મંડપની કામગીરીમાં ભ્રષ્ટાચાર અંગે કોંગી નગરસેવિકાના આક્ષેપ

  • December 19, 2023 01:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વિપક્ષી નગરસેવિકા રચના નંદાણીયાએ કહ્યું કે, ભ્રષ્ટાચાર કરતા લોકોના શા માટે કોન્ટ્રાક્ટ રીન્યુ કરો છો ?: ગરીબ રેંકડીવાળાઓને હવે પરેશાન કરવાનું બંધ કરો: શાસક પક્ષના નગરસેવકોએ ઉગ્ર અવાજે કહ્યું કે, ભુગર્ભના કામો વોર્ડમાં યોગ્ય થતાં નથી, કોન્ટ્રાક્ટરનું નામ રદ્દ કરો

જામનગર મહાનગરપાલિકાની જનરલ બોર્ડની મહત્વની બેઠકમાં આજે ફાયર બ્રાન્ડ વિપક્ષી નગરસેવિકા રચના નંદાણીયાએ મંડપના કામ થતાં ભ્રષ્ટાચાર અંગે ભાજપના અગ્રણીઓને કેમ છાવરો છો ? અને તેના કોન્ટ્રાક્ટ શા માટે રીન્યુ કરો છો ? અન્ય ટેન્ડર કેમ મંગાવવામાં આવતા નથી ? તેવા સીધા આક્ષેપ કરતા આખરે આ બબાલ દરમ્યાન મેયરે બોર્ડ પૂરી કરી દેવાની જાહેરાત કરી હતી, બીજી તરફ વોર્ડ નં. ૬ માં ભૂગર્ભ ગટરના કામ અંગે ઉગ્ર રજૂઆત થયા બાદ ખુદ શાસક પક્ષના ત્રણ નગરસેવકોએ પણ ભૂગર્ભ ગટરના કામ અંગે હલ્લાબોલ કરીને આ કોન્ટ્રાક્ટર કોઇનું માનતા નથી અને કામ પણ કરતા નથી, તેઓ કામ પણ કરતા નથી, આ એજન્સીને રદ્દ કરવી જોઇએ, તેવી માંગણી કરતા બોર્ડમાં સનસનાટી મચી ગઇ હતી, વિપક્ષી નેતા ધવલ નંદાએ કહ્યું હતું કે, આવાસ યોજનાના લોકોના રુપિયા કોર્પોરેશને શા માટે વાપરી નાખ્યા ? તમોને આ રુપિયા વાપરવાનો કોઇ હક્ક નથી, આ અંગે યોગ્ય ઉકેલ લાવવા માંગણી કરી છે, જ્યારે ગરીબ રેંકડીવાળા લોકોને શા માટે હટાવો છો ? તેમની હાય લાગશે... તેમ કહીને એસ્ટેટ અધિકારી સામે પણ વિપક્ષી નગરસેવિકાએ આક્ષેપ કર્યા હતા.
બોર્ડના અંતમાં વિપક્ષી નગરસેવિકા રચના નંદાણીયાએ સીધો આક્ષેપ કર્યો હતો કે, વાવાઝોડા દરમ્યાન મંડપની એજન્સીના કેટલાક બીલો ખોટા છે અને આ બીલ ચેક કરાયા નથી, તો કોના નામેનું ટેન્ડર હતું, કારણ કે રપ ખુરશીના બદલે ૧૦૦, ૧૦ ટેબલને બદલે ૧૦૦ ટેબલ, રપ ગાદલાને બદલે ૧૦૦ ગાદલા આ પ્રકારના બીલો બનાવવામાં આવ્યા છે અને આ વ્યક્તિ ભાજપના અગ્રણી કાર્યકર છે, તેથી તેમના સામે કોઇ પગલા નથી, તે કાર્યકર ભાજપના પ્રમુખની પણ નજીક છે, ત્યારે ટેન્ડરીંગ વિના સ્ટે. કમિટીએ આ શા માટે આ વ્યક્તિનો કોન્ટ્રાક્ટર રીન્યુ કર્યો ? તેવો અણિયારો સવાલ તેણીએ પૂછ્યો હતો, તેના જવાબમાં ડીએમસી ભાવેશ જાનીએ કહ્યું હતું, બીલ બન્યા પછી અમોએ ચેક કર્યું છે અને ત્યારબાદ ઓડીટમાં મોકલ્યું છે, જેટલી વસ્તુ મંગાવવામાં આવી હતી, તેનું જ બીલ બન્યું છે. ત્યારબાદ રેંકડીવાળાઓને શા માટે હટાવવો છો ? તેવો પ્રશ્ર્ન પણ કર્યો હતો, તેમજ મ્યુ. કમિશ્નર, મેયર અને ચેરમેનની ઓફિસની બહાર સીક્યુરીટીના રુા. રપ હજાર આપીને પ્રજાના રુપિયા શા માટે વેડફો છો, તમે તમારા રુપિયે સીક્યુરીટી રાખો ને...
