બંગાળની ખાડીમાં સાઉથવેસ્ટ દિશામાં ઉદ્ભવેલું લો પ્રેસર વેલમાર્ક લો પ્રેસરમાં અને ત્યાર પછી અત્યારે ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ ગયું છે. આ સિસ્ટમ શ્રીલંકાના દરિયા કિનારાથી માત્ર 70 કિલોમીટર દૂર છે અને આજે સાંજ સુધીમા તે શ્રીલંકા પર ત્રાટકશે.
આ સિસ્ટમના કારણે તામિલનાડુમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ વરસાદનું જોર વધુ છે. આ ઉપરાંત અરબી સમુદ્રમાં અપર એર સાયકલોનિક સર્ક્યુલેશન કેરલા નજીક જોવા મળ્યું હોવાથી કેરેલામાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે. સિસ્ટમની અસરના ભાગરૂપે પુડીચેરી અને નિકોબારમાં પણ વરસાદ ચાલુ જ છે.
ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ જણાવ્યા મુજબ આ સિસ્ટમ અત્યારે શ્રીલંકાના ત્રિન્કોમલીથી 70 કિલોમીટર દૂર છે અને આજે સાંજ સુધીમા તે જાફના અને ત્રિનકોમલી વચ્ચે ટકરાશે ત્યારે તેની ઝડપ પ્રતિ કલાકના 45 થી 55 કીલોમીટરની આસપાસ રહેશે.
બંગાળની ખાડીના લો પ્રેસરની આ સિસ્ટમ ડિપ્રેશન સુધી પહોંચ્યા પછી નબળી પડી જશે અને વાવાઝોડાની કોઈ શક્યતા નથી. જ્યારે આ સિસ્ટમ દરિયા કાંઠે લેન્ડફોલ થશે ત્યારે પવનની ગતિ સામાન્યથી થોડી વધુ રહેવાના કારણે નુકસાનીની પણ શક્યતા ઘણી ઓછી થઈ છે. જો કે આમ છતાં તંત્ર સાબદું છે અને સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.