રાજકોટના વિવાદિત વકીલ સંજય પંડિત સામે અગાઉ ફરિયાદ કરનાર યુવતીના કેસના સાક્ષીઓને ફોડી પોતાની સામેની અગાઉની ફરિયાદ પાછી ખેંચી લેવા જામનગરના ટ્રિપલ મર્ડરના કુખ્યાત આરોપી ભવાન સોઢાને સોપારી આપી યુવતી અને તેના પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપતા ભોગ બનનાર યુવતીએ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ કરતા નવ શખ્સ સામે ગુનો નોંધી તપાસ નો ધમધમાટ શરૂ કર્યો છે.
પોલીસ સુત્રો માંથી મળતી વિગતો મુજબ રાજકોટ શહેરમાં રહેતી પૂજા આડેસરા નામની સોની યુવતી એ રાજકોટ ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદમાં નોંધાવી હતી જેમાં આરોપી તરીકે વિવાદિત વકીલ સંજય હેમંતભાઈ પંડિત, નરેશ અમરશી સોલંકી, દિના નરેશ સોલંકી, ચંદ્રકાંત ઉર્ફે ચંદુલાલ અમૃતલાલ વાઘેલા, સંધ્યા ઉર્ફે અકુ ચંદ્રકાંત વાઘેલા, સરોજ ખોડીલાલ પરમાર, ખોડીલાલ પરમાર, પ્રવીણ રાઘવ ઝાલા અને પંકજ ભવાન સોઢાના નામ નોંધાવ્યા હતા.
ફરીયાદી યુવતીએ જણાવ્યું હતું કે, અગાઉ તેણે ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, જે ફરિયાદમાં નરેશ સોલંકી અને તેની પત્ની દિના સોલંકી તેના કેસમાં સાક્ષી હતા, ગત 11 જૂન 2024ના પોતે નરેશ સોલંકીના ઘરે મામા સાહેબના મંદિરે દર્શને ગયા હતા ત્યારે નરેશના બનેવી ખોડીલાલ પરમારના વેવાઈ પ્રવીણ ઝાલા અને
તેનો માસીનો દીકરો પંકજ સોઢા ત્યાં હાજર હતા.
ત્યારે નરેશ સોલંકીએ યુવતીને કહ્યું હતું કે, ગોકુલ સગપરિયા સાથે અગાઉના ગુનામાં તમે રકમ લઈને સમાધાન કરી લીધાની વાત છે, બાદ પંકજ સોઢા સહિતનાઓએ તમારે સમાધાન થયું છે તો તમારે અમને રકમ આપવી પડશે અને રકમ નહીં આપો તો અમારો ગુનાહિત ઇતિહાસ જાણી લેજો, ક્યાંય ખોવાઈ જશો તેમ કહી ધમકી આપી હતી.
જે અંગે પૂજાએ પોતાના કેસના સાક્ષીઓ નરેશ સોલંકી અને તેના પત્ની દિના સોલંકીને જરૂર હોય અગાઉ નાણાં આપ્યા હતા તે રકમની પૂજાએ ઉઘરાણી કરતાં બંનેએ પૈસા આપવાનો ઈનકાર કર્યો હતો અને જો પૈસા માગશો તો વકીલ સંજય પંડિત સાથે મળીને તમારી વિરુદ્ધ જુબાની આપશું તેમ કહી ધમકાવ્યા હતા.
ત્યારબાદ તા.18 જૂન 2025ના નરેશ સોલંકી સહિતનાઓએ સમાધાન માટે સંજય પંડિત સાથે બેઠક કરાવી હતી, પરંતુ પૂજાએ સમાધાન કરવાની ના કહેતા અન્ય આરોપીઓ પ્રવીણ અને પંકજ સહિતનાઓએ ફરીથી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
વધુમાં પંકજ સોઢાએ એડવોકેટ સંજય પંડિત સામે નોંધાવેલી ફરિયાદ પાછી ખેંચી લેવા યુવતીને માનસિક ત્રાસ આપી દબાણ કરી આરોપીઓએ યુવતી અને તેના પિતા પાસે રૂપિયાની માંગ કરી જો નહી આપે તો પિતાની હત્યાનો આરોપી પંકજ સોઢાને હવાલો આપ્યાનો પણ યુવતીએ પોતાની ફરિયાદમાં આક્ષેપ કરતા ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોંધી ૯ આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી.