જામનગર મહાનગરપાલિકાની જનરલ બોર્ડમાં શહેરમાં આવેલી જેસીસી હોસ્પીટલ અને ઓશવાળ આયુષ હોસ્પીટલમાં સરકારી આયુષ્યમાન કાર્ડથી ખોટા ઓપરેશન કરવામાં આવ્યા છે, અને મોટા ભાગના લોકો જામનગરમાં રહે છે, મહાપાલિકા સંચાલિત આરોગ્ય શાખાના અધિકારીએ આ અંગે તપાસ કરીને કડક પગલાં લેવા જોઇએ અને જો તપાસ થઇ હોય તો, પ્રેસ મીડીયામાં આ અંગેની વિગતો જાહેર કરવી જોઇએ એટલું જ નહીં, જામનગર શહેરની આ બંને હોસ્પીટલમાં આયુષ્યમાન કાર્ડમાં ભયંકર કૌભાંડ થયેલ છે ત્યારે મેયર, ડે. મેયર, કમિશ્નર, ચેરમેન અને બધાં સાથે મળીને આ અંગે રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ રજુઆત કરવી જોઇએ તેવી દરખાસ્ત આજે મેયર વિનોદ ખીમસુર્યાના અધ્યક્ષ-સ્થાને બોલાવાયેલી જનરલ બોર્ડમાં નગરસેવિકા રચના નંદાણીયાએ કરી હતી.
જામનગર મહાપાલિકા સંચાલિત ગાયના ઢોર ડબ્બા જ્યાં ગાયોને રાખવામાં આવે છે ત્યાં પણ વારંવાર તપાસ કરવી જોઇએ, ઉપરાંત આયુષ્યમાન કાર્ડમાં જે કૌભાંડ થયા છે તે અંગે તપાસ કરવી જોઇએ, તેના જવાબમાં અધિકારી કેતન કટેશીયાએ કહ્યું હતું કે, દુઝણી ગાયને રકમ ભરીને લોકો છોડાવી જાય છે અને મનીષ કટારીયાએ જણાવ્યું હતું કે, કચ્છમાં મોટા શીંગડાવાળી કાંકરેજ ગાય જોવા મળે છે અને આપણે ત્યાં લાલ કલરની ગાય હોય છે ત્યારે રાહુલ બોરીચાએ એવો આક્ષેપ કર્યો હતો કે, જ્યારે ગાયોને જામનગરની બહાર મોકલવામાં આવે છે ત્યારે કેટલીક ગાયોને વચ્ચેથી ઉતારી લેવામાં આવે છે, આ આક્ષેપ અંગે મનીષ કટારીયાએ ગુસ્સામાં કહ્યું હતું કે, કોઇપણ જાતિ તપાસ કર્યા વિના આ પ્રકારના આક્ષેપ કરવા નહીં, અને તમારી પાસે જો પ્રુફ હોય તો રજુ કરવું.
જનરલ બોર્ડમાં જેનબ ખફી, વિપક્ષી નેતા ધવલ નંદા, ચેરમેન નિલેષ કગથરા સહિતના કોર્પોરેટરોએ ચર્ચામાં ભાગ લીધો હતો, આ બોર્ડમાં મહાપાલિકાની આખરી ટી.પી. સ્કીમ નંબર : ૨, ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ ૧૯૭૬ ની કલમ અંતર્ગત યોજનાને દ્વિતિય ફેરફાર કરવા ટાઉન પ્લાનીંગ અને માર્કેટીંગ ઠરાવને બહાલી આપવાની દરખાસ્ત મંજુર કરાઇ હતી.

આ ઉપરાંત ટી.પી. સ્કીમ નંબર : ૨, ફાયનલ પ્લોટ નં. ૬૭ પૈકીની ૨૧૨૧ ચો.મી. જમીન શ્રીજી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વેંચાણથી આપવાની દરખાસ્ત મંજુર કરાઇ હતી, વોટર વર્કસ શાખાના સબ ઇન્સ્પેક્ટરની મંજુર થયેલી જગ્યામાં વધારો કરવાની દરખાસ્ત તેમજ સેક્રેટરીની જગ્યા માટે આ ચાર્જને બહાલી આપવાની દરખાસ્ત મંજુર કરવામાં આવી હતી.
જામ્યુકોના મુખ્ય આરોગ્ય અધિકારીની જવાબદારી શું...?
જામનગર મહાનગરપાલિકાના મુખ્ય આરોગ્ય અધિકારી કેટલીક બાબતોમાં ઢીલી નીતી અપનાવતા હોવાની રાવ ઉઠી છે ત્યારે જામનગરમાં બે હોસ્પીટલમાં આયુષ્યમાન કાર્ડ ઉપર કૌભાંડ થયા હતા અને કેટલાંક લોકોને સારવારની જરુર ન હોવા છતાં ઓપરેશન કરી નાંખવામાં આવ્યા હતા, આવા ગંભીર મુદ્દે કોર્પોરેશને કોઇ કડક કાર્યવાહી કરી નથી, તો શું આવા કૌભાંડ થાય તો મુખ્ય આરોગ્ય અધિકારીની કંઇ જ જવાબદારી નથી...? આવો પ્રશ્ર્ન પણ બોર્ડમાં અંદરોઅંદર ચર્ચાઇ રહ્યો હતો.
જનરલ બોર્ડમાં આવ્યા, બીનાબેન બન્યા આક્રમક: સંકલનમાં સમયસર આવો...
આજે મહાનગરપાલિકાની જનરલ બોર્ડની બેઠક ૧૫ મીનીટ મોડી શરુ થઇ હતી, ત્યારે ભાજપના શહેર પ્રમુખ અને કોર્પોરેટર બીનાબેન કોઠારીએ આવતાં જ આક્રમક મૂડનો પરચો દેખાડ્યો હતો, ખાસ કરીને મહિલા કોર્પોરેટરો પાસે જઇને કહ્યું હતું કે, તમે લોકો સંકલનમાં કેમ સમયસર આવતાં નથી...? અને કેટલાંક લોકો કેમ ગેરહાજર છો...? આવતાં વખતથી આ પ્રકારનું નહીં ચાલે... એવું કહેતાં જ તમામ સભ્યોમાં સોંપો પડી ગયો હતો અને લગભગ આઠેક મહિના પહેલાં પ્રમુખ બન્યા બાદ શહેર પ્રમુખે જાહેરમાં મહિલા નગરસેવિકાઓને તતડાવી નાંખતા તમામ સભ્યો ચૂપ થઇ ગયા હતા.