રાજકોટના નિવૃત ફૌજી સહિતના સાથે કર્નલની ૧.૪૬ કરોડની છેતરપિંડી

  • March 07, 2025 02:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટના નિવૃત્ત આર્મીમેન સહિત સૈન્ય જવાનો સાથે રૂ.૧.૩૬ કરોડની છેતરપીંડી થયાનો બનાવ અંગે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પુણેના કમાન્ડર લેફટનન્ટ કર્નલ ધનાજીરાવ પાટીલે રાજકોટના મવડીમાં રહેતાં આર્મીમેનને નિવૃત્તિના પૈસા સારી જગ્યાએ રોકાણ કરી મહિને ૮ ટકા વ્યાજ આપશે કહીં કુલ રૂ.૪૧ લાખમાંથી ૧૭ લાખ પરત કર્યા અને રૂ.૧૨.૬૦ લાખનો પ્લોટ લખી આપ્યો હતો અને બાદમાં બાકી નીકળતા રૂ.૧૧.૪૦ લાખ ઓળવી ગયા હતાં. આ ઉપરાંત અન્ય સૈન્ય જવાન અને અધિકારીઓ સાથે પણ છેતરપીંડી કર્યાનું સામે આવતા આરોપી કર્નલને ડિસમીસ કરાયો હતો. જે મામલે રાજકોટ તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ આદરી હતી.

મવડીમાં બાલાજી હોલ પાસે ડ્રિમલેન્ડ એપાર્ટમેન્ટમાં રહેતાં હિતેશકુમાર વ્રજલાલ મુંગરા (ઉ.વ.૩૮) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે ધાનજીરાવ સિવાજીરાવ પાટીલ (રહે. પુણે, મહારાષ્ટ્ર) નું નામ આપ્યું છ.ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેઓ વર્ષ ૨૦૦૩ માં ભારતીય સેનામાં ભરતી અને વર્ષ ૨૦૨૦ નિવૃત થયા છે.

ડીફેન્સમાં છેલ્લુ પોસ્ટીંગ નાસીક ખાતે હતુ અને ત્યાં કંપની કમાન્ડર લેફટનન્ટ કર્નલ ધનાજીરાવ સીવાજીરાવ પાટીલ હોવાથી તેમને ઓળખતાં હતાં. તેઓ નાસિકથી ગત તા.૩૧/૦૩/૨૦૨૦ ના નિવૃત થઇ મે-૨૦૨૦ મા રાજકોટ આવી ગયેલ અને જુલાઇ ૨૦૨૦ માં લેફ્ટેનન્ટ કર્નલ ધાનાજીરાવ પાટીલનો ફોન આવેલ કે, તમારે રીટાયરમેન્ટ પછી જે પૈસા આવવાના છે તે પૈસા તું મને આપ જા પૈસા હું સારી જગ્યાએ રોકાણ કરીશ અને દર મહીને ૮ ટકા જેટલુ વળતર ૩૦ મહિના સુધી આપીશ અને દર ત્રણ મહીને અમુક ટકા રકમ પણ તમને પરત આપતો જઇશ. જેથી તેઓએ પ્રથમ અસહમતિ દર્શાવેલ ત્યારબાદ અવાર-નવાર ફોન આવતા રહેતા અને તે સેનામાં લેફ્ટનન્ટ કર્નલ હોય અને તેની સાથે બે વર્ષ જેટલી નોકરી કરેલ હોય જેથી વિશ્વાસ આવી જતા ગત તા. ૧૫/૦૯/૨૦૨૦ ના નાનામવા ખાતે આવેલ બેંકમાંથી રૂ.૭.૫૦ લાખ તેના એકાઉન્ટમાં જમા કરાવેલ હતા.

ત્યારબાદ અન્ય રકમ ફરીયાદીએ સાઢુભાઇ અમિતભાઇ દુધાત્રાના બેંક એકાઉન્ટમાંથી રૂ.૩ લાખ ચેક દ્વારા ધનાજીરાવના બેંક ખાતામાં જમા કરાવેલ હતાં. ત્યારબાદ ફરીવાર રૂ. ૯.૫૦ લાખ અને રૂ.૫ લાખ ધનાજીરાવના બેંક ખાતામા જમા કરાવેલ હતાં. તેમજ ગત તા.૧૫/૧૦/૨૦૨૦ ના ફોન પે મારફત રૂ.૧ લાખ ધનાજીરાવને ટ્રાન્સફર કરેલ હતાં.

