ડિટેકશનની સાથે રમતમાં પણ અવ્રાજકોટ શહેર પોલીસના પાંચમા વાર્ષિક રમતોત્સવમાં ડીસીપી ક્રાઇમ ટીમ ચેમ્પિયન બની હતી. બેસ્ટ એથલિટના પુરુષ અને મહિલા વિભાગમાં ડીસીપી ક્રાઇમ ટીમના ખેલાડી વિજેતા બન્યા હતા.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયાના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેર પોલીસના જવાનોમાં માનસિક અને શારીરિક ફિટનેસ જળવાઈ રહે અને પોલીસ અધિકારી કર્મચારીઓ સ્ટેટ અને નેશનલ લેવલે પોલીસનું નામ રોશન કરે તથા રમતગમતને પ્રોત્સાહન મળે તેવા હેતુથી ગત તા. 27- 01-2026 થી 30-01-2026 દરમિયાન ચાર દિવસીય રાજકોટ શહેર પોલીસના પાંચમાં વાર્ષિક રમતોત્સવ 2025-26 નું આયોજન કરવામાં આવ્યું હતું. વાર્ષિક રમતોત્સવમાં ટ્રેક એન્ડ ફિલ્ડમાં નવ ઇવેન્ટ, ટીમ ગેમમાં છ ઇવેન્ટ અને ઇન્ડોર ગેમ્સમાં ત્રણ ઇવેન્ટનો સમાવેશ કરવામાં આવેલ હતો. જેમાં ડીસીપી ક્રાઈમ, ડીસીપી ઝોન-1, ડીસીપી ઝોન-2 અને ડીસીપી હેડ ક્વાર્ટર એમ ચાર ટીમો બનાવવામાં આવી હતી. જે ટીમોમાં પુરુષ- મહિલા સહિત 400 ખેલાડીઓએ ભાગ લીધો હતો.
વાર્ષિક રમતોત્સવમાં જનરલ ચેમ્પિયનશીપમાં ડીસીપી ક્રાઈમની ટીમે બાજી મારી ચેમ્પિયન બની હતી. રમતોત્સવમાં બેસ્ટ એથલીટ પુરુષ વિભાગમાં ડીસીપી ક્રાઇમ ટીમના અર્જુનભાઈ ડવ અને બેસ્ટ એથલિટ મહિલા વિભાગમાં ડીસીપી ક્રાઇમ ટીમના નેહાબેન મકવાણા વિજેતા બન્યા હતા.
વાર્ષિક રમતોત્સવની પૂર્ણાહુતિ સમારંભમાં મુખ્ય મહેમાન તરીકે શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે તેમની સાથે અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા, ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા, ડીસીપી ઝોન-1 હેતલ પટેલ અને ડીસીપી ઝોન-2 રાકેશ દેસાઈ સહીત તમામ એસીપી, પીઆઈ હાજર રહ્યા હતા.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ ક્લોઝિંગ સેરેમનીના ઉદબોધનમાં જણાવ્યું હતું કે, આજના વ્યસ્ત જીવનમાં યુવાનો ઘણીવાર ખાલી સમયનો સકારાત્મક ઉપયોગ કરી શકતા નથી. ત્યારે રમતોત્સવ જેવા કાર્યક્રમો યુવાનોને ખેલકૂદ સાથે જોડીને શારીરિક અને માનસિક તંદુરસ્તી માટે અત્યંત ઉપયોગી સાબિત થાય છે. તેમણે કહ્યું હતું કે, હાલમાં પોલીસ સંકુલમાં ઉપલબ્ધ ન હોય તેવી ઇન્ડોર ગેમ્સ જેવી કે ટેબલ ટેનિસ અને બેડમિન્ટન આગામી વર્ષથી રાજકોટ શહેર પોલીસ સંકુલમાં યોજાનાર છે. વધુમાં તેમણે વાર્ષિક રમતોત્સવમાં વિજેતા થયેલા ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા. જે રીતે રમતોત્સવમાં પરિવાર ભાવનાથી પોલીસની ટીમોએ પ્રદર્શન કર્યું છે તેવી જ રીતે પોલીસ તરીકેની ફરજો પણ સમૂહ ભાવનાથી નિભાવીએ તેવી આશા સીપીએ આશા વ્યક્ત કરી હતી. ઉલ્લેખનીય છે કે, હરીફાઈને સફળ બનાવવા રાજકોટ મનપા, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા સહયોગ આપવામાં આવેલ હતો.