રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા જૂન મહિનો સાવ કોરો કટ ગયો છે. તા.૧ જૂનથી શરૂ થયેલા ફ્લડ સેલના કંટ્રોલરૂમમાં ફ્ક્ત એક જ દિવસ છૂટો છવાયો વરસાદ નોંધાયો છે. ખેડૂતો વાવણી લાયક વરસાદની રાહ જોઇને બેઠા છે ત્યારે જો હવે જુલાઇ મહિનામાં મેઘરાજા મન મુકીને નહીં વરસે તો સૌરાષ્ટ્રની હાલત માઠી થવાના એંધાણ વર્તાઇ રહ્યા છે.
ઇરીગેશન ફ્લડ સેલના આજના રિપોર્ટ અનુસાર, રાજકોટ મહાપાલિકા અને રાજકોટ સિંચાઇ વર્તુળ હેઠળના સૌરાષ્ટ્રના કુલ ૮૩માંથી ફ્ક્ત પાંચ જ ડેમમાં પચાસ ટકાથી વધુ જળ જથ્થો ઉપલબ્ધ છે અન્ય ૭૮ ડેમની સપાટી ૫૦ ટકાથી નીચે છે. તદ્ઉપરાંત જે ૭૮ ડેમની સપાટી ૫૦ ટકાથી નીચે છે તેમાં અમુક ડેમ તો સંપૂર્ણ તળિયા ઝાટક થઇ મેદાન બની ગયા છે.
રાજકોટ શહેરને પીવાનું પાણી પૂરૂં પાડતા આજી-૧ ડેમમાં સૌની યોજનાનું નર્મદાનીર ઠાલવવામાં આવી રહ્યું છે જેથી કુલ ૨૯ ફૂટની ઊંડાઇના આજી-૧ સપાટી હાલ ૧૯.૪૦ ફૂટ છે, જ્યારે પશ્ચિમ રાજકોટના કુલ ૨૫.૧૦ ફૂટની ઊંડાઇના ન્યારી-૧ ડેમની સપાટી ઝડપભેર ઘટી રહી છે અને હાલ ૧૨.૩૦ ફૂટ રહી છે, હવે ટૂંક સમયમાં ન્યારી-૧ ડેમમાં પણ સૌની યોજનાનું નર્મદાનીર ઠાલવવાનું શરૂ કરાશે.
રાજકોટના જળાશયોની આજની સ્થિતિ
જળાશય કુલ ઉંડાઇ આજની સપાટી ઉપલબ્ધ જથ્થો
આજી-૧ ૨૯ ફૂટ ૧૯.૪૦ ફૂટ ૪૨.૬૩ ટકા
ન્યારી-૧ ૨૫.૧૦ ફૂટ ૧૨.૩૦ ફૂટ ૨૭.૨૫ ટકા
ભાદર-૧ ૩૪ ફૂટ ૧૯.૩૦ ફૂટ ૧૪.૯૩ ટકા