ઉપરાંત તા.૦૧/૧૧/૨૦૨૦ ના ધનાજીરાવે બેંગ્લોર નજીક આવેલ તુમકુર ખાતે આવેલ તેમની પાટીલ કન્સ્ટલન્સીમાં નોકરી કરવા માટેની ઓફર આપેલ હતી. જેથી ફરિયાદી ત્યાં નોકરી કરવા માટે ગયેલ ત્યારે ત્યાં રૂ. ૩૫ હજાર પગારની ઓફર કરેલ હતી. બાદમાં બેંગ્લોર નજીક આવેલ તુમકુર ખાતે તેમની કંપનીમાં એપ્રીલ ૨૦૨૨ સુધી નોકરી કરેલ તે દરમ્યાન ગત તા.૦૧/૧૨/૨૦૨૦ ના ધનાજીરાવ મળવા માટે તુમકુર (બેગ્લોર) આવેલ ત્યારે લેવાના નીકળતા પૈસા માંગતા તેણે પૈસા પરત આપવાની બાહેંધરી આપી હતી.

ત્યારબાદ રૂ.૩ લાખ, બાદમાં રૂ.૧ લાખ ફરીવાર રૂ.૧ લાખ તેના એકાઉન્ટમાં જમા કર્યા હતા. ત્યારબાદ ગત તા.૦૫/૧૨/૨૦૨૦ ના ફરીવાર તેઓએ રૂ. ૪.૫૦ લાખ ધનાજીરાવના બેંક ખાતામા જમા કરાવેલ હતાં. જે મળી કુલ રૂ. ૩૮ લાખ જમા કરાવ્યા હતા. ગત તા-૧૩/૦૧/૨૦૨૧ ના ધનાજીરાવનો દીકરો નરેન પાટીલ મળવા માટે ત્યાં બેગ્લોર કંપની ખાતે આવેલ અને ત્યારે નરેન પાટીલને પણ મારા બાકી લેવાના નીકળતા પૈસા બાબતે વાત કરતા તેણે પણ પૈસા પરત આપી દેવાની બાહેંધરી આપેલ હતી.

બાદમાં તેઓને પૈસાની જરૂર પડતા પૈસા પરત માંગતા આ ધનાજીરાવે જુન-૨૦૨૧ માં રૂ.૧૭ લાખ પરત આપેલા હતા. ત્યારબાદ બાકી નીકળતા રૂ. ૨૧ લાખ પરત માંગતા ધનાજીરાવે કહ્યું હતું કે, મારે મારી દીકરીને વિદેશ મોકલવાની છે અને હાલ મારી પાસે પૈસા નથી અને તમે મને રૂ.૩ લાખ આપો જે તમને હું થોડા સમયમાં કુલ રૂ. ૨૪ લાખ પરત આપી દઇશ જેથી તેમના પર વીશ્વાસ મુકી ફરીવાર રૂ.૩ લાખ આપેલ હતા.

કર્નલને આપેલા પૈસા બાબતેનું કોઇ લખાણ ન કરી આપતા અફરીયાદ કરીશુ તેમ કહેતાં તેને તેલંગણા ખાતેનો તેનો રૂ.૧૨.૬૦ લાખનો પ્લોટ ફરિયાદીના નામે કરી આપેલ હતો. ત્યારબાદ હજુ ધનાજીરાવ પાસેથી રૂ. ૧૧.૪૦ લાખ લેવાના બાકી નીકળતા હોય પૈસા પરત માંગતા તેઓ ગલ્લા તલ્લા કરતા હોય અને કર્નલને આ રીતે અન્ય સાથે મળી કુલ રૂ.૧.૪૬ કરોડની છેતરપિંડી કરી હોય નીવૃત ફૌજીએ ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે ગુનો નોંધી પીએસઆઈ બી. વી.સરવૈયા તથા સ્ટાફે તપાસ હાથ ધરી છે.


આર્મી હેડકવાર્ટરમાં ફરિયાદ થતા કર્નલને ડીસમીસ કરી દેવાયા
નિવૃત ફૌજીને કર્નલે રકમ ન ચૂકવતા તપાસ કરતામિત્રો મરફત જાણવા મળેલ કે, ધનાજીરાવે બીજા ભારતીય સેનાના કર્મચારી-અધીકારી જેમાં હરીશચંદ જોશી સાથે રૂ.૫૧ લાખની છેતરપિંડી કરી છે. તેમજ કર્નલ પ્રતાપ સાથે રૂ. ૩૭ લાખ, કર્નલ બેનાલકર સાથે રૂ. ૪૭ લાખની છેતરપીંડી કરેલ હોવાનું જાણવા મળતા આ બાબતે આર્મી હેડકવાટર દીલ્હી ખાતે ઓગસ્ટ-૨૦૨૨ માં ધનાજીરાવ વિરૂધ્ધ ફરીયાદ કરી હતી જે ફરીયાદ હતી.જે સાબીત થતા તેઓને તા.૧૯/૦૫/૨૦૨૩ ના ભારતીય સેનામાંથી ડીસમીસ કરવામા કર્યા હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News