રાજકોટ મનપાની ચૂંટણીમાં ડિપોઝિટ ગુમાવનાર ઉમેદવારો માટેના હુકમો કાઢવાની શરૂઆત કરી દેવામાં આવી છે. ચૂંટણી પરિણામ બાદ ૮ દિવસમાં કુલ ૬૬ જેટલા ઉમેદવારોને હુકમ કરી ડિપોઝિટ જમ કર્યાનું જણાવવામાં આવ્યું છે. ત્યારે આવનારા દિવસોમાં બાકી રહેલા હુકમ કરવામાં આવશે. રાજકોટ મહાનગર પાલિકાની ચૂંટણી ૨૬ એપ્રિલના રોજ યોજાઈ હતી. કુલ ૧૮ વોર્ડ માટે ૭૨ ઉમેદવારો ચૂંટાય ગયા છે. જેનું પરિણામ તારીખ ૨૮ એપ્રિલના રોજ આવી ગયું છે. રાજ્ય ચૂંટણી પંચના નિયમો મુજબ, જો ઉમેદવાર નિર્ધારિત મર્યાદા જેટલા મત મેળવવામાં નિષ્ફળ રહે, તો તેણે ફોર્મ ભરતી વખતે જમા કરાવેલી રકમ સરકારી તિજારીમાં જમા થઈ જાય છે. નિયમ મુજબ કુલ મતના છઠ્ઠા ભાગથી ઓછા મત મળે તો તે ઉમેવાર ડિપોઝિટ ગુમાવે છે. એટલે કે, જો કોઈ ઉમેદવારને તે વોર્ડ અથવા બેઠક પર પડેલા કુલ માન્ય મતોના છઠ્ઠા ભાગ કરતા ઓછા મત મળે, તો તેની ડિપોઝિટ જમ કરવામાં આવે છે. જેની ઉમેદવારને જાણ પ્રિસાઈડિંગ ઓફિસર દ્વારા હુકમ કરી કરવામાં આવે છે. રાજકોટ મનપાની ચૂંટણી પરિણામના આઠ દિવસ બાદ ૬૬ જેટલા ઉમેદવારોને આર.ઓ. દ્વારા હુકમ જારી કરી કહેવામાં આવ્યું છે. જ્યારે કામગીરીમાં આટલા ઉમેદવારો માટે ઓર્ડર થયા બાકી રહેલા વોર્ડ માટેના ઉમેદવારોને એક અઠવાડિયાની અંદર જાણ કરવામાં આવશે.