ગયા બાદ બાકીની સાઇડોના વાહનો જામમાં ફસાઇ જાય છે, આવું ન થાય એ માટે હાલની તકે ઠેબા ચોકડી પર ટ્રાફિક નિયમન કરાવવો ખૂબ જરુરી છે, નહીં તો આવનારા દિવસોમાં પણ ટ્રાફીકની સમસ્યા સર્જાતી જ રહેશે અને વગરવાંકે લોકો કલાકો સુધી ચાર ચાર કે પાંચ પાંચ કી.મી.ના જામમાં ફસાઇ જશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application