જામનગરના ગ્રામ્ય વિસ્તારમાં ચોરી કરતી ગેંગ ઝડપાઇ

  • December 29, 2023 11:24 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ધોળા દિવસે વાળ ખરીદવાના બહાને નીકળી બંધ મકાનને ટાર્ગેટ બનાવતા : ૩ શખ્સોની ધરપકડ : ૧.૨૬ લાખનો મુદામાલ કબ્જે લેતી એલસીબી

જામનગરના ગ્રામ્ય વિસ્તારોમાં ઘરફોડ ચોરીને અંજામ આપતી ગેંગના ૩ સાગરીતને એલસીબીએ ૧.૨૬ લાખના મુદામાલ સાથે દબોચી લીધી હતી, ધોળા દિવસે વાળ ખરીદવા, સુતરફેણી વેચવાના બહાને નીકળીને બંધ મકાનને ટાર્ગેટ બનાવતા હતા, પકડાયેલા શખ્સો પૈકી એક ૧૫ ગુનામાં બીજો ૨૧ ગુનામાં સંડોવાયેલો છે.
એસપી પ્રેમસુખ ડેલુએ ઘરફોડ ચોરીના ગુના શોધી કાઢવા એલસીબીને સુચના કરતા પીઆઇ જે.વી. ચૌધરીના માર્ગદર્શન મુજબ એલસીબી પીએસઆઇ આર.કે. કરમટા, પીએસઆઇ પી.એન. મોરી તથા સ્ટાફ પેટ્રોલીંગમાં હતા ત્યારે એલસીબીના ધાનાભાઇ મોરી, વનરાજભાઇ મકવાણા, અરજણભાઇ કોડીયાતર તથા મયુદીનભાઇ સૈયદને હકીકત મળેલ જે આધારે દરેડ ગામ પાસેથી ૫૦૫૦૦ની રોકડ, ૩ મોબાઇલ, ૧ બાઇક અને ડીસમીસ, ચકરી પાનુ સહિતના ૧.૨૬.૨૫૦ના મુદામાલ સાથે દરેડના ભરત ગંભીર પરમાર, પાલીતાણાના શકિતનગરના વતની હાલ દરેડ રહેતા રણજીત ઉર્ફે બોડીયો રામજી પરમાર અને માલવણ ગામના અર્જુન ભગવાન ઉર્ફે ભગા વાઘેલાને પકડી લીધા હતા.
ત્રણેયની અટકાયત કરી પુછપરછ કરવામાં આવી હતી જયારે ઠેબા ગામનો નરેશ મગન કારડીયા નાશી છુટયો હતો. પોલીસની તપાસમાં લાલપુર, કાલાવડ ગ્રામ્ય, પંચકોશી-એના બે ગુના, ભાણવડનો ગુનો શોધી કાઢવામાં આવ્યો છે. આરોપીઓ પોતાના રહેણાકની આજુબાજુના ગામડાઓમાં દિવસ દરમ્યાન મહિલાઓના તુટેલા વાળ લેવા બજારે બજારે ફરી બંધ મકાનને ટાર્ગેટ કરતા, ઘરફોડ ચોરી કરવાની ટેવવાળા છે આથી પોલીસે ગામ લતામાં ધાબડાવાળા વાળ અને સુતરફેણી ખરીદી વેચવાવાળા વિગેરે બાબતે સાવચેત રહેવુ અને કિંમતી જણશો લોકરમાં મુકવાનો આગ્રહ રાખવો એવો સંદેશ આપ્યો છે.
પકડાયેલા આરોપીઓ પૈકી ભરત ગંભીર પરમાર વિરુઘ્ધ જામનગર સીટી-એમાં પાંચ, સીટી-સીમાં ૧, ભાવનગર, સિંહોર, સોનગઢ, પાળીયાદ, ગારીયાધાર, જેસલ, પાલીતાણા, સુરેન્દ્રનગરના મુળી, થાનગઢના મળી ૧૫ ગુના નોંધાયા છે જયારે રણજીત પરમાર સામે તળાજા, સિંહોર, ઉમરાણા, પાલીતાણા, બોટાદ, રાજકોટ ગ્રામ્ય, સોનગઢ, પાળીયાદ, ગાળીયાધર, જેસર, થાનગઢ, મુળી મળી ૨૧ ગુના નોંધાયા છે. આરોપી ભરત થાનગઢના ૩ ગુનામાં નાસતો ફરતો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application