ચેરમેન નિલેશ કગથરાએ વળતો જવાબ આપતા જણાવ્યું હતું કે, અમોને સતા મળી છે તે મુજબ ટેન્ડર રીન્યુ કર્યું છે, સતાની બહાર કોઇ કાર્યવાહી કરી નથી, ત્યારે આ અંગે પણ તમે જે આક્ષેપ કર્યા છે તે ખોટા છે, ત્યારે વિપક્ષી નગરસેવિકાએ એવો ટોણો માર્યો હતો કે, તમે દાદાગીરી કરીને ચેરમેન બની ગયા છે અને આશિષભાઇ જોષીને બહાર રાખી દીધા છે, એ શું યોગ્ય છે ?
વિપક્ષી નેતા ધવલ નંદાએ કહ્યું હતું કે, આવાસ યોજના માટે શા માટે બે આવાસની એફ.ડી. ન કરાવાઇ ? અત્યારે હાલત એટલી ખરાબ છે કે રુા. ૬૦ લાખના બેલેન્સમાંથી રુા. ૧પ લાખનું બેલેન્સ થઇ ગયું છે, તો તેની જવાબદારી કોની ? કોર્પોરેશને શા માટે લોકોની મૂડી વાપરી નાખી ? તેના જવાબમાં અધિકારી અશોક જોષીએ કહ્યું હતું, અવારનવાર વેરા ભરવા અંગે અને એસોસીએશન બનાવવા માટે વિનંતી કરવામાં આવી હતી, પરંતુ તે ન બનાવતા તેઓના પૈસામાંથી વેરા અને બીલ ભરવામાં આવ્યા છે.
શાસક પક્ષના કોર્પોરેટર કિશન માડમ અને જયરાજસિંહ જાડેજાએ કહ્યું હતું કે, ભૂગર્ભ ગટરના કોન્ટ્રાક્ટર માનતા નથી, ગટરો સાફ થતી નથી અને રજૂઆત કરીએ છે તો એવો જવાબ મળે છે કે તમારે જે કરવું હોય તે કરી લ્યો... ત્રણ-ત્રણ વર્ષથી રજૂઆત કરી છે, પરંતુ અમા‚ં કોઇ સાંભળતું નથી. ભૂગર્ભ ગટરના પ્રશ્ર્નમાં રાહુલ બોરીચા અને ફુરકાન શેખે પણ વોર્ડ નં. ૬ માં ગટરના યોગ્ય કામો થતા નથી અને તાત્કાલિક રોજકામ કરાવવા રજૂઆત કરી હતી, જ્યારે જયરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, વેસ્ટ એનર્જી કંપનીમાંથી બહુ જ દુર્ગંધ આવે છે, સાંજે પ વાગ્યા પછી વોર્ડ નં. ર, ૩, ૪ ના લોકો ઘરમાં રહી શકતા નથી, આ કંપનીને શિયાળામાં બે મહિના બંધ કરાવી દયો, અન્યથા સ્પ્રે મુકાવી દયો...
જૈનબ ખફીએ જણાવ્યું હતું કે, ભૂગર્ભ ગટરના કામો યોગ્ય થતાં નથી, પરંતુ દર મહિને આ કંપનીવાળાઓને ર૦ લાખ ચૂકવીએ છીએ, ગટર સાફ થતી નથી, તો ખુલ્લી ગટર આના કરતા બહુ સારી હતી, કીર્તી પાનથી ટીટોડી વાડી સુધી રુા. ૯ કરોડ ઉપરનું કામ થયું છે, તે ચેક કરાવીને તેનું રોજકામ કરાવવું જોઇએ, અત્યારે પણ ત્યાં પાણી ભરાઇ છે, કંપનીવાળાઓએ યોગ્ય લોખંડ વાપર્યું છે કે કેમ ? તે અંગે તપાસ કરો.
નગરસેવક અલ્તાફ ખફીએ કહ્યું હતું કે, સરકારમાંથી એટલે કે જિલ્લા પંચાયતમાંથી આવેલા નિયતિબેન નામના અધિકારી કોઇને ગાઠતા નથી, ગરીબોના કામ કરતા નથી, તેની સામે કાયદેસરના પગલા ભરીને તેને પાછા મોકલી દેવા જોઇએ, આયુષ્યમાન કાર્ડ જેવી મહત્વની કામગીરીમાં અગાઉ નિલેશ ભટ્ટ જેવા અધિકારી ખૂબ જ સહકાર આપતા નથી, પરંતુ આ મહિલા અધિકારી કોઇના ફોન ઉપાડતા નથી, અને કોઇના કામ પણ કરતા નથી.
આ કાર્યવાહીમાં ગોપાલ સોરઠીયા, જયરાજસિંહ જાડેજા, વિપક્ષી નેતા ધવલ નંદા, બીનાબેન કોઠારી, રાહુલ બોરીચા, જૈનબ ખફી, કિશન માડમ, આનંદ રાઠોડ, ફુરકાન શેખ સહિતના નગરસેવકોએ ભાગ લીધો હતો, આખરે વિપક્ષી નગરસેવીકાની રજૂઆત બાદ એકાએક બોર્ડ આટોપી લેવામાં આવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application